Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગુણવત્તા તળીયેઃ દેશભરમાં ૧૩૬મા ક્રમે

A ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું D ગ્રેડ પ્રદર્શન : શૈક્ષણિકને બદલે રાજકીય પ્રવૃતિનું કેન્દ્ર બનેલી વિશ્વ વિદ્યાલયનો રાષ્ટ્રીય ક્ષેત્રે કંગાળ દેખાવ : આત્મમંથન જરૂરી

રાજકોટ, તા. ૧૦ : એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છેલ્લા ૫ વર્ષમાં હાલત ખૂબ કથળી છે. શૈક્ષણિક પ્રવૃતિને બદલે રાજકીય પ્રવૃતિમાં ઓતપ્રોત રહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોના ગાલે સણસણતો તમાચો લાગ્યો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના એમ.એચ.આર.ડી. વિભાગ દ્વારા ૨૦૧૯ દેશની તમામ યુનિવર્સિટીનો રેન્કીંગ આપવામાં આવ્યો છે. તેમાં એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સ્થાન ૧૩૬મું આવ્યું છે.

કેન્દ્ર સરકાર દ્વારા દેશની શૈક્ષણિક સંસ્થાઓ માટે નેશનલ રેન્કીંગ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં વાઈબ્રન્ટ ગુજરાત રાજયની ટોપ ૧૦૦માં બે યુનિવર્સિટીને સ્થાન મળ્યુ છે. જેમાં આઈઆઈટી ગાંધીનગર તથા આણંદ કૃષિ યુનિવર્સિટીનો રેન્ક આવ્યો છે.

વિકાસશીલ ગુજરાતની એક પણ યુનિવર્સિટીને પ્રથમ ૧૦૦માં સ્થાન મળ્યુ નથી.

બે દાયકા પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આર્થિક, સામાજીક અને શૈક્ષણિક સ્તર સાવ કથળ્યુ હતું. પરંતુ તત્કાલીન કુલપતિ ડો.કનુભાઈ માવાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખૂબ પ્રમાણીક, માર્ગદર્શક અને નીતિમત્તાથી કામ કરતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગરીમા દેશ - વિદેશમાં ખૂબ પ્રચલિત થઈ હતી અને પ્રથમ વખત નેકમાં ફોર સ્ટાર પ્રાપ્ત થયા હતા. હવે તે બાદના કોઈ કુલપતિએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવાને બદલે રાજકીય દૃષ્ટિકોણથી કાર્ય કરતા આખરે એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો રાષ્ટ્રીય કક્ષાએ અત્યંત ખરાબ દેખાવ થયો છે. પ્રથમ ૧૦૦માં સ્થાન તો દૂર રહ્યું પરંતુ ૧૩૬માં ક્રમે સ્થાન મેળવ્યુ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ૫ વર્ષથી ગમતાઓનો ગુલાલ થાય છે અને વિદ્વાન સંશોધકોને હાસીયામાં ધકેલવામાં આવી રહ્યા છે. પરિણામે નમૂનેદાર લોકઉપયોગી સંશોધન કાર્યને સજ્જડ બ્રેક લાગી છે. આ જ સ્થિતિમાં આવનારા સમયમાં નેક સમક્ષ કેવું પ્રદર્શન થશે તેના માટે આત્મમંથન કરવાનો સમય આવી ગયો છે

(3:47 pm IST)