Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

પોસ્ટલ મત ગણવાના બાકી હોય તો છેલ્લા બે રાઉન્ડ અટકાવાશેઃ પરિણામ જાહેર થતા સુધીમાં સાંજ પડી જશે

સૂર્ય ઉગે ત્યારે મશીન ખૂલશે, બરાબર તપે ત્યારે અંદાજ આવશે, આથમે ત્યારે આખુ ચિત્ર સામે આવી જશે : મદદનિશ ચૂંટણી અધિકારી (ડે. કલેકટરો) કંઇ ભૂલ કરે તો પણ આખરી જવાબદારી કલેકટરની

રાજકોટ, તા. ૧૧ :. લોકસભાની ચૂંટણીનો મતદાનનો છેલ્લો તબક્કો તા. ૧૯મીએ પુરો થયા બાદ તા. ૨૩મીએ સવારથી મત ગણતરી થશે. તે દિવસે સુરજ ઉગતાની સાથે જ મત ગણતરીની પ્રક્રિયા શરૂ થશે. સુરજ બરાબર તપતા (બપોર) સુધીમાં પરિણામનો અંદાજ આવી જશે પરંતુ આખુ ચિત્ર સ્પષ્ટ થતા સુધીમાં સુરજ ઢળવાનો સમય થઈ જશે. રાજ્યની ૨૬ લોકસભા બેઠકો અને ૪ વિધાનસભા બેઠકો માટે મત ગણતરી થશે.

લોકસભાની બેઠક દીઠ દરેક વિધાનસભાના પાંચ પાંચ મતદાન મથકોમાં ઈવીએમ અને વીવીપેટના મત સરખાવવાનો ચૂંટણી પંચનો આદેશ છે. ગુજરાતમાં દરેક લોકસભામાં ૩૫ - ૩૫ મતદાન મથક પર આ બેવડી પ્રક્રિયા થશે. તેના કારણે મત ગણતરીમાં બે કલાક જેટલુ મોડુ થશે. ઉપરાંત દરેક વિધાનસભાની ગણતરીનો નવો રાઉન્ડ એક સાથે શરૂ કરવાની પંચની સૂચના છે. કોઈ લોકસભા બેઠકની કોઈ વિધાનસભાની ગણતરી જે રૂમમાં ચાલતી હોય ત્યાં કોઈ કારણસર મોડુ થાય અને બાકીના વિધાનસભા વિસ્તારોની ગણતરી પુરી થઈ ગઈ હોય તો પણ તમામ વિધાનસભા વિસ્તારની ગણતરીનો એક રાઉન્ડ પુરો ન થાય ત્યાં સુધી બાકીની કોઈ વિધાનસભા ક્ષેત્રની ગણતરીનો નવો રાઉન્ડ શરૂ ન કરવા સૂચના છે. પરિણામ મોડુ જાહેર થવાનું એક આ કારણ પણ નિમિત બની શકે છે. પોસ્ટલ મતની ગણતરી સવારથી શરૂ થશે. જો પોસ્ટલ મતની ગણતરી અધુરી હોય તો પુરી ન થાય ત્યાં સુધી ઈવીએમના છેલ્લા બે રાઉન્ડની ગણતરી ન કરવા પંચે આદેશ આપ્યો છે. લોકસભા ક્ષેત્રની દરેક બેઠકમાં વિધાનસભા દીઠ અલગ અલગ રૂમમાં ગણતરી થશે. દરેક પર એઆરઓની ભૂમિકામાં રહેલા ડે. કલેકટર કક્ષાના અધિકારીની જવાબદારી રહેશે. જો એઆરઓ કોઈ ભૂલ કરે તો આખરી જવાબદારી આરો એટલે કે કલેકટરની રહેશે. જ્યાં મત ગણતરીમાં પરિણામની દ્રષ્ટિએ ટૂંકી સરસાઈના ચઢાવ-ઉતાર આવતા હશે ત્યાં સાંજ સુધી પરિણામ નક્કી થઈ શકશે નહિ. ચૂંટણી પંચે મત ગણતરી પ્રક્રિયામાં બીનજરૂરી ઉતાવળ નહી કરવા સૂચના આપી છે.

(3:40 pm IST)