Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

બોયફ્રેન્ડ તેના બર્થડેના દિવસે બીજીને લઇને ફરવા જતો રહેતાં ત્યકતાએ ફિનાઇલ પીવા પ્રયાસ કર્યો

બોયફ્રેન્ડે તૈયાર થઇને રહેવાનું કહ્યું પણ પછી લેવા આવ્યો જ નહિઃ મહિલા પોલીસ મથક પાસેથી સારવારમાં ખસેડાઇઃ અગાઉ ત્રણ લગ્ન ફોક થઇ ચુકયા પછી હવે એકલી રહે છે

રાજકોટ તા. ૧૧: શહેરમાં રહેતી એક ત્યકતાએ ગઇકાલે સાંજે મહિલા પોલીસ મથક પાસે ફિનાઇલ પી લેવા પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ તેણીને બોયફ્રેન્ડ પોતાના બર્થડેના દિવસે ફરવા ન લઇ જતાં અને કોઇ બીજી છોકરી સાથે જતો રહેતાં આ પગલુ ભર્યુ હતું.

કોઠારીયા રોડ વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષની ત્યકતા સાંજે મહિલા પોલીસ મથકે પહોંચી હતી અને પડી ગઇ હતી. પોલીસે પુછતાં પોતે ફિનાઇલ પીને આવ્યાનું કહેતાં  તાકીદે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરતાં તેણીનું નિવેદન નોંધવા તજવીજ થઇ હતી. તપાસમાં ખુલ્યું હતું કે અગાઉ આ યુવતિના ત્રણ લગ્ન ફોક થઇ ગયા છે. હાલમાં એકલી રહે છે અને એક યુવાન સાથે મિત્રતા છે. પરમ દિવસે તેના બોયફ્રેન્ડનો બર્થડે હતો. તેણે તેણીને બહાર ફરવા જવા માટે તૈયાર થઇને રહેવાનું કહ્યું હતું. પરંતુ એ પછી બોયફ્રેન્ડ તેડવા ન આવતાં અને તપાસ કરતાં તે બીજી કોઇને લઇને જતો રહ્યાની ખબર પડતાં માઠુ લાગી જવાથી તેણી પહેલા એ-ડિવીઝન પોલીસ મથકે ફિનાઇલ સાથે પહોંચી હતી અને બાદમાં ત્યાંથી મહિલા પોલીસ સ્ટેશને આવી હતી. ટુંકી સારવાર બાદ રજા લઇને જતી રહી હતી.

(1:02 pm IST)