Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પાકવિમા પ્રશ્ને ખેડૂતોની રેલી ન થવા દેવાઈઃ સંખ્યાબંધની અટકાયતઃ કલેકટર કચેરીએ આવેદન બાબતે ધમાલ

કલેકટર કચેરીએ ખેડૂત આગેવાનો-પોલીસ વચ્ચે ઘર્ષણઃ આગેવાનો ધરણા પર બેસી જતા અટકાયત : કલેકટરે ૮ લોકો આવેદન આપવા આવે તેમ જણાવ્યું: પોલીસે પાંચનો આગ્રહ રાખ્યો એમાં તડાફડી મચી ગઈ : રેલીની પોલીસે બે વખત મંજુરી ન આપીઃ બહુમાળી ખાતે ૩૦૦થી વધુ લોકો ઉમટી પડયાઃ ટ્રાફીકજામઃ બહુમાળી ખાતે ૩૪ની અટકાયત

પાકવિમા પ્રશ્ને આજે રેસકોર્ષ ખાતે ખેડૂતોની જંગી રેલી યોજાઈ હતી, પરંતુ પોલીસે મંજુરી ન આપી હોય પોલીસે બહુમાળી ચોક ખાતે અટકાયત કરી લેતા મામલો તંગ બન્યો હતો. તસ્વીરમાં ખેડૂતોને સંબોધતા આગેવાનો, બીજી તસ્વીરમાં જંગી રેલી, ત્રીજી તસ્વીરમાં એકઠા થયેલા ખેડૂતો અને નીચેની તસ્વીરમાં પોલીસે કુલ ૩૪ની અટકાયત કરી તે નજરે પડે છે (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ૧૧ :. પાક વિમા પ્રશ્ને આજે ખેડૂતોની રેલી રાજકોટમાં નીકળવાની હતી. બહુમાળીથી કલેકટર કચેરી સુધી રેલી નીકળનાર હતી. સવારે ૧૧ વાગ્યે ૩૦૦થી વધુ આગેવાનો, ખેડૂતો એકઠા થયા હતા, પરંતુ પોલીસે રેલી કાઢવા જ દીધી ન હતી અને બહુમાળી ખાતે જ સંખ્યાબંધની અટકાયત કરી લેતા મામલો તંગ બની ગયો હતો. રેલી કલેકટર કચેરીએ પહોંચે તે પહેલા ૩૪ની અટકાયત કરી લેવાઈ હતી.

અગાઉ તા. ૧૦મીએ આ કાર્યક્રમ હતો પરંતુ વડાપ્રધાન રાજકોટમાં હોય મંજુરી અપાઈ ન હતી, બાદમાં આજના માટે મંજુરી મંગાઈ પણ પોલીસે મંજુરી આપી ન હતી અને રેલી અંગે કલેકટર કચેરીનું ધ્યાન દોરાતા કલેકટર તંત્રે પણ અટકાયતી પગલા અંગે આદેશો કર્યા હતા.

રેલીમાં અટકાયત થઈ તે અંગે કોંગ્રેસ ઉમેદવાર શ્રી લલિત કગથરાએ આક્ષેપો કર્યા હતા કે સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. પોલીસે બહુમાળી ચોક ખાતે ૩૪ની અટકાયત કરી લીધી હતી.

આ અટકાયત બાદ ૧૦ થી ૧૫ લોકો કલેકટરને આવેદન દેવા કલેકટર કચેરીએ આવ્યા હતા. કલેકટરે માત્ર ૭ થી ૮ લોકો આવેદન દેવા આવે તેમ જણાવ્યુ હતુ, પરંતુ ફરજ ઉપર રહેલા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના જવાબદાર પોલીસ અધિકારીએ માત્ર ૫ લોકોને જ પ્રવેશ દેવાશે તેમ આગ્રહ રાખતા કલેકટર કચેરીએ ફરી ધમાલ થઈ હતી.

પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે શાબ્દિક ટપાટપી ઘર્ષણ જામી ગયું હતું. પોલીસે અંદર જવા નહિ દેતા આવેલા આગેવાનો કલેકટર કચેરીમાં જ સ્થળ ઉપર ધરણા ઉપર બેસી ગયા હતા, મામલો તંગ બન્યો હતો. બાદમાં પ્ર.નગર પોલીસે કલેકટર કચેરી ખાતેથી ૮ લોકોની અટકાયત કરી લીધી હતી.

(3:51 pm IST)