Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

પનીર-મરચા-હીંગના નમૂના ફેઈલઃ ગોલા-સીરપના પાંચ નમૂના લેવાયા

મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા સઘન ચેકીંગઃ ૫૦ પફ, ચાર લીટર કોલ્ડ્રીંકસ, ૫૦૦ ગ્રામ વાસી લીંબુનો નાશ

રાજકોટ, તા. ૧૧ :. મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય ચીજવસ્તુઓના વેપારીઓને ત્યાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે. આ ચેકીંગ અન્વયે ૫ સ્થળોએથી ગોલા અને સીરપના પાંચ નમૂના લેવામા આવ્યા છે. જ્યારે પનીર, રેશમપટ્ટો મરચા પાઉડર, સન સંયુકત બાંધાની હીંગના નમૂનાઓ નાપાસ થયા છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડના જણાવ્યા પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફુડ વિભાગ દ્વારા જાહેર જન આરોગ્ય હિતાર્થે તથા રોગચાળાના અટકાયતી પગલાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ખાદ્ય પદાર્થોના વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. આ ચેકીંગ દરમિયાન કાલાવડ રોડ પર આવેલ રામ ઔર શ્યામ ગોલામાંથી રાજભોગ ફલેવર્ડ સીરપ, પેડક રોડ પર આવેલ આઝાદ હિન્દ ગોલામાંથી પાઈપનેલ ફલેવર્ડ સિન્થેટીક સીરપ તથા યુનિ. રોડ પરના શ્રી સોમેશ્વર આઈસ ગોલામાંથી લીંબુ-લેમન આઈસ ગોલા તથા દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલ રાજ ગોલામાંથી કેડબરી ફલેવર્ડ સિન્થેટીક સીરપ તથા જય ભવાની એન્ટરપ્રાઈઝ કાલાવડ રોડમાંથી સ્ટ્રોબેરી ક્રશ સહિતના પાંચ નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂનાઓ પરીક્ષણ અર્થે રાજ્ય સરકારની વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

નમૂના નાપાસ

મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં લાખાજીરાજ રોડ પર આવેલ ક્રીમી સેન્ટર ઓફ મોબાઈલ, ગોવિંદબાગ પર શ્રીરામ ડેરી ફાર્મ તથા રૈયા રોડ પર ઉમિયાજી મસાલા સહિતના વિવિધ સ્થળોએથી પનીર, રેશમપટ્ટો મરચા પાઉડર અને સન સંયુકત બાંધાની હીંગના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓ પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા જેમાં અન્ય વેજીટેબલ ફેટ, નોન વોલેન્ટાઈન ઈથર એસ્ટેટ ધારાધોરણ કરતા ઓછું, એફએસએસઆઈ લોગો નથી, લાયસન્સ નંબર સહિતની માહિતી દર્શાવવામાં નહી આવતા નમૂના નાપાસ થયા છે.

૫૦ નંગ વાસી પફનો નાશ

ઉનાળાની ઋતુ દરમિયાન તથા ખોરાક જન્ય રોગચાળો અટકાવવાના પગલાના ભાગરૂપે ફુડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ઠંડા પીણાની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. આ ચેકીંગ દરમિયાન ૫૦ નંગ વાસી પફ, ચાર લીટર કોલ્ડ્રીંકસ તથા ૫૦૦ ગ્રામ કાપેલા વાસી લીંબુ સહિતની અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો છે.

(3:45 pm IST)