Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

હજારો રોકાણકારોના ૨૫ કરોડ ઓળવી જવાના ગુનામાં મહિલા આરોપીના આગોતરા મંજુર

રાજકોટ,તા.૧૧: વડોદરા સ્થિત હલધર રીયાલીટી એન્ડ એન્ટરપ્રાઇઝના નામથી ચાલતી કંપનીના ડિરેકટરો/માલીકો દ્વારા ગુજરાત અને મધ્યપ્રદેશના અસંખ્ય લોકોને એજન્ટો/સભ્યો બનાવી આશરે ૨૫ કરોડ માતબર જેવી રકમ ઓળવી ગયાની ફરીયાદ ગાંધીનગરના સી.આઇ.ડી. ક્રાઇમ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાવેલ હતી જે કામે મુખ્ય આરોપી સરીતા ગોૈરીશંકર પટેલના આગોતરા જામીન સ્પે. ડેઝીગ્નેટેડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે,છોટા ઉદેપુર જિલ્લાના મોરા ડુંગરી ગામે રહેતા કલ્પેશકુમાર લક્ષ્મણભાઇ તડવીએ ગાંધીનગર સ્થિત સી.આઇ.ડી. ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખાના વિભાગમાં એવી ફરીયાદ આપેલ કે આરોપીઓ (૧)ભુપતસિંહ પ્રતાપસિંહ સોલંકી રહે. છોટા ઉદેપુર (૨) સરીતા ગોૈરીશંકર પટેલ રહે. ઇન્દોર મધ્યપ્રદેશ (૩) અનિત અરવિંદભાઇ વખતારીયા રહે. વડોદરા (૪) હૈમત ધનાલાલ માનડલોફ રહે. સુનેર, રાજસ્થાન (૫) લુણકરણ કચરાજી વખતારીયા રહે. વડોદરા (૬) સીતા લુણકરણ વખતારીયા રહે. વડોદરા (૭) રીસી લુનકરણ વખતારીયા રહે. જિ.ધાર, મધ્યપ્રદેશ (૮) અરવિંદકુમાર લુણકરણ વખતારીયા રહે. વડોદરા તથા અન્ય તેમના મળતીયાઓએ જાહેર જનતાને લોભામણી,લલચામણી ખોટી જાહેરાતો આપી છેતરપીંડી કરવાના ઇરાદે પ્રથમથી જ સુવ્યસ્થિત ગુનાહીત, કાવતરૂ રચી ગુજરાત તથા મધ્યપ્રદેશના અલગ અલગ જીલ્લાઓમાં એજન્ટો ઉભા કરી એજન્ટોને તાલીમ આપી એજન્ટો મારફતે કંપનીની જુદી જુદી લોભામણી સ્કીમો જેવી કે બેંકમાં બચત થાપણ ઉપર વીમો મળતો નથી જયારે આપણે અકસ્માત વીમો આપશું જેમાં રૂ.૧૦૦/- ના  રીકરીંગ ઉપર રૂ.૯,૦૦૦/- વીમો આપશું. તેમજ આ કંપનીની સ્કીમ જેવી કે રીકરીંગમાં માસીક,ત્રિમાસીક, છ માસીક, વાર્ષિકની  સ્કીમોમાં વ્યાજ સાથે નાણા આપવાની સ્કીમ તેમજ ફીકસ ડીપોઝીટમાં ત્રણ વર્ષ, પાંચવર્ષ અને અગીયાર વર્ષની સ્કીમ જેવા ખોટા વાયદા કરી એજન્ટો મારફતે જાહેર જનતા પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લઇ નાણા પાકતી મુદતે પરત નહીં આપી જાહેર જનતા સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવામાં આવેલ હોવાથી ઇ.પી.કો કલમ-૪૦૯,૪૨૦,૧૨૦ (બી) તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઇન્સ્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એકટની કલમ-૩ મુજબ ફરીયાદ કરવામાં આવેલ.

ઉપરોકત એફ.આઇ.આર. નોંધાતા મુખ્ય આરોપી સરીતા ગોૈરીશંકર પટેલે અમદાવાદની સ્પે. ડેઝીગ્નેટેડ કોર્ટ સમક્ષ ઘરપકડથી રક્ષણ મેળવવા તેમના એડવોકેટ તુષાર ગોકાણી મારફત આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી.

બન્ને પક્ષે થયેલ દલીલોના અંતે સ્પે. ડેઝીગ્નેટેડ અદાલત દ્વારા સર્વોચ્ય અદાલતનો ચુકાદો ટાંકી અરજદાર/આરોપી તરફે થયેલ તર્કબધ્ધ દલીલો માન્ય રાખી આરોપી સરીતા પટેલ પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે.

આ કામમાં અરજદાર/ આરોપી સરીતા પટેલ તરફે જાણીતા યુવા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, સ્તવન મહેતા,અમૃતા ભારદ્વાજ,ગોૈરાંગ ગોકાણી કેવલ પટેલ દેવાંશ દવે રોકાયેલ હતા.(૧.૭)

(11:46 am IST)