Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

(અભી) અચ્છે દિન નહિ, ઠંડે દિન ચાહીએ..

ઉનાળામાં અસહ્ય ગરમીથી રક્ષણ મેળવવા આટલુ કરો

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયા અને આરોગ્ય અધિકારી ડો. કતિરાના આરોગ્યલક્ષી સૂચનો

રાજકોટ : વધુ ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસો નોંધાતા હોય છે જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ થઇ શકે છે.

લુ લાગવાના (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉંચુ હોવાથી પરસેવો ખૂબજ વધારે થાય છે અને જેના કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી જે વ્યકિતના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે જે નીચે મુજબ છે.

લુ લાગવા (હીટ વેવ)ના લક્ષણો

માથુ દુઃખવું, પગની પીઠીઓમાં દુઃખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, શરીરમાં પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, ગભરામણ થવી, શ્વાસ ચડવો, હૃદયના ધબકારા વધી જવા, બેભાન થઇ જવુ સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી વગેરે.

આરોગ્ય લક્ષી સુચનો

હીટ વેવ દરમ્યાન સુધી બહાર જવાનું ટાળવું. આખું શરીર અને માથુ ઢકાઇ રહે તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો.

નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશકત વ્યકિતઓએ તડકામાં ફરવું નહીં તથા વિશેષ કાળજી લેવી. સીધા સૂર્ય પ્રકાશથી બચો.

ભીના કપડાથી માથુ ઢાકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુવું. વારંવાર ઠંડુ પાણી પીવું.

ગરમીની ઋતુ દરમ્યાન બંને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું, લીંબુ શરબત, મોળી છાસ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ, ઓઆરએસ વગેરે પુષ્કર પ્રમાણમાં પીવા.

બાળકો માટે કેસુડાના ફુલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો.

ગરમીમાં બહારથી ઘેર આવ્યા બાદ શરીરનું તાપમાન નીચુ આવે ત્યારબાદ જ નહાવું. શકય હોય તો ઘરના બારી અને બારણા સાથે ખસની ટટી પાણી છાંટી બાંધી રાખવી.

દિવસ દરમ્યાન ઝાડ નીચે ઠંડક અને છાયામાં રહેવું.

બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઇટમ ખાવી નહીં.

ઉપવાસ કરવાનું ટાળવું સવારનું ભોજન ૧ર વાગ્યા સુધીમા લઇ લેવું.

ચા-કોફી અનેદારૂના સેવનથી લૂ લાગવાની શકયતા વધે છે તેથી તેનું સેવન ટાળવું.  માથાનો દુઃખાવો, બેચેની, ચક્રકર, ઉપબકા કે તાવ આવે તો તૂર્તજ નજીકના દવાખાના/ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્ટિપલમાં ડોકટરની સલાહ અને સારવાર લેવી.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જાહેર જનતા લુ લાગવાથી હીટ વેવ અંગે તેના વિષે વાકેફ થાય અને સાવચેતી રાખી તે અંગે જાગૃત થાય તે જરૂરી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલભાઇ રાણાવાસીયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે.એમ. કતિરાએ લોકોને ઉપર મુજબની કાળજી લેવા જાહેર જનતાને અપીલ કરે છે.

(11:40 am IST)