Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સીટી બસમાં ગેરરીતિ સબબ ૧૯ કંડકટરો સસ્પેન્ડ : BRTSમાં ૧૫ કંડકટર - ૧ ડ્રાઇવરને પાણીચુ

૨૨ બસોમાં કોર્પોરેશનની વિજીલન્સ ટુકડીનું ઓચિંતુ ચેકીંગ : ટિકિટ નહી આપનારા પાંચ કંડકટરો કાયમી સસ્પેન્ડ : મોડી ટિકિટ આપનારા ૫ કંડકટરો ૭ દિ' માટે ૧૧ કંડકટરોને ૧૦ દિવસ માટે સસ્પેન્ડ : મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની લાલઘુમ

રાજકોટ તા. ૧૧ : મ્યુ. કોર્પોરેશન સંચાલીત સીટી બસ સેવામાં ગેરરીતિ સબબ ૧૯ કંડકટરો તથા બીઆરટીએસ બસમાં ૧૫ કંડકટર અને ૧ ડ્રાઇવરને સસ્પેન્ડ કરતાં હુકમો કમિશ્નર બંછાનિધી પાનીએ કરતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગે કમિશ્નર વિભાગની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ રાજપથ લિ. અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ચાલતી સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ રૂટ પર તા. ૨૨-૧-૨૦૧૯થી તા. ૫-૨-૨૦૧૯ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા  રાજકોટ શહેરના જુદા જુદા મુખ્ય માર્ગો પર સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમ્યાન કુલ ૨૨ બસોમાં તેના પેસેન્જરોને ટીકીટ મોડી આપવી કે ટીકીટ ન આપતા કન્ડકટર અને ડ્રાઈવરને સસ્પેન્ડ કરવા ઉપરાંત એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી પણ મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આદેશ કર્યો હતો.

સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન સિટી બસમાં મુસાફર કરતા પેસેન્જરને મોડી ટીકીટ આપવામાં આવતી હતી તેમજ અમુક પેસેન્જરને ટીકીટ આપવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યું હતું. મનપાની ટીમ દ્વારા ૨૨ બસોના રૂટ પર ચેકિંગ કરવામાં આવેલ હતું. ચેકિંગ દરમ્યાન આર.એમ.ટી.એસ. (સિટી બસ) નાં કુલ ૦૫ કંડકટરને પેસેન્જરને ટીકીટ ઇસ્યુ ન કરવા બાબતે કાયમી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાં (૧) લીંબડીયા મયુર, (૨) ચાવડીયા કિશોર, (૩) જાડેજા જગતસિંહ, (૪) દેગામી મનોજ અને (૫) હુંડા દીપક નો સમાવેશ થાય છે અને કાયમી સસ્પેન્ડ થયેલા થયેલ કંડકટરની ડી.જી.એન. એજન્સી પાસેથી બબ્બે હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

તેમજ ટીકીટ મોડી ઇસ્યુ કરવા બાબતે (૧) અવિરાતસિંહ ગોહિલ, એક કંડકટરને ૫ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. (૧) ભાવિન ચિત્રોડા, (૨) નરદીપસિંહ ગોહિલ, (૩) સમીર પરમાર, ત્રણ કંડકટરને ૭ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, અને (૧) કાળુભાઈ, (૨) લાલજીભાઈ, (૩) દિલીપભાઈ સોલંકી, (૪) રામજી પરમાર, (૫) કુલદીપ, (૬) મેયુભાઈ ભરવાડ, (૭) યશ ઠાકર, (૮) જીગ્નેશ મકવાણા, (૯) પંકજ ચાવડા, (૧૦) જીગ્નેશ વાસણીયા અને (૧૧) ભવ્યતા ગોજાણી. ૧૧ કંડકટરને ૧૦ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ ડી.જી.એન. એજન્સી પાસેથી પાંચસો – પાંચસો રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મારૂતિ એજન્સીના એક ડ્રાઈવર ગૌતમ લાન્ગરિયાને રફ ડ્રાઈવિંગ બાબતે ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.  જયારે બી.આર.ટી.એસ. બસમાં ચેકિંગ દરમ્યાન ડ્રાઈવર મનસુખભાઈ બોરીચાને ગેરવર્તન અને રફ ડ્રાઈવિંગ બાબતે કાયમી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સિટી બસમાંથી કુલ ૦૫ કંડકટરને કાયમી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કુલ ૧૫ કંડકટરને ટેમ્પરરી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમજ બી.આર.ટી.એસ. બસ સર્વિસમાંથી કુલ ૦૧ ડ્રાઈવરને ગેરવર્તન બાબતે કાયમી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.(૨૧.૩૦)

 

(3:50 pm IST)