Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

થેલેસેમીયા પીડિત બાળકોએ કર્યો જલ્સો : સાંસ્કૃતિક કાર્યક્રમ : હસાયરો

સાંઈરામ દવેએ કરી જમાવટ : અમદાવાદની સંસ્થા થેલેસેમીયા ડે કેર સેન્ટર દ્વારા યોજાઈ ગયેલ કાર્યક્રમ

રાજકોટ : સિવિલ હોસ્પિટલ, અસારવાની સામે શ્રી જલારામ અભ્યુદય સદ્દભાવના ટ્રસ્ટ સંચાલિત થેલેસેમીયા ડે કેર સેન્ટર લગભગ છેલ્લા બે વર્ષથી ૨૫૦ જેટલા થેલેસેમીયા મેજર બાળકોની સુખાકારી માટે ટ્રસ્ટીઓ, દાતાઓ તથા કાર્યકર્તાઓની સમર્પિત ભાવનાથી નિઃશુલ્ક સર્વાંગી રીતે સેવાકીય પ્રવૃતિઓથી કાર્યરત છે. તાજેતરમાં જ થેલેસેમીયા ડે કેર સેન્ટર ખાતે ઈટાલીના સુવિખ્યાત ડો.લોરેન્સ ફોકનરના હાથે કુ.રીચા બ્લડ ટ્રાન્સફયુઝન સેન્ટરની પણ શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૧૦૦ જેટલા બાળકો નિયમીત રીતે બ્લડ ટ્રાન્સફયુઝન અને સાથે સંકલિત તમામ પ્રકારની દવાઓ તથા ટેસ્ટની સેવાઓ નિઃશુલ્ક મેળવી રહ્યા છે. આ ભગીરથ કાર્યમાં સંકલ્પ ઈન્ડિયા ફાઉન્ડેશન, બેંગ્લોર, પ્રથમા બ્લડ બેંક તથા સર્વોદય ચેરીટેબલ બ્લડ બેંક પણ પ્રોજેકટ પાર્ટનર્સ તરીકે સાથે જોડાયેલ છે. આગામી દિવસોમાં લગભગ ૩૦૦ જેટલા બીજા બાળકો પણ બ્લડ ટ્રાન્સફયુઝન માટે થેલેસેમીયા ડે કેર સેન્ટર સાથે જોડાવવા ઈચ્છુક છે. મધ્યમથી ગરીબ પરીવારોમાંથી આવતા આવા બાળકોને તમામ પ્રકારની સવલતો નિઃશુલ્ક આપવાથી એક બાળક પાછળ અંદાજીત લઘુતમ ખર્ચ વર્ષે ૫૦,૦૦૦ જેટલો થતો હોવાનું સંસ્થાની યાદીમાં જણાવાયુ છે. વર્લ્ડ થેલેસેમીયા ડેના દિવસને યાદગાર બનાવવા થેલેસેમીયા મેજર બાળકોના લાભાર્થે અને સર્વ સમાજને આ બાબતે માહિતગાર કરવા અને થેલેસેમીયાને નાથવા માટેની જરૂરી જાગૃતિ કેળવવા અમદાવાદ ખાતે સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર શ્રી સાંઈરામ દવેના હસાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ જેમાં થેલેસેમીયા ડે કેર સેન્ટરના થેલેસેમીયા મેજર બાળકો તેમજ નવજીવન ટ્રસ્ટના દિવ્યાંગ સેલીબરલ પાલસી બાળકોએ વિવિધ પ્રકારના પર્ફોર્મન્સ પણ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:31 pm IST)