Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સેકન્‍ડ રીંગ રોડ-એઈમ્‍સ માટે ૬૫ કરોડના રસ્‍તા-પૂલના ઓર્ડરો આપતુ રૂડાઃ બીજા રીંગ રોડ પર ભાવનગર-અમદાવાદ જોડતો હાઈવે

કુલ ૫ ટેન્‍ડર ખોલાયાઃ પીસીસી, આરસીસી, બેકબોન કંપનીને ઓર્ડરો અપાઈ ગયા : એઈમ્‍સ માટે ૩૦ મીટરનો ફોરલેન તો ૯૦ મીટરનો સીકસલેન રોડ બનશે આવતા વીકમાં: મુખ્‍યમંત્રીના હસ્‍તે ખાતમુહુર્ત

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ અર્બન ડેવલોપમેન્‍ટ ઓથોરીટી-રૂડાએ એક પછી એક વિકાસ કામોની હરણફાળ ભરી છે. શુક્રવારે સાંજે સીઈઓ શ્રી ચેતન ગણાત્રાની અધ્‍યક્ષતામાં ૬૫ કરોડના ટેન્‍ડરો ખોલાયા હતા અને ત્રણ માતબર કંપનીને આ ૫ ટેન્‍ડર અંગે કામગીરીના ઓર્ડરો અપાઈ ગયાનું માહિતગાર સાધનોએ ઉમેર્યુ હતું.

અધિકારી સૂત્રોના જણાવ્‍યા મુજબ રૂડા સેકન્‍ડ રીંગ રોડના ચોથા ફેઈઝ માટે ભાવનગર રોડથી અમદાવાદ હાઈવેને જોડતો ૧૦ાા કિ.મી. લાંબો હાઈવે બનાવશે. તેનો ઓર્ડર પીસીસી કંપનીને અપાયો છે. આ રોડ ઉપર બે બ્રીજ બનનાર છે. જેનો ઓર્ડર બેકબોન કંપનીને અપાયો છે. આ કુલ ૪૪ કરોડનું કામ છે. આ ઉપરાંત એઈમ્‍સ માટે ફોર લેન-સીકસ લેન બનનાર છે. જે ૨૧ કરોડના ટેન્‍ડર ખોલાયા હતા અને પીસીસી તથા આરસીસી કંપનીને બન્ને મહત્‍વના રસ્‍તા માટે ઓર્ડરો અપાયા હતા. જેમા એઈમ્‍સ માટે એક રસ્‍તો ૩૦ મીટરનો ફોર લેનવાળો તથા બીજો રસ્‍તો ૯૦ મીટરનો સીધો એઈમ્‍સ સુધી સીકસ લેનવાળો બનશે. કુલ ૬૫ કરોડના ૫ ટેન્‍ડરો ખોલી કામો માટે જે તે કંપનીને ઓર્ડરો અપાયા છે અને તેના ચેકીંગ-નિરીક્ષણ અર્થે સીઈઓ શ્રી ચેતન ગણાત્રા દ્વારા ટીમો પણ બનાવાઈ છે. આ તમામ કામોના ખાતમુહુર્ત માટે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો કાર્યક્રમ ગોઠવાઈ રહ્યાનું સાધનોએ ઉમેર્યુ હતું.

(4:02 pm IST)