Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

બાબરીયા કોલોનીના સ્વામિનારાયણ મંદિરમાં કબ્જો લેવા મામલે વિવાદઃ મામલો પોલીસ સુધી પહોંચ્યો

હરિભક્તોનો આક્ષેપઃ હાલમાં આચાર્ય પક્ષ મંદિરની દેખરખ રાખે છેઃ કોર્ટના આદેશ વગર દેવપક્ષે કબ્જો લઇ લીધોઃ તાળા તોડ્યા-સીસીટીવી કેમેરા તોડ્યાઃ અગ્રણી હરિભક્તને પોલીસ સ્ટેશને લઇ જવાતા હરિભક્તો રજૂઆત માટે ત્યાં પહોંચ્યા

રાજકોટઃ શહેરની બાબરીયા કોલોનીમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આજે બપોરે કોર્ટના આદેશ વગર જુનાગઢ મંદિરના દેવપક્ષના કોઠારી સ્વામિ સહિતે કબ્જો લઇ લીધાના આક્ષેપો સાથે હરિભક્તો રજૂઆત કરવા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પહોચ્યા હતાં. વિશાલભાઇ પટેલ નામના હરિભક્તે જણાવ્યું હતું કે બાબરીયા કોલોનીમાં આવેલુ શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ મંદિર હેઠળ સંચાલીત છે. હાલમાં આ મંદિરમાં આચાર્ય પક્ષના હરિભક્તો સંચાલન સંભાળે છે. આજે બપોરે બાર વાગ્યે મંદિર બંધ થયા બાદ સાડાબાર પછી જુનાગઢ મંદિરના કોઠારી સ્વામિ તથા બીજા સંતો અને કેટલાક લોકો અલગ-અલગ ગાડીઓમાં આવ્યા હતાં અને કોર્ટના કોઇપણ જાતના ઓર્ડર કે આદેશ વગર બાબરીયા કોલોનીના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં કબ્જો જમાવી લેવા પ્રયાસ કર્યો હતો.

હરિભક્ત અગ્રણી ગણેશભાઇ ડાભીએ જણાવ્યું હતું કે બાબરીયા કોલોનીમાં ચાર વર્ષ પહેલા સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે. અજેન્દ્રપ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના આચાર્યના હરિભક્તો હાલમાં આ મંદિરનું સંચાલન સંભાળે છે. દરમિયાન  આજે બપોરે જુનાગઢ મંદિરના કોઠારી સ્વામી તથા બીજા સ્વામીશ્રીઓ પોલીસ બંદોબસ્ત અને બીજા પંદરેક શખ્સો સાથે આવ્યા હતાં અને તાળા તોડીને કબ્જો જમાવી લીધો હતો. તેમજ સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા હતાં. કોર્ટનો કોઇપણ આદેશ ન હોવા છતાં આ બધા અંદર ઘુસી ગયા હતાં. મે તેમના અટકાવતાં પોલીસ બોલાવાઇ હતી અને મને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યો હતો.

સો જેટલા હરિભક્તો પોલીસ સ્ટેશને રજૂઆત માટે પહોચ્યાનું જાણવા મળ્યું છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે અગ્રણી ગણેશભાઇ ડાભીને લઇ જવાયા હોઇ તેથી હરિભક્તો ત્યાં રજૂઆત માટે પહોચ્યા છે. તસ્વીરમાં બાબારીયા કોલોનીમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર, ત્યાં એકઠા થયેલા લોકો, કબ્જો લેવા જેમાં આવ્યા તે વાહન તથા પોલીસ સ્ટેશને પહોચેલા હરિભક્તો જાઇ શકાય છે.

(3:07 pm IST)