Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ચા આપવામાં વાર લાગતાં હોટેલ કર્મચારીને લાફો, ઉપરાણુ લેતાં સંજય કોળીને પાઇપથી ફટકારાયો

કુવાડવા હાઇવે પર બંધ થયેલા ટોલનાકા પાસે કનૈયા પરોઠા પર બનાવ : ગુંદાળાના કાળુ ગમારા તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ

રાજકોટ તા.૧૧: કુવાડવા હાઇવે પર બંધ થયેલા ટોલનાકા પાસે આવેલી કનૈયા પરોઠા હાઉસ નામની હોટલે ભાડેથી ચા-પાન બીડીનો થડો રાખી વેપાર કરતાં વાંકાનેરના જેપુર ગામના સંજય બાબુભાઇ પ્રભતાણી (ઉ.૨૯) નામના કોળી યુવાનને હોટલે ચા પીવા આવેલા ગુંદાળાના કાળુભાઇ ગમારા અને સાથેના ત્રણ શખ્સોએ ઝઘડો કરીગાળો દઇ ઢીકા-પાટુનો અને લોખંડના પાઇપથી માર મારી ઇજા કરતાં ફરિયાદ થઇ છે.

કુવાડવા રોડ પોલીસ મથકના હેડકોન્સ. હેમરાજસિંહે સંજયની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. તેના કહેવા મુજબ તેની હોટલે દરરોજ કાળુભાઇ ગમારા ચા પીવા આવે છે. ગઇકાલે પણ તે આવ્યા હતાં. આ વખતે ચા આપવામાં થોડી વાર લાગી જતાં તેણે હોટેલના કર્મચારી સુમિત બાવળીયાને બોલાવી કેમ વાર લગાડો છો? કહી ઝાપટ મારી દીધી હતી. આથી તે રડતો રડતો આવતાં પોતે કાળુભાઇને સમજાવવા જતાં તે તથા સાથેના શખ્સો ઉશ્કેરાઇ ગયા હતાં અને 'એને તો માર્યો હવે તને પણ મારીશ' કહી જાપટ મારી દીધી હતી અને બાદમાં ફોન કરી બીજા ત્રણ જણાને બોલાવ્યા હતાં. બાદમાં ચારેયે મળી પાઇપથી અને ઢીકા-પાટુનો માર માર્યો હતો.

(3:58 pm IST)