Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ફલાઇંગ સ્કવોડ ટીમના પોલીસમેનની ફરજમાં રૂકાવટ અંગે કમલેશ રામાણીના ભાઇ ભરત રામાણી સામે ગુનો

કારમાંથી બીયરનું ખાલી ટીન મળતાં તે બાબતે પુછતાછ થતાં પેટ્રોલ પંપ સંચાલકે પરમીટ બતાવ્યા પછી ગેરવર્તન કર્યાનો ગુનોઃ બી-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો :કુવાડવા રોડ પર બનાવઃ ચૂંટણી અંતર્ગત ચેકીંગ માટેની કલેકટર તંત્રની સ્કવોડ સાથે કોન્સ્ટેબલ ફરજમાં હતાં

રાજકોટ તા. ૧૧: લોકસભાની ચૂંટણી અંતર્ગત કલેકટર તંત્ર દ્વારા ગેરકાયદેસર રોકડ સહિતની હેરફેર અટકાવવા માટે ફલાઇંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. આ સ્કવોડ સાથે શહેર પોલીસનો સ્ટાફ પણ સામેલ હોય છે. આ સ્કવોડ દ્વારા રાત્રીના કુવાડવા હાઇવે પર ચેકીંગ ચાલુ હતું ત્યારે એક કારમાં નીકળેલા સામા કાંઠે રહેતાં કમલેશ રામાણીના પેટ્રોલ પંપ સંચાલક ભાઇને અટકાવી તલાશી લેવામાં આવતાં કારમાંથી બીયરનું ખાલી ટીન મળતાં તે બાબતે પુછતાછ થતાં કમલેશ રામાણીના ભાઇએ સ્કવોડ સાથેના પોલીસમેન સાથે ગેરવર્તુણક કરી ફરજમાં રૂકાવટ કર્યાનો ગુનો નોંધાયો છે.

આ બનાવ સંદર્ભે બી-ડિવીઝનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ જનકસિંહ વાઘેલાની ફરિયાદ પરથી રણછોડનગરમાં 'ભરત' નામના મકાનમાં રહેતાં અને માલિયાસણ પાસે પેટ્રોલ પંપ ધરાવતાં ભરત વશરામભાઇ રામાણી (ઉ.૪૩) સામે આઇપીસી ૧૮૬, ૧૮૯ મુજબ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ગર્ભિત ધમકી આપવા સબબ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરવામં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કોન્સ. ભૂપેન્દ્રસિંહ તથા બીજા પોલીસ કર્મચારીઓ કલેકટર તંત્રની ચૂંટણી લક્ષી ફલાઇંંગ સ્કવોડમાં સામેલ હોઇ ગત રાત્રે સાડા નવેક વાગ્યે આ ટીમ કુવાડવા હાઇવે કુવાડવા પોલીસ મથક સામેના રોડ પર ચેકીંગમાં હતાં ત્યારે એક કાર શંકાસ્પદ જણાતાં તેને અટકાવી તલાશી લેવામાં આવતાં અંદરથી બીયરના ખાલી ટીન મળ્યા હતાં. આ બાબતે ચાલકની પોલીસમેન ભુપેન્દ્રસિંહએ પુછતાછ કરતાં તેણે પોતાની પાસે પરમીટ હોવાનું કહ્યું હતું અને પરમીટ બતાવી હતી. તેમજ પોતે નશો કર્યો ન હોવાનું અને ખાલી ટીન પરના બારકોડ પણ પરમીટના બારકોડ સાથે મળતાં હોવાનું તેણે જણાવતાં ચડભડ થઇ હતી. એ પછી કારચાલકે ઉશ્કેરાઇ જઇ જેમ તેમ બોલી ફરજમાં રૂકાવટ કરી ગર્ભિત ધમકી આપી હતી. તેની સામે ગુનો નોંધી પુછતાછ કરતાં પોતાનું નામ ભરત વશરામભાઇ રામાણી જણાવ્યું હતું. હેડકોન્સ. રામસિંહ ભરતસિંહ વધુ તપાસ કર છે.

પોલીસે ખાર ઉતાર્યાનું કમલેશ રામાણીનું કથન

દરમિયાન આ મામલે કમલેશ રામાણીએ જણાવ્યું હતું કે પોતાના વિરૂધ્ધ અગાઉ જે ગુનો દાખલ થયો તેમાં પોતે જામીન પર મુકત થયા બાદ પોલીસે ખોટી કાર્યવાહી કર્યાની ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી પોતાના ભાઇ ભરત રામાણી વિરૂધ્ધ પણ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી દેવાયો છે. પોતાના ભાઇ પીધેલી હાતલમાં પણ નહોતાં અને ખાલી ટીન હતું તેના બારકોડ પણ પરમીટમાં હતાં એ જ હતાં.

(3:58 pm IST)