Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

દશરથ સીલ્વર આર્ટના દાગીનાની ડિઝાઇન-ગ્રાહકોનો ડેટા ચોરી પેઢીને લાખોનું નુકશાન કરવાના ગુન્હામાં અમીત જેલહવાલે

અમીત પંડયાની ધરપકડ કર્યા બાદ રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાયો'તોઃ અન્ય એક શખ્સ સત્યેન મહેતાના પુરાવા મેળવવા પોલીસની મથામણ

રાજકોટ,તા., ૧૧: પેડક રોડ પર રત્નદિપ સોસાયટીમાં આવેલી દશરથ સિલ્વર આર્ટ નામની પેઢીના સેલ્સ મેનેજરે ચાંદીના દાગીનાની ડિઝાઇન અને જથ્થાબંધ ખરીદી કરતા દિલ્હી, આગ્રા, રાજસ્થાનના ગ્રાહકોનો ડેટા ચોરી હરીફ પેઢીને નજીવી  રકમની લાલચમાં પુરો પાડી પેઢીને ૪પ થી પ૦ લાખનું નુકશાન પહોંચાડયાની ફરીયાદ સંદર્ભે પોલીસે કોઠારીયા રોડ પરની સુર્યોદય સોસાયટીમાં રહેતા અમીત મહેશભાઇ પંડયાની બી ડીવીઝન પોલીસે ધરપકડ કર્યા બાદ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા તેને જેલહવાલે કરવામાં આવ્યો છે.

ફરીયાદમાં જણાવાયું છે કે,  પેઢીકમ કંપનીના માલીક પ્રમોદગીરી ઉર્ફે રાજુભાઇ પ્રેમગીરી ગૌસ્વામી છે. જે શ્રોફ રોડ પર સિલ્વર નેસ્ટ એપાર્ટમેન્ટમાં રહે છે. તેની પેઢી દાગીના બનાવી વેચે છે જેમાં ૩પ૦ માણસો જોબવર્ક કરે છે અને ૪૦ માણસો નોકરી કરે છે. જેમાંથી અમીત સેલ્સ ડિપાર્ટમેન્ટનું દસેક વર્ષથી કામ સંભાળતો હતો. અત્યંત વિશ્વાસુ કર્મચારી હતો. છેલ્લા ચારેક માસથી તેની પેઢીના દાગીનાનું વેચાણ ઘટતા અને જુના ગ્રાહકો તુટતા તપાસ કર્યા બાદ પોલીસ કમિશ્નરને અરજી આપી હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાઇ હતી. તેના દ્વારા અમીતને બોલાવી  પુછપરછ કરાતા તેણે કબુલ્યું હતુંકે પોતે લાલચમાંઆવીને બીજા આરોપી સત્યેન મહેતાના કહેવાથી તેને પેઢીના જુના ગ્રાહકોના નામ, ફોન નંબર તથા નવા ગ્રાહકોની ડીટેઇલ પુરી પાડી હતી.

આ ઉપરાંત પેઢીના દાગીનાની અમુક ડિઝાઇનોના ફોટા પણ પોતાના મોબાઇલમાંથીવ્હોટસએપ મારફત મોકલ્યા હતા. બદલામાં તેને કટકે કટકે ર૧,૮૦૦ મળ્યા હતા. પરીણામે સત્યેનને બોલાવી તેની પણ પુછપરછ કરાતા તેણે અમુક વેપારીના નામ, નંબરો મેળવ્યાનું સ્વીકાર્યુ હતું. જો કે બદલામાં અમિતને કોઇ રકમ આપ્યાનો ઇન્કાર કર્યો હતો.

અંતે તેનો મોબાઇલ તપાસ માટે સાયબર સેલમાં મોકલવામાં આવતા ડેટામાંથી ચાંદીના દાગીનાની ડિઝાઇનોના ફોટોગ્રાફસ ઉપરાંત અમુક માણસોના નામ તથા નંબર મળ્યા હતા. જે સ્પાયરલ બુકના કુલ ૭ પાનામાં તેને મોકલવામાં આવ્યા હતા.

આ અક્ષરો તેની પેઢીમાં સેલ્સ વિભાગમાં કામ કરતા જય અરવિંદ પાટડીયાના હતા. જયારે દાગીનાની ડિઝાઇન તૈયાર કરનાર રાહુલ ગૌસ્વામી અને પ્રશાંત ગૌસ્વામીને પણ બોલાવી પુછપરછ કરાતા તેમણે આશરે ૩૦ થી ૩પ દાગીનાની ડિઝાઇનનાં ફોટોગ્રાફસ હોવાનું અને તેની પાછળનું બેક ગ્રાઉન્ડ પેઢીના જ પેકીંગ ડિપાર્ટમેન્ટના હોવાનું કહયું હતું.

આ રીતે બંન્ને આરોપીઓને કારણે તેની પેઢીને ૪પ લાખથી પ૦ લાખનું આર્થીક નુકશાન થયાનું ફરીયાદમાં જણાવાયું હતું.  આ પ્રકરણમાં બી ડીવીઝન પોલીસે કોઠારીયા મેઇન રોડ પર આવેલી સુર્યોદય સોસાયટીમાં રહેતા અમીત મહેશભાઇ પંડયાની ધરપકડ કરી હતી અને અન્ય એક શખ્સ સત્યેન પ્રવિણચંદ્ર મહેતાને સકંજામાં લઇ પુછપરછ આદરી હતી. બાદ પોલીસે અમિતને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરાતા તેને જેલહવાલે કર્યો હતો અને પોલીસે સત્યેન મહેતા  વિરૂધ્ધ પુરાવા એકઠા કરવા માટે તજવીજ હાથ ધરી છે.

(3:34 pm IST)