Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

RTEમાં ૧૯મીથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરાશે

જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓનો પણ પ્રવેશ કાર્યવાહીમાં સમાવેશઃ શહેરી વિસ્તારમાં આવક મર્યાદા દોઢ લાખ નક્કી થઇ

રાજકોટ તા. ૧૧ : બે માસ બાદ આરટીઆઇમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થશે. આગામી ૧૯મી એપ્રીલથી ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે.

રાઈટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ધોરણ-૧માં પ્રવેશ માટેની સત્ત્।ાવાર જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વખતે પણ RTEની પ્રવેશ કાર્યવાહી ઓનલાઈન કરવાનું નક્કી કરાયું છે. જેમાં વાલીઓ ૧૯ એપ્રિલથી ઓનલાઈન ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ વખતની પ્રવેશ કાર્યવાહીમાં જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રથમથી જ સમાવી લેવાયા છે. અગાઉ તેમને પાછળથી સમાવવામાં આવ્યા હતા. વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાની રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ-૧માં RTE અંતર્ગત પ્રવેશ માટેની સત્ત્।ાવાર જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે પ્રમાણે ૧ જૂન, ૨૦૧૮ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા વિદ્યાર્થીઓ RTE અંતર્ગત પ્રવેશ માટે લાયક ગણાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે વાલીઓએ RTEની વેબસાઈટ www.rtegujarat.org પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ૧૯ એપ્રિલથી ૫ મે સુધી વાલીઓ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી સાથે કયા આધાર પુરાવાની જરૂર પડશે તે અંગેની વિગતો પણ વેબસાઈટ પર મૂકાઈ છે.

વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સ્વીકાર કેન્દ્રોની પણ મદદ લઈ શકશે. જે વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે તેમ ન હોવાથી સ્વીકાર કેન્દ્ર પર જઈ કોરૂ પ્રવેશ ફોર્મ મેળવી જરૂરી વિગતો ભરી પરત આપશે તો તેઓનું ફોર્મ સ્વિકાર કેન્દ્ર પર ઉપસ્થિત કર્મચારી દ્વારા ઓનલાઈન ભરી આપવામાં આવશે. ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢી દસ્તાવેજી પુરાવાઓ સાથે નજીકના સ્વીકાર કેન્દ્ર ખાતે ૧૯ એપ્રિલથી ૮ મે સુધીમાં જમા કરાવી શકશે.

RTE અંતર્ગત ધોરણ-૧માં પ્રવેશ માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જેમાં આ વખતે વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અગાઉ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૪૭ હજાર વાર્ષિક આવક નક્કી કરાઈ હતી. જયારે શહેરી વિસ્તાર માટે રૂ. ૬૮ હજાર વાર્ષિક આવક નક્કી કરાઈ હતી. જોકે, આ વખતે તેમાં વધારો કરાયો છે અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧.૫૦ લાખની આવક નક્કી કરવામાં આવી છે. જેના પગલે અનેક વાલીઓ RTEમાં પ્રવેશ માટે અરજી કરી શકશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

(4:42 pm IST)