Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર વકીલોને ગુજરાત બાર કાઉન્સીલ દ્વારા ૭૫ લાખની સહાય ચુકવાશે

રાજકોટ, તા. ૧૧ :. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન હીરાભાઈ એસ. પટેલ, વાઈસ ચેરમેન શંકરસિંહ એસ. ગોહિલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયા રૂલ-૪૦ કમિટીના ચેરમેન દિલીપભાઈ કે. પટેલ, સભ્ય દિપેન કે. દવે, કરણસિંહ બી. વાઘેલા તથા એડમીનીસ્ટ્રેટીવ કમિટીના સભ્ય અનિલ સી. કેલ્લા સહિતનાઓની સંયુકત વર્ચ્યુઅલ મીટીંગ યોજાયેલ. જેમા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર કાયમી ધારાશાસ્ત્રીઓને ત્વરિત રૂપિયા એક લાખ ચૂકવવાનો તેમજ કોરોના મહામારીનો ભોગ બનનાર ધારાશાસ્ત્રીઓને હોસ્પીટલ તથા હોમ આઈસોલેશનમાં સારવાર લીધી હોય તેવા ધારાશાસ્ત્રીઓને મેડીકલ સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ.

આના અનુસંધાને તા. ૨-૫-૨૦૨૧ના રોજ મળેલ મીટીંગમાં ૭૧૦ જેટલા કોરોનામાં ભોગ બનેલ ધારાશાસ્ત્રીઓને કુલ રૂપિયા નેવુ લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ અને ત્યારબાદ આવેલી કોરોના મહામારીમાં મૃત્યુ સહાય મેળવવા માટે ઈમેઈલ દ્વારા મળેલ ૧૯ અરજીઓ તથા કોરોના મહામારીનો ભોગ બનનારે સારવાર લીધેલા ધારાશાસ્ત્રીઓની ઈમેઈલ દ્વારા મળેલ ૪૧૦ અરજીઓ હાથ પર ધરવામાં આવેલ. જેમાં ૧૯ જેટલા કોરોનામાં મૃત્યુ પછી ધારાશાસ્ત્રીઓની આવેલી અરજીને લક્ષમાં લઈ તેમના વારસદારને ત્વરિત રૂપિયા એક લાખ લેખે કુલ રૂપિયા ઓગણીસ લાખ ચૂકવવાનો નિર્ણય કરેલ. તેમજ ૪૬૦ જેટલા ધારાશાસ્ત્રીઓને કોરોના મહામારીમાં માંદગી સહાયની અરજીમાં રૂપિયા ૬૫ લાખ ચૂકવવાનો નિર્ણય કરેલ. જેમાં હોસ્પીટલમાં સારવાર લીધેલ હોય તેવા ૧૨૦ જેટલા ધારાશાસ્ત્રીઓ મેડીકલ બીલો રજૂ કરેલ હોય તેવા ધારાશાસ્ત્રીઓને રૂપિયા વીસ હજાર સુધી ચૂકવવાનો નિર્ણય કરવામાં આવેલ. તેમજ તેમના થયેલ વધુ ખર્ચ માટે વધુ સહાય મળી રહે તે માટે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ઈન્ડિજન્ટ કમિટીને ભલામણ કરવામાં આવેલ.

તદઉપરાંત ૧૨૦ ધારાશાસ્ત્રીઓને તેમના મેડીકલ ખર્ચના પ્રમાણે રૂ. ૩૦,૦૦૦ સહિતની સહાય આપવામાં આવેલ. તેમજ હોમ આઈસોલેશનમાં સારવાર લેનાર ધારાશાસ્ત્રીઓને તેમજ મેડીકલ બીલના હોય તેવા ૩૪૦ ધારાશાસ્ત્રીઓને રૂ. ૧૦,૦૦૦ લેખે એમ કુલ ૪૬૦ જેટલા ધારાશાસ્ત્રીઓને કુલ રૂપિયા ૬૫ લાખ જેટલી રકમ ચુકવવામાં આવેલ. આમ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાતના ૧૧૭૦ જેટલા ધારાશાસ્ત્રીઓને રૂપિયા એક કરોડ પચાસ લાખ જેટલી રકમ કોરોના મહામારીમાં ભોગ બનેલ ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય ચુકવવાનો નિર્ણય કરેલ છે. તદઉપરાંત ૧૪ જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોને મૃત્યુ સહાય પેટે રૂ. એક લાખ લેખે ચૂકવવાનો નિર્ણય કરેલ છે.

(3:02 pm IST)