Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સામા કાંઠે કોળી યુવાનના ઘરે સાસુ અને સાળાની સશસ્ત્ર ધબધબાટીઃ પથ્થરમારો-વાહનોમાં તોડફોડ

જયેશે માસનો પુત્ર રડતો હોઇ પત્નિ કાંતાને 'તૈયાર પછી થજે, પહેલા દિકરાને સંભાળ' તેમ કહેતાં તેણીએ માતાને ફોન કર્યોઃ દિકરીને ઘરે મુકીને આવ્યા બાદ શારદાબેન, તેના પુત્ર અજય, તેના મિત્ર સદામ સહિતનાએ આવી હુમલો કર્યો : હુમલામાં જયેશ, ભાઇ ભાવેશ, અને માતા દયાબેનને ઇજા

જ્યાં ધબધબાટી બોલાવાઇ તે જયેશ અને ભાવેશ કોળીનું ઘર, જેમાં તોડફોડ થઇ તે વાહનો અને બંને ભાઇઓ જયેશ કોળી, ભાવેશ કોળી અને તેના માતા દયાબેન જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: સામા કાંઠે પેડક રોડ પર મારૂતિનગર-૧ શેરી નં. ૨માં પટેલ પાનવાળી શેરીમાં રહેતાં જયેશ જેન્તીભાઇ અબાસણીયા નામના કોળી યુવાને તેની પત્નિ કાંતાને ૭ માસનો પુત્ર રડતો હોઇ તે બાબતે ઠપકો આપતાં તેણીએ પોતાના માતાને ફોન કરતાં માતા શારદાબેને આવી તેણીને પોતાના ઘરે તેડી જઇ બાદમાં પોતાના પુત્ર, પુત્રના મિત્ર સહિતને સાથે લાવી સશસ્ત્ર ધમાલ મચાવી જમાઇના ભાઇ, વેવાણ સહિતને ધોલધપાટ કરી તેમજ પથ્થરમારો કરી અને ત્રણ વાહનોમાં ધોકા-પાઇપ ફટકારી આતંક મચાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના પી.એસ.આઇ. એન. એસ. સવનીયા અને રાઇટર મનોજભાઇએ મારૂતિનગર-૧માં રહેતાં અને ઘેર બેઠા ઇમિટેશનનું કામ કરતાં ભાવેશ જેન્તીભાઇ અબાસણીયા (કોળી) (ઉ.૨૯)ની ફરિયાદ પરથી તેના ભાઇ જયેશના સાસુ શારદાબેન મનુભાઇ રાતોજા, ભાઇના સાળા અજય મનુભાઇ રાતોજા, અજયના મિત્ર સદામ અને અજાણ્યા સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૩૩૭, ૪૨૭, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

ભાવેશના કહેવા મુજબ મારા નાના ભાઇ જયેશને ૭ માસનો પુત્ર ધ્રુવીલ છે. તે રડતો હતો ત્યારે તેની પત્નિ કાંતા તૈયાર થઇ રહી હતી. આથી જયેશે 'તૈયાર પછી થાજે  પહેલા છોકરાને છાનો રાખ' તેમ કહી ઠપકો આપતાં ઝઘડો થયો હતો. આથી કાંતાએ તેના માતા શારદાબેનને ફોન કરતાં તે આવ્યા હતાં અને કાંતાને તેડીને જતાં રહ્યા હતાં. તેની પંદરેક મિનીટ બાદ શારદાબેન, તેનો પુત્ર અજય, અજયનો મિત્ર સદામ સહિતના ધોકા-પાઇપ-છરી સાથે ધસી આવ્યા હતાં અને ઘરમાં ઘુસી જઇ ગાળાગાળી કરી હતી.

ઘર પાસે મારા કાકા કિશોરભાઇનું બાઇક જીજે૩બીસી-૧૧૮૧ તથા પિત્રાઇ ભાઇ દક્ષકનું બાઇક જીજે૩જેકયુ-૭૩૯૮ અને મારા ભાઇના શેઠ મહેશભાઇ કાકડીયાનું બાઇક જીજે૩એચબી-૦૬૦૯ પડ્યા હોઇ તેમાં આ બધાએ ધોકા-પાઇપ ફટકારી તોડફોડ કરતાં ત્રીસેક હજારનું નુકસાન થયું હતું. હું મારો ભાઇ અને માતા તેને સમજાવવા જતાં અમાર પર હુમલો કરી ઢીકા-પાટુનો અને ધોકાથી માર માર્યો હતો. તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. અજયએ ધમકી આપી હતી કે આ વખતે તો ખાલી માર માર્યો છે, બીજી વાર જીવતા નહિ છોડું. જયેશને ઇજા થઇ હોઇ ૧૦૮ બોલાવી હોસ્પિટલે ખસેડ્યો હતો. મને અને મારા બાને મુંઢ ઇજા થઇ હતી.

પોલીસે ઉપરોકત ફરિયાદને આધારે આરોપીઓની ધરપકડ કરવા દોડધામ શરૂ કરી છે.

(12:13 pm IST)