Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ઘટક છે

R.K. યુનિ. ખાતે મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમો યોજાયા

આર.કે.યુનિ. ખાતે મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમો યોજાયા, મતદાનના શપથ લેવાયા, વિદ્યાર્થીઓએ સિગ્નેચર કેમ્પમાં ભાગ લીધો તે નજરે પડે છે.

રાજકોટ તા. ૧૧ : લોકસભા ચુંટણી – ૨૦૧૯ નજીક આવી રહી છે ત્યારે મતદારો મહત્તમ મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવે તેવા શુભાશયથી રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર તથા આર.કે યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે મતદાન જાગૃતિ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વિપના નોડલ અધિકારીશ્રી આર.એસ ઉપાધ્યાયએ લોકશાહીના આ મહાપર્વ અંગે વિદ્યાર્થીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ઘટક છે. લોકતંત્ર એટલે લોકો વડે, લોકો માટે, લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા છે. લોકશાહીમાં લોકોના એક – એક મતનું સવિશેષ મહત્વ છેઙ્ગ તેથી તેમાં તમામ નાગરીકે ભાગ લેવો જોઈએ. તટસ્થ અને નિર્ભીક રીતે મતદાન કરીને લોકશાહીને વધુ મજબુત બનાવવી જોઈએ. આપણો દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. મતદાન કરીને લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવીએ આપણી ફરજ છે. ત્યારે લોભ-લાલચ, આળસ, સમયના અભાવ જેવી બાબતોથી દૂર રહીને ભારતનો પ્રત્યેક નાગરિક મુકત અને ન્યાયીક રીતે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ.

આ તકે લોકશાહીના મહાપર્વ સમયે દેશની લોકશાહીને વધુ મજબુત કરવા ઉપસ્થિત મહાનુંભાવો તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શ્રી ઉપાધ્યાયએ મતદાન કરવા અને કરાવવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

મતદાર જાગૃતી અંતર્ગત યોજાયેલા સિગ્નેચર કેમ્પેઈનમાં શ્રીમતી અનુજા ગુપ્તા સહિત આર.કે કોલેજની વિદ્યાર્થીનીઓ પૈકી જે પ્રથમવાર મતદાન કરનાર છે તેમણે હોંશભેર ભાગ લીધો હતો.

આ તકે શ્રીમતી અનુજા ગુપ્તા, આર.કે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર  ટી.આર. દેસાઈ, ડાયરેકટરો ડો. પ્રિયાંશુ રાઠોડ, ડો. નિલેશ કાલાણી, ડો આરતી જોષી, તથા આર.જે ઈશિતા, પિયુષ હિંડોચા સહિત અનેક મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:16 pm IST)