Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ચૂંટણીમાં ગેરકાયદે કાળુનાણુ ઝડપવા આયકરની સ્કોડ તૈનાત

રાજકોટ, જામનગર, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ખાસ ફરજ પરના અધિકારીઓની ટીમ કાર્યરત : એરપોર્ટ ઉપર બાજ નજર રખાશે

રાજકોટ, તા. ૧૧ : ગઈકાલે લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ વિવિધ સરકારી તંત્રો કાર્યરત થયા છે. તેમાં ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા નાણા અને ઝવેરાત તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની હેરફેર થતી હોય તેના ઉપર ઈન્કમટેક્ષ દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલથી જ લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ રાજકોટ ઈન્કમટેક્ષની ઈન્વેસ્ટીગેશન વિંગે રાજકોટ - જામનગર - જૂનાગઢ - અમરેલી - કચ્છ - ભુજ- ગીર સોમનાથ - મોરબી સહિતના જિલ્લાઓમાં ખાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. હવાઈ મથકે આવકવેરાની ગુપ્તચર શાખાના અધિકારીઓ રાઉન્ડ ધ કલોક ખડેપગે રહેશે.

જાણવા મળતી વિગતો મુજબ લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય નેતાઓ તેમજ અન્ય વેપારી ઉદ્યોગો દ્વારા મોટી રકમના નાણાની હેરફેર થતી હોવાની અગાઉ ઘટના બનેલ. ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ ઈન્કમટેક્ષ વર્તુળે ૪.૬૦ કરોડની રોકડ રકમ જપ્ત કરેલ અને ૨૭ કિલોના દાગીના અંદાજીત રકમ ૭ કરોડ સીઝ કરેલ.

આવકવેરા વિભાગ દ્વારા સ્કવોડ બનાવવામાં આવી છે. જેમાં એક આસીસ્ટન્ટ કમિશ્નર, એક આઈટીઓ, ૫ ઈન્સ્પેકટર ખાસ ગેરકાયદે અને બિનહિસાબી રોકડ અને દાગીનાઓની હેરફેર ઉપર નજર રાખશે.

રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગના વડા રાજન મહાજનના માર્ગદર્શન તળે રાજકોટ જિલ્લા માટે પ્રદિપસિંહ સખ્તાવત, ગીર સોમનાથ જિલ્લા માટે ગુરૂપ્રિતસિંઘ, કચ્છ ભુજમાં અજયકુમાર, મોરબી જિલ્લામાં હિમાંશુ જોષી, પોરબંદરમાં કે.સી.ધામી સહિતના અધિકારીઓની ખાસ સ્કોડ બનાવવામાં આવી છે. આ સ્કોડમાં એક આઈટીઓ અને ૩ ઈન્સ્પેકટરો ફરજ બજાવશે.

(3:20 pm IST)