Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જે લોકો બેન્કના એનપીએ માટે જવાબદાર છે તે જ લોકો બેન્કના ખાનગીકરણની વકીલાત કરી રહ્યા છે

ઓલ ઈન્ડિયા બેંક ઓફ બરોડા એન્ટલો કો-ઓર્ડીનેશન કમીટીની મીટીંગમાં રાજન નાગરનું ઉદ્દબોધન

રાજકોટ : ઓલ ઈન્ડિયા બેંક ઓફ બરોડા એમ્પ્લો કો-ઓર્ડીનેશન કમીટીની મીટીંગ રાજકોટ ખાતે યોજાઈ ગઈ. આ મીટીંગમાં સમગ્ર ભારતમાંથી સંગઠનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. બેંક કર્મચારીઓના જુદા જુદા પ્રશ્નો વિશે વિષદ ચર્ચાઓ કરવામાં આવી.

પી એન બી કૌભાંડ પછી શાખા સ્તરના કર્મચારીઓની થયેલ આડેધડ બદલીઓ, વેતન બાબતનો દ્વિપક્ષીય કરારની સ્થિતિ તેમજ અન્ય પ્રશ્નો અંગે ચર્ચા થઈ. દેશના જુદા જુદા ભાગમાંથી આવેલ પ્રતિનિધિઓએ તેમના પ્રશ્નો રજૂ કર્યા. તમામ પ્રશ્નો બાબત ચર્ચા બાદ ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લો એસોસીએશનના પ્રેસીડેન્ટ કોમરેડ રાજન નાગરે બેન્કની હાલની પરિસ્થિતિ, બેંકોની હાલત તેમજ કર્મચારીઓની સ્થિતિ વિશે ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. બેન્કોમાં વધી રહેલા એનપીએ માટે તેમણે સરકાર અને ઉદ્યોગપતિઓની સાંઠગાંઠને જવાબદાર ગણાવી. તેમણે કહ્યુ કે કર્મચારી સંગઠન આ બાબતે બેંક અને સરકારની સાથે છે અને એનપીએ માટે આ સંગઠન ૧૯૯૩ થી લડત ચલાવી રહ્યુ છે. એનપીએ માટે ભુતકાળમાં આ માટે હડતાલો પણ પાડી છે. આ સંગઠને ગ્રાહકોની મૂડી માટે વોચ ડોગની ભૂમિકા ભજવી છે. ખાનગીકરણ બાબતે તેમણે કહ્યુ કે જેઓ બેન્કના એનપીએ માટે જવાબદાર છે તે જ લોકો બેન્કના ખાનગીકરણની વકીલાત કરી રહ્યા છે. બિલાડીને દૂધની રખેવાળી કરવા આપવા જેવી આ વાત છે. જો આ લોકોના હાથમાં સરકારી બેન્કોનું સંચાલન જાય તો શું સ્થિતિ થાય તે સરકાર અને પ્રજા એ વિચારવુ રહ્યુ.

ખાનગી બેંકો અને રાષ્ટ્રીય બેંકોની ગ્રાહક સેવાની સરખામણી અંગે તેમણે કહ્યુ કે ખાનગી બેંકોનો વ્યાપ શહેરો સુધી સીમીત છે. તેના કર્મચારીઓની સંખ્યા પુરતી છે. તેમણે કોઈ સરકારી યોજનાઓ માટે કામ નથી કરવાનુ હોતુ. સરકારી બેંકો ગામડાઓમાં સેવા આપે છે. સરકારી જુદી જુદી યોજનાઓના અમલીકરણની કામગીરી આ કર્મચારીઓ કરે છે. રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખર્ચના બહાના હેઠળ પુરતી ભરતીઓ નથી થતી. તેમણે કહ્યુ કે જે પ્રમાણે કર્મચારીઓ નિવૃત થાય, પ્રમોશન લે કે મૃત્યુ પામે તે સામે તેટલી ભરતી નથી થતી જેની અસર ગ્રાહક સેવા પર પડી રહી છે. મીટીંગ કમીટીના પ્રમુખ શ્રી દહીયા, મહામંત્રી અમૃતલાલ તેમજ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના પ્રમુખ નરેન્દ્ર દવે, મહામંત્રી કીરીટ અંતાણી હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બકુલ અંતાણી, બીપીન શાહ, ભાવેશ આચાર્ય, ભરત મહેતા, રાજુ ભટ્ટ, રાજુ જાની, દિનેશભાઈ, મનન ભટ્ટ, સરીતાબેન તેમજ હેતલ વિઠ્ઠલાણીએ જહેમત ઉઠાવી હતી.(૩૭.૭)

(4:33 pm IST)