Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

પરિવારના આધારસ્તંભ સમા પોલીસ લોકરક્ષકના અકાળે મૃત્યુથી પોલીસ બેડો હચમચ્યોઃ સવા બે લાખની સહાય

રાજકોટના માલવીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહેશ વસાવાના પરિવાર માટે સહાયની સરવાણી

રાજકોટ, તા., ૧૧: રાજકોટ શહેરના  માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક મહેશ સોમાભાઇ વસાવાનું ફેફસાની બિમારીના કારણે યુવાવયે મૃત્યુ થતા પોલીસ સ્ટેશન પરિવાર અને રાજકોટ શહેર પોલીસે સહાયની સરવાણી વહેવડાવી છે. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશ્નર ડી.એચ.ભટ્ટ, ડીસીપી સર્વશ્રી હર્ષદ મહેતા, કરણરાજ વાઘેલા, બલરામ મીના અને પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.એન.ચુડાસમા તથા અધિકારીઓ અને કર્મચારી ગણની હાજરીમાં પરિવારને ર,ર૦,પ૦૦ની રોકડ સહાય આપવામાં આવી હતી.

મહેશ સોમાભાઇ વસાવા તેમના માતા-પિતા અને બહેન માટે એક માત્ર આધારસ્તંભ હતા. તેણે ધો.૧ર સાયન્સમાં ૭પ ટકા માર્કસ મેળવી ડીપ્લોમા કર્યુ હતું. શહેર પોલીસ દળમાં તેઓ ૩-૧ર-ર૦૧૩ થી ફરજ બજાવતા હતા. જુનાગઢ પોલીસ ટ્રેનીંગ મેળવ્યા બાદ તેમનું પોષ્ટીંગ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં થયું હતું. નોકરી મેળવી પરિવારને આર્થીક સધ્ધરતા બક્ષવાના સપના જોતા આ યુવાન લોકરક્ષકની સાથે જાણે કુદરત ખફા હોય તેમ તેમને ફેફસાની બિમારી લાગુ પડી હતી. સારવાર દરમિયાન તેમનું ર૧-ર-ર૦૧૮ના મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને તેમના વતન કનુગુડી (ડેડીયાપાડા) હાલ અંકલેશ્વર ખાતે લઇ જઇ અંતિમ વિધી કરવામાં આવી હતી. મહેશ વસાવા મિલનસાર અને ફરજનિષ્ઠ કર્મચારી હતા. તેઓ અપરણીત હતા. ટુંકી સર્વિસ દરમિયાન તેમનું મૃત્યુ થતા પરિવાર પર આવી પડેલી વિપદામાં શહેર પોલીસ પરિવાર સહભાગી બન્યો હતો અને આજે ર,ર૦,પ૦૦ ની રોકડ સહાય તેમના માતા કપિલાબેન સોમાભાઇ વસાવાને આપવામાં આવી હતી. આ કાર્યને સૌ કોઇએ વધાવી લીધું હતું.

(3:59 pm IST)