Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

નાણાના અભાવે આરોગ્યલક્ષી સેવાથી કોઇ ગરીબ દર્દી વંચિત ન રહી જાય તે માટે સરકાર કટિબદ્ધ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

આયુષ્યમાન ભારત હેઠળ રાજકોટના ૯૬૦૦૦ પરિવારોના પાંચ લાખ નાગરિકોને આરોગ્ય કવચ આપવા રાજકોટ મહાપાલિકાના મેગાકેમ્પમાં મુખ્યમંત્રી પ્રેરક ઉપસ્થિતિ

રાજકોટ: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સર્વપ્રથમ આયુષ્યમાન ભારત યોજના રાજકોટ ખાતે યોજવામાં આવેલા મેગા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે તારસ્વરે કહ્યું હતું કે, ગરીબ દર્દીઓની ચિંતા સરકારે કરી છે. નાગરિકો પોતાનું દીર્ઘાયુ તંદુરસ્તીસભર વીતાવે એવી રાજ્ય સરકારની નેમ છે.

  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ રાજકોટ શહેરના ૯૬૦૦૦ પરિવારોના અંદાજિત પાંચ લાખ નાગરિકોને આરોગ્ય કવચ આપવા રાજકોટ મહાપાલિકા દ્વારા યોજવામાં મેગાકેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ ઉમેર્યું કે, આયુષ્યમાન ભારતના આ મેગા કેમ્પથી રાજકોટમાં સ્વાસ્થ્ય સુરક્ષાનો નવો સૂર્યોદય થયો છે.

  તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્ર સરકારમાં ૫૪ મહિના શાસનકાળમાં જનકલ્યાણના અનેક કાર્યો કર્યા છે. તેમાં આયુષ્યમાન ભારત યોજના ગરીબો માટે આશીર્વાદરૂ૫ છે. જેનો લાભ દેશના ૧૦.૭૪ કરોડ પરિવારોના ૫૦ કરોડથી વધુ પરિવારોને મળવાનો છે.

  મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના એક પણ સભ્યને કોઇ બિમારી લાગુ પડે ત્યારે, ઘરના તમામ લોકો લાચારી અનુભવે છે. ગરીબોને સારવાર માટે કોઇની પાસેથી આર્થિક સહાય મેળવવા માટે હાથ લાંબો કરવો પડે છે. બિમારી ગંભીર અને લાંબી હોય તેવા સંજોગોમાં પરિવાર દેવામાં ડૂબી જાય છે. વળી, ઘરનો મોભી જ માંદો પડે ત્યારે સ્થિતિ કપરી બને છે.

 આવા સમયે મુખ્યમંત્રી અમૃતમ્ યોજના અને મા વાત્સલ્ય યોજના આ પરિવારો માટે આશીર્વાદરૂપ બને છે. ગંભીર બિમારીમાં સારામાં સારી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મળે છે. રાજ્ય સરકાર દ્વારા રૂ. એક હજાર કરોડની જોગવાઇ આ માટે જ કરવામાં આવી છે. હવે તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજકોટની ૨૫ સહિત ગુજરાતની ૨૬૦૦ હોસ્પિટલમાં પાંચ લાખ સુધીની સારવાર મળશે. આ યોજનાથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને દેશના નાગરિકોના આશીર્વાદ મળશે, તે ચોક્કસ છે.

  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, નાણાના અભાવે આરોગ્યલક્ષી સેવાથી કોઇ ગરીબ દર્દી વંચિત ન રહી જાય તેની દરકાર રાજ્ય સરકારે લીધી છે. લોકોના ટેક્સના પૈસાનો સદ્દઉપયોગ થાય એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. દર્દીઓને દવા, યુવાનોને શિક્ષણ અને રોજગાર તથા ખેડૂતોને સિંચાઇની સુવિધા અગ્રક્રમે આપવામાં આવી છે.

  રાજ્યમાં ગરીબ રેખા હેઠળ જીવતા પરિવારોનું જીવન ધોરણ ઉંચુ આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેમ કહેતા શ્રી રૂપાણીએ ઉમેર્યું કે, ગરીબો પોતાનું જીવન સારી રીતે જીવી શકે એ જ રાજ્ય સરકારનું લક્ષ્ય છે.

  મેયર શ્રીમતી બિનાબેન આચાર્યએ આ પ્રસંગે કહ્યું કે, રાજકોટ શહેરમાં ૪૨ હજાર વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા છે. શહેરના ૯૬ હજાર પરિવારોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ પરિવારો માટે આ બન્ને યોજના આશીર્વાદરૂપ છે.

  સ્થાયી સમિતિના ચેરમેન ઉદયભાઇ કાનગડ અને મ્યુનિસિપલ કમિશનર શ્રી બી. એન. પાનીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

  મુખ્યમંત્રીએ આ કેમ્પમાં પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો. તે પોતાનું  પ્રવચન પૂરૂ કર્યું એ બાદ લાભાર્થીઓને આરોગ્યસેવાના કાર્ડ આપ્યા હતા અને તુરંત કેમ્પની મુલાકાત લેવા ગયા હતા. જ્યાં તેઓ લાભાર્થીઓને મળ્યા હતા. તેમની સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રી સ્વયં મળવા આવતા જોઇને લાભાર્થીઓને ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. શ્રી રૂપાણીએ લાભાર્થીઓ સાથે ટૂંકો સંવાદ પણ સાધ્યો હતો.

  કાર્યક્રમના પ્રારંભે જાણીતી ગાયિક સુશ્રી કિંજલ દવેએ ગીતોની રમઝટ બોલાવી હતી. તેમના કાર્યક્રમને લોકોએ રસપૂર્વક માણ્યો હતો.

  આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠિયા,પ્રદેશ ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, ગુજરાત મ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી,શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ભાજપ પ્રવકતા રાજુભાઇ ધૃવ, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસકપક્ષના પ્રમુખ દલસુખભાઇ જાગાણી, ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ અંજલિબેન રૂપાણી, દંડક અજયભાઇ પરમાર, ભીખાભાઇ વસોયા, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ, કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. મેહુલ દવેએ કર્યું હતું

 

(6:39 pm IST)
  • રાજ્યમાં ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટીસ કરનાર સામે તંત્રની લાલ આંખ : કલોલના સાંતેજમાં આરોગ્ય વિભાગના દરોડા: સાંતેજની શિવા ક્લિનિકમાં તપાસ , બોગસ ડીગ્રીના આધારે ક્લિનિક ચલાવી રહ્યો હતો નકલી ડોક્ટર: પોલીસે ખોટા દસ્તાવેજો સાથે નકલી ડોક્ટરની ધરપકડ કરી access_time 9:28 pm IST

  • રાજસ્થાનમાં ગુર્જર આંદોલન હિંસક બન્યું :ધૌલપુરમાં પોલીસ પર પથ્થરમારો :પોલીસની ગાડીઓમાં આગ લગાડાઇ :ભરતપુર જિલ્લાના ધૌલપુરમાં પ્રદર્શકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ :પોલીસ પાર પથ્થરમારો કરાયો :ગાડીઓ પણ સળગાવી access_time 1:26 am IST

  • અમદાવાદ: રૂપિયા 260 કરોડ ઓનલાઇન છેતરપીંડીનો મામલો :CIDએ વધુ એક ગુનામાં ભાર્ગવી શાહને તપાસ માટે મિર્ઝાપૂર કોર્ટેમાં ટ્રાન્સફર વોરંટથી અટકાયતની કરી માગ : કોર્ટે ભાર્ગવી શાહની અટકાયત માટેનો આદેશો આપ્યો access_time 12:23 am IST