Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મોટામવાના મયુર શીંગાળા હત્યા કેસમાં આરોપીની માનવતાની જામીન અરજી રદ્દ

રાજકોટ તા.૧૧: રાજકોટના ચર્ચાસ્પદ મોટામવા ગામના સરપંચ તથા રાજકીય અગ્રણી મયુર શીંગાળાના ખુનના આરોપસર છેલ્લા દસ-અગિયાર વર્ષથી જેલ હવાલે રહેલ ગાંડુ ભુરાભાઇ વકાતરે મેડીકલના ગ્રાન્ઉડ જામીન પર મુકત થવા કરેલ જામીન અરજી રાજકોટના સેશન્સ જજે નામંજૂર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કામે આરોપીઓ પૈકી આરોપી ગાંડુ ભુરાભાઇ વકાતર દ્વારા તેઓને શારીરિક જુદી જુદી તકલીફો હોવાનું જણાવી મેડીકલ ગ્રાઉન્ડસર જામીન પર મુકત થવા રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ.

કોર્ટે તમામ રજુઆતો અને રેકર્ડ પરની હકીકતો ધ્યાને લેતા તેમજ અરજી અને મેડીકલ પેપર્સ વંચાણે લેતા જણાવેલ છેકે અરજદાર જુદા જુદા રોગથી પીડાય છે અને તેની સારવાર માટે જામીન જરૂરી છે. પરંતુ મેડીકલ પેપર્સ લક્ષમાં લેતા અગાઉ આ જ પ્રકારની કરેલ અરજીઓ રદ કરેલ છે જેથી અરજીમાં જણાવેલ કારણ યોગ્ય નથી, અરજદારનો ગુનાના કામનો રોલ લક્ષે લેવામાં આવે અને જામીન પર મુકત કરવામાં આવે તો તેઓ નાશી જાય તો ટ્રાયલ ખોરંભે પડે તેમ છે અને જયારે જેલ ઓથોરીટી અરજદારની યોગ્ય સારવાર કરાવી રહેલ હોય ત્યારે અરજદારને જામીન પર મુકત કરવાનું મુનાસીફ ન માની અરજદાર ગાંડુ ભુરાની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં મૂળ ફરીયાદી ભરત શીંગાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ આર. ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, હિરેન ડોબરીયા, ચેતન ચોવટીયા, તથા સ્પેશ્યલ પી.પી. નિરંજન એસ. દફતરી તથા ભાવીન દફતરી, દિનેશ રાવલ રોકાયેલ હતા.

(4:11 pm IST)