Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

અમીન માર્ગ પર કારખાનેદાર ચિંતન ફળદુ પર શાળા વખતના મિત્ર રવિનો છરીથી હુમલો

સાંજે ઘરમાંથી બહાર બોલાવી ઓચિંતો જ મિત્ર તૂટી પડ્યોઃ કારણ અંગે કારખાનેદાર અજાણઃ રવિની શોધખોળ કરતી માલવીયાનગર પોલીસ

રાજકોટ તા. ૧૧: અમીન માર્ગ પર રહેતાં કારખાનેદાર પટેલ યુવાન સાંજે ઘરમાં હતો ત્યારે તેના શાળા વખતના મિત્રએ તેને નીચે બોલાવતાં આ યુવાન નીચે જતાં કંઇપણ બોલ્યા વગર જ તેના મિત્રએ છરીથી તૂટી પડી ઘા ઝીંકી દેતાં અને ભાગી જતાં ચર્ચા જાગી છે. હુમલાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવમાં અમીન માર્ગ પર કેન્સ જીન પાછળ હૃદયકું નામના મકાનમાં રહેતાં અને પડધરીમાં સ્ટીલ પાઇપની ફેકટરી ધરાવતાં ચિંતન જીવણભાઇ ફળદુ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે રવિ પાડોદરા સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ચિંતને ફરિયાદમાં જણાવ્યું છે કે હું ૧૦મીએ સાંજે સાતેક વાગ્યે મારા કારખાનેથી ઘે આવી જમીને મારા રૂમમાં બેઠો હતો ત્યારે સાંજે સાડા આઠેક વાગ્યે મારા ભાભી સલોનીબેને જણાવેલ કે તમારા મિત્ર રવિ પાડોદરા નીચે આવ્યા છે. હું નાઇટ ટ્રેકમાં નીચે જતાં રવિએ કંઇપણ પુછ્યા વગર સીધા જ તેના હાથમાં રહેલી શાક સુધારવાની છરીથી હુમલો કરતાં મેં ડાબો હાથ આડો રાખતાં બાવડામાં ઇજા થઇ હતી. તેમજ મને પીઠ, મોઢા, નાકનાભ ાગે અને માથા તેમજ ડાબા સાથળે ઇજાઓ કરી હતી. લોહી નીકળવા માંડતાં રાડારાડી કરતાં મારા મોટાભાઇ સંકેતભાઇ અને ભાભી સલોનીબેન આવી જતાં તેમજ મારી પત્નિ દિવીજા અને માતા નયનાબેન પણ નીચે આવી જતાં મને છોડાવ્યો હતો અને મને ઘરમાં લઇ ગયા હતાં.

એ પછી રવિ તેનું બાઇક લઇ નીકળી ગયો હતો. પડોશી ભવરાજે પણ રવિને ઓળખતો હોઇ તેણે તેને વાત કરવા ઉભો રાખતા ત્યાં પણ ઉભો રહ્યો નહોતો. એ પછી મને મારા ભાઇ સારવાર માટે હોસ્પિટલે લઇ ગયેલ અને રજા આપતાં ઘરે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

મારા પર રવિએ શા માટે હુમલો કર્યો એ મને ખબર નથી. મારે તેની સાથે કોઇપણ દૂશ્મનાવટ પણ નથી, પૈસાની કોઇ લેતીદેતી નથી. અમે સ્કૂલ ટાઇમનામિત્રો છીએ. આમ છતાં તેણે કાંઇપણ પુછ્યા વગર કોઇપણ કારણોસર મારા પર હુમલો  કરી ભાગી ગયો હતો.

પીએસઆઇ બી. બી. રાણા અને પ્રશાંતસિંહે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:01 pm IST)