Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ચાંદીના દાગીનાની ડિઝાઈન - ગ્રાહકોના ડેટા ચોરી કાંડના આરોપીઓ સામે સખતમાં સખત પગલા લ્યો : રાજકોટ સિલ્વર એસોસીએશન

રાજકોટ : તાજેતરમાં દશરથ સિલ્વર આર્ટ સહિત સંખ્યાબંધ ડિઝાઈન અને ડેટાની જે ચોરી થઈ છે. આવી ઘટના ફરી ન બને તે માટે પોલીસ દ્વારા આકરામાં આકરા પગલા લેવા રાજકોટ સિલ્વર એસોસીએશનના આગેવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે.

રાજકોટ સિલ્વર એસોસીએશનના આગેવાનોએ જણાવેલ કે, શહેરના પેડક રોડ ઉપર રત્નદીપ સોસાયટીમાં આવેલી દશરથ સિલ્વર આર્ટ નામની પેઢીના દાગીનાની ડિઝાઈન અને ડેટા ચોરી હરીફ પેઢીને નજીવી રકમની લાલચમાં પૂરો પાડીને પેઢીને આશરે પચાસેક લાખનું નુકશાન પહોંચાડ્યાની ફરીયાદ સંદર્ભે પોલીસ દ્વારા અમિત નરેશભાઈ પંડ્યાની આઈટીસી ૪૦૯, ૧૨૦ (બી) અને આઈટી એકટની કલમ હેઠળ ગુન્હો નોંધી પૂછપરછ હાથ ધરી છે. પ્રમોદ (રાજુ) પ્રેમ ગોસ્વામીની માલિકીની આ પેઢીના મેનેજર અલ્લારખાં સુલેમાન આકાણીની ફરીયાદ પરથી બી ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે. એસોસીએશનના આગેવાનોએ એમ પણ જણાવ્યુ હતું કે, પેઢીના નવા - જૂના ગ્રાહકોના ડેટા અને દાગીનાની ગુપ્ત ડિઝાઈન ચોરી કરી સોની બજારમાં નિલકંઠ જવેલર્સ નામની પેઢી ધરાવતા સત્યેન પ્રવિણચંદ્ર મહેતાને વહેંચી દઈ લાખોનું નુકશાન પહોંચાડ્યાનું જણાવાયુ હતું.

એસો.ના આગેવાનોએ જણાવેલ કે, દાગીનાની ડિઝાઈન અને ગ્રાહકોના ડેટા ચોરી ગયાના અનેક કિસ્સાઓ અગાઉ પણ બન્યા હતા. પરંતુ નિલકંઠ જવેલર્સના માલિક સત્યેન મહેતાએ ધાક - ધમકીઓ આપી હોય અને પોતે રાજકીય પ્રભુત્વ ધરાવતા હોય નાના વેપારીઓ દ્વારા ફરીયાદ કરવામાં આવી ન હોવાનું જણાવાયુ હતું. તેઓ એવો રોફ જમાવી અને લોકોને કહે છે કે  તંત્ર મારા ખિચ્ચામાં છે તે મારૂ કંઈ બગાડી શકશે નહિં જેથી ઉકત બાબતે પોલીસ દ્વારા સખતમાં સખત પગલા લેવા અંતમાં અપીલ કરી હતી.

ઉપરોકત તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે રાજકોટ સિલ્વર એસોસીએશનના સભ્યો સર્વેશ્રી પ્રમુખ વિજયભાઈ રૂપારેલીયા, જેમ્સ એન્ડ જવેલરી એસોસીએશન રાજકોટના ડી.એન. પાટડીયા અને રાજકોટ સિલ્વર કાસ્ટીંગ એસો.ના રમેશભાઈ દામાણી, મનુભાઈ આડેસરા, એમ.આર. પરમાર, ડી.એમ. ટીલાળા, રાજકોટ જિલ્લા સુવર્ણકાળના પ્રમુખ પુનિતા પારેખ, રમેશભાઈ પટેલ, સંદિપભાઈ મંડલી, પંકજભાઈ ખોલ, રમેશભાઈ પટેલ, મનોજભાઈ ભંડેરી, મયુરભાઈ આડેસરા અને નટવરલાલ કાપડીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:33 pm IST)