Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

જયશ્રીબેન શુકલાની હત્યા પાછળ તેમની મિલ્કત જ કારણભૂત

માસ્તર સોસાયટીમાં જે મકાનમાં હત્યા થઇ તે મકાનનો દસ્તાવેજ કોઇ કોળીના નામે થયો છે? : હત્યાનો ભોગ બનનાર જયશ્રીબેનના નામે તેમની માતા સ્વ.સરસ્વતીબેને વિલ કરી આપ્યું હતું: આ વીલને તેના ભાઇ-બહેનોએ રદ કરાવેલ :તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧૧: કોઠારીયા રોડ ઉપર આવેલી માસ્તર સોસાયટી-૧૩ માં રહેતા નિવૃત શિક્ષિકા જયશ્રીબેન દયાશંકર શુકલા નામના વૃધ્ધાની હત્યામાં તેમની જ મિલ્કત કારણભુત હોવાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા રોડ ઉપર આવેલ માસ્તર સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષિકા જયશ્રીબેન દયાશંકર શુકલા (ઉ.વ.૭ર)ની ગઇકાલે તેમના જ ઘરમાં હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. હત્યાનો ભોગ બનનાર વૃધ્ધા જયશ્રીબેન ઘરમાં એકલા જ રહેતા હોય લુંટ કે ચોરીના ઇરાદે હત્યા થયાની પોલીસને શંકા હતી. જો કે ઘરમાંથી કોઇ જ રોકડ કે દરદાગીનો કે અન્ય ચીજવસ્તુઓ ગાયબ ન જણાતા આ હત્યા પાછળ અન્ય કારણ હોવાની શંકાએ પોલીસે અન્ય દિશામાં તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસ તપાસમાં હત્યાનો ભોગ બનનાર વૃધ્ધા જયશ્રીબેન જે મકાનમાં રહેતા હતા તે કિંમતી મકાનનું વીલ તેમના માતા સ્વ. સરસ્વતી બેન દુર્લભજી આચાર્યએ જયશ્રીબેનના નામે કરી આપ્યું હતું. આ વીલને મૃતક જયશ્રીબેનના અન્ય ભાઇ-બહેનોએ પડકારી કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને વીલ રદ કરાવ્યું હતું. ગત ર૮મી એપ્રિલે મૃતક જયશ્રીબેનના અન્ય ભાઇ-બહેનોએ જયશ્રીબેન જયાં રહે છે તે માસ્તર સોસાયટીમાં આવેલ મિલ્કતમાં તેમનો હક્ક હિસ્સો સમાયેલ હોવાનો અને તકરારી મિલ્કત અંગે કોઇએ વેચાણ લેવી નહિ તે મતલબની અખબારોમાં જાહેર નોટીસ પણ પ્રસિધ્ધ કરાવી હતી.

બીજી બાજુ એક એવી પણ વિગત બહાર આવી છે કે, મૃતક જયશ્રીબેન જયાં રહેતા હતા તે માસ્તર સોસાયટીના મકાનનો દસ્તાવેજ કોઇ કોળી શખ્સના નામે થયો હોવાની ચર્ચા છે. પોલીસે  આ મકાનનો દસ્તાવેજ અંગે તપાસ હાથ ધરી છે.

રહસ્યમય આ હત્યાના બનાવ પાછળ મિલ્કત જ કારણભૂત હોવાનું અને પોલીસે આ અંગે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વધુ તપાસ ભકિતનગરના પીઆઇ વી.કે.ગઢવી તથા સ્ટાફ ચલાવી રહયા છે.

(4:25 pm IST)