Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

મહાપાલિકાનું બજેટ અવાસ્તવિકઃ આવક નથી છતા ખોટા ખર્ચાઓમાં જ શાસકોને રસઃ કોંગ્રેસ

આર્થિક કરોડરજ્જુ સમાન મિલ્કત વેરામાં ૫૦ ટકાથી ઓછા લોકો પાસેથી વસુલાત થતી નથીઃ વોંકળાઓ પર સાયકલ ટ્રેકઃ આઈ-વે પ્રોજેકટમાં પણ ખોટા ખર્ચ થયાઃ નવો કરબોજ કાઢી નાખવા સહિતનાં સૂચનો કરતા સ્ટેન્ડીંગ કમીટીના કોંગી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા

રાજકોટ, તા. ૧૧ :. મહાપાલિકાના વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટને સ્ટેન્ડીંગ કમિટીએ લીલી ઝંડી આપી છે ત્યારે આ બજેટ તદન અવાસ્તવિક હોવાનું અને આવક કરતા જાવક એટલે કે ખોટા ખર્ચાઓવાળુ હોવાનું સ્ટેન્ડીંગ કમિટીના કોંગ્રેસના એક માત્ર સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યુ છે.

આ અંગે ઘનશ્યામસિંહે જણાવ્યુ છે કે, વેરા વસુલાત ૧૦૦ ટકા કરવી જોઈએ કેમ કે આવાસ તથા કોમર્શીયલની વાસ્તવિક સંખ્યા ખૂબ જ વધુ છે. જ્યારે વેરા વસુલાત ખૂબ જ ઓછી થાય છે. અત્યાર સુધીની વધુમાં વધુ વસુલાતનો આંક ૨,૬૯,૮૦૦ દર્શાવેલ છે. આવાસો અને કોમર્શીયલની સંખ્યા કરતા ૫૦ ટકાથી ઓછા લોકો પાસેથી વેરા વસુલાત થયેલ છે. પ્રામાણિક કરદાતાને લાભ આપવો આવકાર્ય છે.

વાહન વેરામાં વધારો ઉચિત નથી. જળ અને વાયુ જીવાદોરી છે. જેથી પાણી વેરો વધારવાની જરૂરત નથી. ખરેખર વોર્ડવાઈઝ ભુતિયા કનેકશનની જુંબેશ થવાથી કનેકશન રેગ્યુલર કરી રેવન્યુ મેળવી શકાય તેમ છે. લોકો પાણી ઈલેકટ્રીક મોટરથી ખેંચે છે જેના પર ખરેખર કંટ્રોલ લાવવાની જરૂરત છે. આ માટે મીટર પધ્ધતિ સત્વરે અમલમાં મુકવામાં આવે તો પાણીની જરૂરત ખરેખર ઘટશે. લોકો જરૂરત પુરતુ જ પાણી વાપરશે અને પોતાના પાણીના નળ જાતે જ બંધ કરશે. જેથી પાણીનો પ્રશ્ન હલ થશે અને પ્રામાણિક કરદાતા પાણી વેરાના કામથી બચી શકશે.

ગાર્બેજ કલેકશનમાં વેરો વધારેલ નથી તે આવકાર્ય છે પરંતુ પ્રજાજનો સફાઈ માટે જાગૃત થયા છે તેમ સ્પષ્ટ જણાવેલ છે. જેથી કન્ઝર્વન્સી ટેકસ વધારવાની જરૂરત નથી. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સીટીની ગ્રાન્ટ ઉપલબ્ધ છે જેથી ૧ ટકા ટેકસ વધારાનો નિર્ણય ઉચિત નથી.

ડ્રેનેજ ટેકસમાં ૧ ટકાનો ટેકસ વધારવાની જરૂરત નથી. ખરેખર ડ્રેનેજ કનેકશનનો સર્વે કરેલ છે. જેના ડેટા ઉપલબ્ધ છે. જે મુજબ ભુતિયા ડ્રેનેજ કનેકશનવાળા પાસેથી દંડ અને ટેકસ વસુલ કરવામાં આવે તો આ ટેકસ વધારવાની જરૂરત નથી. આ માટે કર્મચારી/અધિકારીએ એજન્સી પર આધારીત રહેવાને બદલે ફીલ્ડમાં જવાની જરૂરત છે. ઓનલાઈન ફરીયાદ પોર્ટલ પર લોકો રીપોર્ટ કરે છે પરંતુ નિંભર તંત્ર પ્રશ્ને ઉકેલ્યા વગર ફરીયાદ હલ થઈ ગયાની નોંધ કરી નાંખે છે.

ડીજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આવકાર્ય છે. જેના થકી ભ્રષ્ટાચારના ભોરીંગ રાક્ષસ પર અંકુશ આવે છે. અર્લીબર્ડ ડીસ્કાઉન્ટ પ્રામાણિક કરદાતાને લાભદાયી છે. જે આવકાર્ય સાથે વેરો નહીં ભરતા લોકો પર કડક કાર્યવાહી કરવાની જરૂરત છે. આમા વ્હાલા દવલાની નીતિ ન ચાલે.

આર્થિક - વહીવટી સુધારા

આ 'નિસરી' ઓને નોંધેલ રેકડી, કેબીન અને કોર્પોરેશનના પ્લોટના દબાણો કોર્પોરેશનના કંટ્રોલરૂમમાં ઉપલબ્ધ હોવા છતા આ બાબતે દંડ વસુલાત કરવામાં કોની શરમ પડે છે. રાજકોટ શહેરના આવા દબાણો હજુ થાય તો આપોઆપ ટ્રાફીક સમસ્યાનો હલ થયા અને દંડરૂપી રેવન્યુ પણ જનરેટ થઈ શકે જેથી વેરા વધારવાની જરૂરત ઘટાડી શકાય.

ચોવીસ કલાક પાણી સુવિધા કાગળ ઉપર છે. ખરા અર્થમાં પુરી ૨૦ મીનીટ જરૂરી ફોર્સથી પાણી મળતુ નથી. એજન્સીની કામગીરી પર સખ્ત સુપરવિઝનની જરૂરત છે.

સુએજ મેનેજમેન્ટ બરાબર નથી. સમયસર ડ્રેનેજ લાઈનની ચકાસણી થતી ન હોવાથી ચોમાસામાં રાજકોટ શહેરના તમામ વિસ્તારમાં ગંદા પાણી તથા વરસાદના પાણીથી પ્રજાજનો ત્રાસી જાય છે. જે બાબતને પ્રીન્ટ મીડીયા અને ઈલેકટ્રોનીક મીડીયા પણ આવરી લીધેલ છે.

વરસાદના પાણી ઠેર ઠેર ભરાયા હોવા છતાં વોટર ફલ્ડીંગ ૦ ટકા દર્શાવેલ છે. આ માટે જે તે સમયના વર્તમાનપત્રો ફરીથી જોવાની જરૂરત છે. આવા ઉલ્ટા ચશ્મા પહેરાવવા યોગ્ય નથી.

સ્માર્ટસીટીમાં આભાસી આંકડા

ભારત સરકારના ૧૦૦ કરોડ તથા રાજ્ય સરકારના ૫૦ કરોડ મળવાના હતા તે પૈકી કેન્દ્રના ૫૦ કરોડ અને રાજ્યના ૨૫ કરોડ મળેલ દર્શાવેલ છે. સ્માર્ટ સીટીના ભાગ હેઠળ ગૃહ વિભાગ તરફથી ૧૫ કરોડ તથા ૯૦ લાખ પોલીસ કમિશ્નર મારફતે મળેલ છે. આ નાણાનો ઉલ્લેખ નથી.

આઈ-વે પ્રોજેકટની કામગીરી પૂર્ણ થયાનું દર્શાવેલ છે. ખરેખર વોર્ડ ઓફિસ, ગોંડલ ચોકડી, કુવાડવા રોડ ખાતે ફકત ફ્રેમ લગાડેલ છે. કેમેરા લગાડેલ નથી. પ્રોજેકટ પૂર્ણ થયેલ હોય તો, પ્રોજેકટ સંભાળ્યાના દસ્તાવેજ ચકાસવા તથા આ માટે કન્સલ્ટન્ટને નાણા ચુકવણીના આંકડા દર્શાવેલ નથી.

પબ્લીક એડ્રેસ સીસ્ટમથી કંટ્રોલરૂમ તથા મુખ્ય ચાર રસ્તાનું જોડાણ કરેલ નથી. આ સુવિધા વગર ઈમરજન્સીમાં પ્રજાજનોને કંટ્રોલ રૂમ તથા મુખ્ય ચાર રસ્તાનું જોડાણ કરેલ નથી. આ સુવિધા વગર ઈમરજન્સીમાં પ્રજાજનોને કંટ્રોલ રૂમથી સંદેશો આપવાની સુવિધા ઉપલબ્ધ કરેલ નથી. પબ્લીક એડ્રેસ સીસ્ટમનો ખર્ચ શું ગીત-સંગીત માટે કરેલ છે.

૯૦૦ કેમેરા લગાવ્યાનું દર્શાવેલ છે. આ કેમેરા પૈકી ઘણા કેમેરા બંધ હોવાનું જણાય છે. આ પ્રકારનો રીપોર્ટ નાનામવા ખાતેના કંટ્રોલરૂમમાં ઓટોમેટીક જનરેટ થાય તેમ છતા જેના કેમેરા કાર્યરત કરવા કેમ કામગીરી કરવામાં આવેલ નથી. વહીવટી ખામીના લીધે ઘણા સ્થળોએ કેમેરાની આડશમાં આવતી ઝાડની ડાળીઓનું કટીંગ ન થતાં ફુટેજ જોવા મળતી નથી.

આ કેમેરા દ્વારા નાના મવા સર્કલના કન્ટ્રોલ રૂમ ખાતેથી ચાર રસ્તા પરની અડચણ સ્પષ્ટ દર્શાય છે. તો આવી અડચણ દૂર કરવામાં કોની શરમ આવે છે.

સેન્સર્સ દ્વારા પ્રદુષણની જાણકારી મળે છે તો આવું પ્રદુષણ કરતા એકમ સામે શું પગલા જોવામાં આવેલ છે ? આ કામગીરી ન થાય તો ખરેખર નાણાનો વ્યય થઇ રહેલ જણાય છે.

આઇસીસીસી અંદાજીત રૂ. ર૦૦૦ લાખનો ખર્ચ દર્શાવેલ આઇસીસીસી (નાના મવા) સાથે પો. સ્ટે.નું કોઇ જોડાણ થયેલ નથી. તેમ છતાં જોડાણ હોવાનું જણાવેલ છે. ખરેખર આ નાણાંનો ખોટો ખર્ચ દર્શાવે છે.

આરએમસી પાસે ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. નાગરીકો તેનો ઉપયોગ કરે છે. જે લોકોને કાર્ડનો ઉપયોગ કરવાનું જ્ઞાન છે તેવા તમામ લોકો પાસે સ્માર્ટ કાર્ડ ઉપલબ્ધ જ હોય છે. જેથી 'રાજકોટ મીઝ' સ્માર્ટ કાર્ડ માટે કરવામાં આવેલ ૧૪.પ૦ કરોડનો ખર્ચ ખરેખર વ્યર્થ છે.

સ્માર્ટ સીટીના નેટવર્ક (ઓએફસી) માટે ૩૮.૮૪ કરોડનો ખર્ચ દર્શાવેલ છે. પ્રોજેકટ માટે હાલ સુધી બીએસએનએલ ને કેટલા નાણા ચુકવ્યાનું દર્શાવેલ નથી. ખરેખર આરએમસી દ્વારા પ્રોજેકટ શરૂ થયા પહેલા ઓએફસી નાખવાની જરૂરત હતી. શા માટે આગોતરૂ આયોજન કરેલ નથી અને ભાડાપેટે બીએસએનએલ. ને નાણા ચુકવેલ છે તેના આંક ખરેખર વધુ છે.

સ્માર્ટ હેતુ માટે ખુલ્લા પ્લોટની જાહેરાતમાં પ પ્લોટની વિગત દર્શાવેલ છે આ પ્લોટમાં રમત-ગમત માટે કોઇ સુવિધા જ નથી કે આ જગ્યા ફુટબોલ-ક્રિકેટ કે અન્ય  રમત રમવા માટે આજની તારીખે ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. ફકત ફેબ્રીકેટેડ વોલ કરી રમતના મેદાન તરીકે દર્શાવેલ છે.

ટ્રાફીક એન્ડ ટ્રાન્સપોર્ટમાં નાણાનો વ્યય

રાજકોટ શહેરમાં મુખ્ય ૪૮ માર્ગો પર નો-પાર્કીંગ, ઝીબ્રા ક્રોસીંગ, સ્પીડ બ્રેકર વગેરે માટે ખર્ચ કરેલ છે. ખરેખર આજ મુખ્ય રસ્તાના મુખ્ય ચોકમાં કાયમી ધોરણે દબાણ જોવા મળે છે. ખાસ કરીને જૂની ફુટપાથ, જુના ડીવાઇડર, જુના સર્કલ દૂર કરી નવા કરવામાં આવે છે. આ પ્રજાના પૈસાનો વ્યય છે. બ્યુટીફીકેશનના બહાના તળે સરેઆમ નાણાંનો વ્યય થાય છે.

સાયકલ ટ્રેકમાં ખોટા ખર્ચ

એસ્ટ્રોન ચોકથી સર્વેશ્વર ચોક સુધીનો સાયકલ ટ્રેક તૈયાર કરેલ છે. ખરેખર આ ટ્રેકનો ઉપયોગ થતો જ નથી. કારણ કે વોંકળો - ખુલ્લી ગટરની દુર્ગંધના લીધે આ ટ્રેક માટે કરવામાં આવેલ ખર્ચ વ્યર્થ સાબીત થયેલ છે. આવા ખોટા ખર્ચ કરવા ઉચિત નથી. ૧પ૦ ફુટ પરનો સાકયલ ટ્રેક દબાણના હીસાબે ઉપયોગમાં જોવામાં આવતો નથી. ૧પ૦ ફુટ રોડ ખરેખર ૮ લેનનો રોડ છે. સાયકલ ટ્રેક, બ્યુટીફીકેશન તથા બીઆરટીએસ ના હિસાબે આ રોડ ૪ લેનનો થતાં ટ્રાફીકની સમસ્યા થાય છે.

રાજકોટ શહેરમાં આરએમસી દ્વારા પાર્કીંગની પુરતા પ્રમાણમાં સુવિધા ઉપલબ્ધ નથી.

આ સુવિધા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રોડ પર પાર્ક કરેલ વાહન પાસેથી ચાર્જ વસુલ કરવાની દરખાસ્ત પડતી મુકવી જોઇએ. શહેર પોલીસ આવા વાહનો ટોઇંગ કરે છે.  અને દંડ વસુલ કરે છે. આ કામગીરી પોલીસ ખાતાની છે. પાર્કીંગ માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાની જવાબદારી આરએમસીની છે જે માટે કામગીરી કરવી ઉચીત છે નહીં કે દંડ વસુલવાની.

વોર્ડ નં. ૧૦ ગાયત્રી મંદિરથી વૃંદાવન નાલામાં સાયકલ ટ્રેકની દરખાસ્ત પડતી મુકવી. કારણ કે અગાઉ કરવામાં આવેલ એસ્ટ્રોન નાલાના ટ્રેકને કોઇ ઉપયોગ થતો નથી.

અગાઉ જીઆઇડી મેપીંગ કરવામાં આવેલ છે. જે ડેટા આરએમસી પાસે ઉપલબ્ધ છે. આ ડેટાનું સંકલન કરવું જોઇએ અને બાકી રહેતા વિસ્તાર પુરતું જ જીઆઇએસ મેપીંગ કરવું જોઇએ. જેથી પ્રજાના નાણાનો વ્યય ન થાય.

(3:25 pm IST)
  • સુરત:પાસ કન્વીનર અલ્પેશ કથીરીયાનો રાજદ્રોહ મામલે કાલે જામીન મેળવવા અંગે કોર્ટમાં થશે રીવીઝન અરજી પર સુનાવણી :સુરત કોર્ટે અલ્પેશના જામીન કર્યા હતા રદ્દ access_time 9:14 pm IST

  • કાશ્મીરમાં સેના બની દેવદૂત :બરફમાં દોઢ કિલોમીટર સુધી ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર લઈને ગયા જવાનો :બેલડી બાળકીઓને આપ્યો જન્મ :ભારે બરફવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે માઇનસ 7 ડિગ્રીથી ઓછા તાપમાનમાં ભારતીય સેનાની કાબિલેતારીફ કામગીરી access_time 1:25 am IST

  • રુચિરા કાબોજ ભૂટાનમાં ભારતની નવા રાજદૂત નિયુક્ત :આગામી દિવસોમાં સાંભળશે કાર્યભાર :વરીષ્ઠ રાજનાયિક રુચિરા કાબોજને ભારતના રાજદૂત અતિકે ભૂટાનમાં નિયુક્ત કરાયા access_time 12:58 am IST