Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જમીન-મકાનના ધંધાર્થી જીતે ન્દ્રભાઇ જોષીને ફોન પર સતત જાનથી મારી નાંખવાની ધમકી

વર્ષ ૨૦૧૨માં અપહરણ કરી વાડીએ ગોંધી રાખી મારકુટ કરી લૂંટ ચલાવી હતી એ કેસનું મનદુઃખ કારણભુત : હરિનગરના બ્રાહ્મણ આધેડની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો

ફરિયાદી જીતેન્દ્રભાઇ જોષી

રાજકોટ તા. ૧૧: ગાંધીગ્રામ ૧૫૦ ફુટ રીંગ રોડ પર હરિનગર-૪માં તિલશી બાગ પાસે રહેતાં જમીન-મકાનના ધંધાર્થી જીતેન્દ્રભાઇ રમેશભાઇ જોષી (બ્રાહ્મણ) (ઉ.૪૮)ને અગાઉની પોલીસ ફરિયાદનો ખાર રાખી બીશુ વાળાના કહેવાથી તેના માસીયાઇ ભાઇ સહિત બે શખ્સે ફોન કરી અવાર-નવાર ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ગાંધીગ્રામ-૨ના પી.એસ.આઇ. પી.એ. ગોહિલે જીતેન્દ્રભાઇની ફરિયાદ પરથી બીશુ વાળા, તેના માસીયાઇ ભાઇ જનક કાઠી અને તખુભા કાઠી સામે આઇપીસી ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

જીતેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું જમીન-મકાનની દલાલી કરી ગુજરાન ચલાવું છું. વર્ષ ૨૦૧૨માં મારા મિત્ર છગનભાઇ પટેલ કે જે બીશુ બહાદુરભાઇ વાળાના ઘર પાસે રહે છે તેની સાથે તેને મકાન બાબતે માથાકુટ થઇ હોઇ હું વચ્ચે પડતાં મારું અપહરણ કરી ભંગડા ગામે લઇ જઇ આખી રાત મારકુટ કરી બાદમાં છોડી મુકયો હતો. આ અંગે જે તે વખતે મેં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુ.ર. નં. ૩૪૩/૧૨ આઇપીસી ૩૬૫, ૩૯૪, ૫૦૪, ૩૪૨, ૫૦૬ (૨), આર્મ્સ એકટની કલમો હેઠળ બીશુ વાળા, બીરેન વાળા અને રાજવીર વાળા સામે ગુનો દાખલ થયો હતો. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે.

આ કેસની ૭/૪/૧૮ના રોજ મુદ્દત હોઇ તારીખ જાણવા માટે હું કોર્ટ ખાતે સરકારી વકિલ પ્રશાંતભાઇ પટેલ પાસે ગયો હતો. મારી તારીખ મેળવી કોર્ટ કમ્પાઉન્ડમાં હતો ત્યારે મેં જેના પર કેસ કર્યો છે તે ત્રણેય જણા તથા જનકભાઇ હાજર હતાં. આથી હું ત્યાંથી નીકળી ગયો હતો. સાંજે સાડા ચારેક વાગ્યે ઘરે હતો ત્યારે ફોન આવેલો અને ફોન કરનારે પોતે બીશુ વાળાના માસીયાઇ ભાઇ જનક કાઠી બોલે છે તેમ કહી તે ફરિયાદ કરી છે પણ એ લોકો એકલા નથી અમે પણ સાથે છીએ, તું ઘરની બહાર નીકળ તને મારી નાંખવો છે. તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો.

બાદમાં રાત્રીના ફરીથી ફોન આવેલો અને ફોન કરનારે પોતે જનક કાઠીનો ભાઇ બોલે છે તેમ કહી ફરીથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ રીતે આ બંને અવાર-નવાર ફોન કરી ધમકીઓ આપતાં હોઇ જેથી હું કંટાળી જતાં અંતે ફરિયાદ કરી છે. તેમ જીતેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે.

પોલીસ રક્ષણ આપવાની માંગણી

. જીતેન્દ્રભાઇ જોષીએ પોલીસ કમિશ્નરશ્રીને અરજી કરી પોતાને જીવ પર સતત જોખમ હોઇ પોલીસ રક્ષણ આપવામાં આવે તેવી માંગણી પણ કરી છે. તેણે જણાવ્યું છે કે હું ઘરની બહાર નીકળી શકુ તેમ નથી. મને પોલીસ ખાતા તરફથી પણ અન્યાય થઇ રહ્યો છે.

(12:12 pm IST)