Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

મંગળવારે જીક્ર મેડિટેશન પ્રયોગ થશેઃ ડો.માધવી પાંચાલ

સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સૂફી ફેસ્ટીવલની ઝલક રજૂ થશે : એક શબ્દની સતત પુનરોકિતથી અંતરમન સુધીની સફરનો રોમાંચઃ જીક્ર ધ્યાન એ મંત્ર પ્રયોગ નથીઃ હરિયાણાના સન્યાસિની 'અકિલા'ની મુલાકાતેઃ નાભી મેડિટેશનનો પ્રયોગ પણ કરાશે : મંગળવારે નિઃશુલ્ક શિબિર

'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સ્વામી સત્યપ્રકાશજી, ડો.માધવી પાંચાલ તથા સ્વામી અશોક લુંગાતર નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧ :.. એક શબ્દની સતત પુનરોકિતથી નાભી પર ચોટ લાગે છે અને એ ધ્વનિ નાદ બનીને ટ્રાન્સમાં જાય છે, અંતરમનની યાત્રા શરૂ થઇ જાય છે... આ ધ્યાન પ્રયોગને ઓશોએ જીક્ર મેડિટેશન નામ આપ્યું છે, જેનો પ્રયોગ મંગળવારની શિબિરમાં થશે.

આ શબ્દો હરિયાણાના ઓશો સન્યાસિની ડો. માધવી પંચાલના છે. તેઓ આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતાં.

માધવીજીએ જણાવ્યું હતું કે, જીક્ર મેડિટેશનથી નિર્વિચાર અવસ્થા સહજ પ્રાપ્ત થઇ શકે છે. પુનરોહિત માટે ઓશોએ 'અલ્લાહુ' શબ્દ પસંદ કર્યો છે. આ મંત્ર પ્રયોગ નથી.

માધવીજીએ કહ્યું હતું કે, શિવજીએ ધ્યાનની ૧૧ર વિધિઓ આપી છે. ઓશોએ વર્તમાન યુગ અનુસાર આ પધ્ધતિઓમાં ફેરફાર કર્યો છે, પરંતુ ઓશો આ બધી ટેકનીક બાદ શ્વાસને વધારે મહત્વ આપે છે.

 મંગળવારની શિબિરમાં નાભી ધ્યાન પ્રયોગ પણ થશે. નાભીનો સંબંધ સ્વાર્થ - શરત વગરનો હોય છે. આવા સંબંધ ક્રાંતિ સર્જી શકે છે.

મુલાકાતમાં ડો. માધવી પાંચાલે રંગ થેરપી, નેગેટીવ-પોઝેટીવ એનર્જી અંગે સમજ આપી હતી. તેમણે કહેલું કે, ભોજનથી એનર્જી મળે. ઊંઘમાં સંગ્રહિત થાય. પ્રાણાયામથી ઉર્જા જાગે. ધારણામાં એકાગ્ર થાય. ધ્યાનમાં ઉર્જા ખર્ચ થાય. વાસનાની સ્થિતિમાં એનર્જી ક્ષીણ થાય  છે.

રાજકોટ : આગામી તા. ૧૪ને મંગળવારના રોજ રાજકોટના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે બપોરના ૩ થી રાત્રીના ૮:૩૦ દરમિયાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, સુફી ધ્યાન, સન્યાસ ઉત્સવ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. શિબિર બાદ રાત્રે ૮:૩૦ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. શિબિરનું સંચાલન હરિયાણાની ઓશો સન્યાસીની ડો.માધવી પાંચાલ કરવાના છે.

ડો. માધવી પાંચાલનો પરિચય

ડો.માધવી હરીયાણાના કૈથલ સીટીમાં રહે છે અને ઋષિકેશમાં રંગરેજ ગ્રુપ ચલાવે છે. જેના માધ્યમથી ભારતમાં વિવિધ ધ્યાન દ્વારા ઓશોના કાર્યનો પ્રસાર - પ્રચાર કરે છે. તેઓ રાયટર પણ છે. તેઓની બે પુસ્તકો પ્રકાશિત થઈ છે. કવિયત્રી છે. તે ઉપરાંત કલરથેરાપી, રેડી માસ્ટર, ક્રિસ્ટલ હિલર, મુંદ્રા હિલર, પેઈન્ટર, ચક્રહિલીંગ વગેરે ઓશો ધ્યાન તથા થેરેપીના વર્કશોપ અવાર - નવાર કરે છે.

શૈક્ષણિક યોગ્યતા - એસ.એ. હિન્દી બી. એઙ એયર લાઈન્સ મેનેજમેન્ટ કોર્સ, એન.ટી.ટી. સમ્પ્રતિ : પ્રિન્સીપાલ સિલ્વર ઓફ પબ્લિક સ્કુલ - કૈથલ. ઉપલબ્ધી અને સન્માન : હરિયાણા સાહિત્ય એકાદમી દ્વારા પુસ્તક સુરજ નિકલને તક વિશેષ સન્માન, અખિલ ભારતીય સાહિત્ય પરીષદ નરવાના મા બે વર્ષ સદસ્ય અને સચિવપદે રહ્યા સાહિત્ય શીખા પરવાનામાં મહાસચિવપદે રહ્યા એ સિવાય હરીયાણાના ગવર્મેન્ટની વિવિધ સંસ્થાઓ સાથે સેવાકીય પ્રવૃતિથી જોડાયેલા છે.

અત્રે એ નોંધવુ જરૂરી છે કે ડો.માધવી આઠ મહીના પહેલા રાજકોટ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર એક દિવસીય ધ્યાન શિબિરનું સંચાલન કરવા આવેલા તેમના સાનિધ્યમાં બહોળી સંખ્યામાં સાધકો આવેલા અને જણાવે છે કે ડો.માધવીના સાનિધ્યમાં ધ્યાન કરવાથી તેઓએ સ્વયંનુ વધારે ખુલ્લા, સંવેદનશીલ અને કેન્દ્રીત હોવાનો અનુભવ કર્યો અને જોયુ કે ધ્યાન દરમિયાન તેઓ વધારે ગહનરૂપે શિથીલ અને શાંત થઈ શકે છે. ડો.માધવી તા.૧૧ થી ૧૩ રાજકોટના ઓશો સન્યાસી દિનેશભાઈ ડોડીયાના પુત્ર ચિ.રાજીવના લગ્ન નિમિતે તેમના વિશેષ મહેમાન તરીકે નવદંપતિને આર્શીવાદ આપવા તેમને ત્યાં રહેશે અને ૧૪ તારીખે શિબિરનું સંચાલન કરશે.

ઉપરોકત ઓશો ધ્યાન શિબિર તથા સન્યાસ ઉત્સવમાં સહભાગીતા માટે ઓશો સન્યાસી દિનેશભાઈ ડોડીયા (સ્વામી ગીત ગોવિંદ)એ અનુરોધ કરેલ છે.

સ્થળ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪, વૈદવાડી, રાજકોટ.

વિશેષ માહિતી તથા શિબિરમાં ભાગ લેવા માટે સ્વામી સત્ય પ્રકાશ - ૯૪૨૭૨ ૫૪૨૭૬, જયેશભાઈ કોટક - ૯૪૨૬૯ ૯૬૮૪૩, સંજીવ રાઠોડ - ૯૮૨૪૮ ૮૬૦૭૦.

(3:44 pm IST)