Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

રાજકોટ-મોરબી ઝોનના મેગા જોબફેરમાં ૧૮૩ કંપનીઓના પ હજારથી વધુ ઉમેદવારો ઉમટયા

શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ત્રિદિવસીય મેગા જોબફેરનો પ્રારંભ

રાજકોટ, તા. ૧૧: ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ, કે.સી.જી. તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે ગુજરાતનો યુવાન બેરોજગાર ન રહે અને યુવાનોએ નોકરી માટે ભટકવું ન પડે અને એકજ પ્લેટફોર્મ પર તેઓને નોકરીની તકો પ્રાપ્ત બને તે માટે રાજકોટ ઝોન તથા મોરબી ઝોનનો મેગા જોબફેરનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સેનેટ હોલમાં ધનસુખભાઇ ભંડેરી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, કે.સી.જી.ના ઝોનલ ઓફીસર કે.બી. ઉપાધ્યાય, નોડલ ઓફીસર ડો. રંજનાબેન અગ્રવાલ, કુલસચિવ ડો. રમેશભાઇ પરમાર, સીન્ડીકેટ સભ્યશ્રીઓ ડો. વિજયભાઇ પટેલ તથા ડો. પ્રફુલ્લાબેન રાવલની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું.

 

આ મેગા જોબફેરમાં પ્રથમ દિવસે આશરે પ૦૦૦થી વધુ ઉમેદવારો, ૧૮૩ જેટલી પ્રતિષ્ઠિત કંપનીઓએ આ જોબફેરમાં ભાગ  લીધેલ છે. મેગા જોબફેરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં પ્લેસમેન્ટ કંપનીઓ માટે વ્યવસ્થા કરવામાં આવેલ છે અને ઉમેદવારોના ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા તથા સ્પોટ રજીસ્ટ્રેશન મારફત યુવાનોને ગમતી નોકરીની તક આપવા માટેનું ખૂબ સુંદર આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે કરવામાં આવેલ છે.

આજરોજ યોજાયેલ આ મેગા જોબફેરના ઉદ્ઘાટન સમારોહમાં સંબોધતા કુલસચિવશ્રી ડો. રમેશ પરમારે સ્વાગત પ્રવચનમાં મેગા જોબફેરની પ્રસ્તાવના આપી હતી.

આ જોબફેરમાં ડો. કે.બી. ઉપાધ્યાયે ગુજરાત સરકારશ્રી દ્વારા યુવાનોની રોજગારી માટેના જોબફેર કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાશ્રીના શિક્ષણ વિભાગ અને કે.સી.જી. દ્વારા ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોને જોડીને આશરે ર૩ જેટલા સ્થળોએ જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણીએ જણાવ્યું હતું કે, આજના યુવાનોએ પોતાના અભ્યાસમાં માત્ર નોકરીને ધ્યાને રાખીને અભ્યાસ ન કરવો જોઇએ. યુવાન પાસે માત્ર ડીગ્રી હોવાથી રોજગારીની તકો પ્રાપ્ય બને તે જરૂરી નથી. અભ્યાસની સાથે સાથે યુવાનોમાં જોશ, જ્ઞાન, તરવરાટ તથા હકારાત્મક અભિગમની પણ એટલી જ આવશ્યકતા છે. આજનો યુગ એ હરીફભાઇનો યુગ છે અને આવા હરિફાઇના યુગમાં દરેક ક્ષેત્રે ટકી રહેવા માટે સ્કીલ અને હકારાત્મક ઉર્જાની આવશ્યકતા રહેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને હું આ બધા ગુણોનું જીવનમાં અનુમોદન કરવાની સલાહ આપું છું. સ્વામી વિવેકાનંદને યુવાનોએ પોતાના જીવનમાં રોલમોડેલ બનાવવા જોઇએ અને જો આજના યુવાનો સ્વામી વિવેકાનંદજીના જીવનના સંદેશાઓને પોતાના જીવનમાં ઉતારશે તો હું ચોક્કસ કહીશ કે કોઇપણ યુવાન હતાશાનો ભોગ કયારેય નહીં બને.

આ કાર્યક્રમમાં રાજય સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના મેરમેન ડો. ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે,  ગુજરાત રાજયમાં યુવાનોને શ્રેષ્ઠ શિક્ષણ અને ત્યારબાદ રોજગારી મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા ગુજરાતના યુવાનોને રોજગારીની પૂરતી તકો પ્રાપ્ય બને અને દરેક યુવાન પોતાના ગમતા ફીલ્ડમાં કાર્ય કરી શકે તે માટે કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે સમગ્ર ગુજરાતમાં ર૩ જગ્યાએ મેગા જોબફેરનું કે.સી.જી. અને રાજયની અલગ અલગ યુનિવર્સિટીઓના માધ્યમથી આયોજન કરવામાં આવેલ છે.

કાર્યક્રમની આભારવિધિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લેસમેન્ટ ઓફીસ જયભાઇ ચાવડાએ કરેલ હતી.

આ ઉદ્ઘાટન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્યશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, ડીનશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ, શૈક્ષણિક કર્મચારીઓ તથા વિશાળ સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. (૮.૧૭)

 

(3:26 pm IST)