Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જુ. ફાયરમેનની ૨૫ જગ્યા માટે અ..ધ..ધ.. ૬ હજાર અરજીઓ આવી

નવ ફાયર સ્ટે. ઓફિસરના ૩૦ ઉમેદવાર માટે ૧૫મી બાદ પ્રેકટીકલ પરીક્ષા

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા ૭ મહિલા સહિત કુલ ૨૫ જેટલા જુનિયર ફાયરમેનો માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવતા ૬ હજાર જેટલી અરજીઓ આવી છે. આગામી ૧૫મી જાન્યુઆરી પછી ફાયર સ્ટેશન ઓફિસરની ૯ જગ્યા ભરવા પ્રેકટીકલ પરીક્ષાની પ્રક્રિયાઓ તંત્ર દ્વારા હાથ ધરાશે.

આ અંગે મ.ન.પા.માં જુનિયર ફાયરમેનોની ૨૫ જગ્યા ભરવા કાર્યવાહી હાથ ધરવામ)ં આવતા અરજી મોકલવાની છેલ્લી તા. ૬ જાન્યુઆરી સુધીમાં ૬ હજાર જેટલીઓ અરજીઓ આવી છે.

જેમાં ૧૪ જગ્યા બિન અનામત એટલે કે સામાન્ય કેટેગરીની છે તથા ૧૦ જગ્યા સામાજીક - શૈક્ષણિક પછાત વર્ગ માટે અનામત છે અને ૧ જગ્યા અનુસૂચિત જાતી માટે અનામત છે. જેમાં ૭ જગ્યા મહિલાઓ માટે અનામત છે. જો મહિલા ઉમેદવારોની અરજી ન આવે તો પુરૂષ ઉમેદવારની અરજી સ્વીકારી લેવાશે.

પસંદ થનાર ઉમેદવારને પાંચ વર્ષ માટે રૂ. ૧૯૯૫૦ના ફીકસ પગારથી ફરજ સોંપવામાં આવશે. પાંચ વર્ષ બાદ જગ્યાની જરૂરીયાત ધ્યાને લઇ સાતમાં પગાર પંચ મુજબ આગળ ફરજ સોંપવા વિચારાશે.

અરજદારોનું મેરીટના આધારે શોર્ટ લીસ્ટ કરી લેખીત પરીક્ષા લેવાશે. ત્યારબાદ પ્રેકટીકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં ઉતીર્ણ થવું ફરજીયાત છે.

ઉમેદવારોની પસંદગીનો આખરી નિર્ણય મ્યુ. કમિશનરનો રહેશે તેમ જાહેર કરાયું છે.

ફાયર સ્ટેશન ઓફિસર

રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા ૯ સ્ટેશન ઓફિસરની ખાલી જગ્યા ભરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવતા કુલ ૧૩૨ ઉમેદવારોની અરજીઓ આવી હતી. અરજી કરેલ ઉમેદવારોના ડોકયુમેન્ટ ચકાસણી કર્યા બાદ ૩૦ ઉમેદવારોનું આખરી લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેની પ્રેકટીકલ પરીક્ષા તા. ૧૫ જાન્યુઆરી બાદ લેવામાં આવનાર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

(4:47 pm IST)