Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

પે એન્ડ પાર્કમાં વધારે રૂપિયા ખંખેરતા ઉદય કન્સ્ટ્રકશનને પાણીચુ પકડાવતા પાની

પાર્કિંગની આડમાં કાર લે-વેંચના ગોરખધંધા રંગે હાથ ઝડપાયા : ૩ સ્થળોએ આ એજન્સીનો કોન્ટ્રાકટ હતોઃ ૩ વર્ષ માટે બ્લેક લીસ્ટ કરતા મ્યુનિ. કમિશ્નર

રાજકોટ,તા. ૧૧ : મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં જુદી જુદી જગ્યાએ પે એન્ડ પાર્ક સાઈટોનું સંચાલન ટેન્ડરથી સોપવામાં આવેલ છે જેમાં, ઉદય કન્સ્ટ્રકશનનું ટેન્ડર પણ મંજુર થતા તેને રાજકોટ શહેરના કુલ ત્રણ જગ્યાના પે એન્ડ પાર્કનું સંચાલન કરવામાં આવ્યું હતું જોકે આ એજન્સીએ ટેન્ડરની શરતોનો ભંગ કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ તેનો પરવાનો રદ કરવા ઉપરાંત બ્લેક લીસ્ટમાં મુકવાનો પણ હુકમ કર્યો છે.

આ અંગે તંત્રની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પે એન્ડ પાર્કનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયત કરેલ શરતો તેમજ નિયમોને આધીન રહી કરવાનું હોય છે, પરંતુ ઉદય કન્સ્ટ્રકશનને સોંપવામાં આવેલ ત્રણ(૩) પે એન્ડ પાર્ક ખાતે વારંવાર શરતભંગ કરવા અંગેની ફરિયાદો મળેલ હતી. જેની રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ રૂબરૂ પણ તપાસ કરેલ હતી. જે અન્વયે ઉદય કન્સ્ટ્રકશનને નોટીસ પણ આપવામાં આવી હતી. જોકે નોટીસ આપવામાં આવ્યા બાદ પણ વ્યાપક સંખ્યામાં વાહન પાર્કિંગનો વધારે ચાર્જ વસુલ કરવાની ફરિયાદો સામે આવેલ હતી, જેની પણ તપાસ કરતા ઉદય કન્સ્ટ્રકશન દ્વારા પે એન્ડ પાર્કિંગનો નિયત કરેલા દર કરતા વધારે ચાર્જ વસુલ કરવાનું સામે આવેલ હતું. તપાસ દરમ્યાન એવું પણ જાણવા મળ્યું કે, પે એન્ડ પાર્ક ખાતે ટેન્ડરની શરતોનો ભંગ થાય તેવા કાર્યો થતા હતા, જેમાં પે એન્ડ પાર્ક જગ્યા ખાતે કાર લે-વેંચની કામગીરી થતી હોવાનું જોવા મળ્યું હતું.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ ઉપરોકત માહિતી અન્વયે ઉદય કન્સ્ટ્રકશનનો પે એન્ડ પાર્ક સાઈટનો સંચાલન કરવાનો પરવાનો રદ્દ કરવા હુકમ કર્યો છે. જે ત્રણ(૩) સાઈટ ઉદય કન્સ્ટ્રકશન સંચાલન કરી રહી હતી તેનો કબજો રાજકોટ મહાનગરપાલિકાએ સંભાળીલેશે.

વધુમાં મ્યુનિ. કમિશનરે જણાવેલું કે, ઉદય કન્સ્ટ્રકશનને આગામી ત્રણ વર્ષ(૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧) માટે રાજકોટ મહાનગરપાલિકાની બ્લેકલીસ્ટની યાદીમાં મુકવામાં આવે છે તેમજ તેમની જમા સિકયોરીટી ડીપોઝીટ રૂ. ૧,૦૩,૪૯૫/- જપ્ત કરવામાં આવેલ છે. તેમ અંતમાં જણાવ્યું હતું.

(4:40 pm IST)