Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાઇબ્રેરી - સ્પોર્ટસ હોસ્ટેલ ઓપન એર થિયેટરનું વિજયભાઇ દ્વારા ઇ-ખાતમુહૂર્ત

રાષ્ટ્રીય યુવા દિવસે વિજયભાઇ ૨૫ હજાર છાત્રોને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ ઉપર સંબોધશે

રાજકોટ તા. ૧૧ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આવતીકાલે મંગળવારના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી 'રાષ્ટ્રીય યુવા દિવસ' નિમિતે વિવિધ કાર્યક્રમોનું વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા સંલગ્ન કોલેજોના રપ૦૦૦ વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પરથી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિતે સંબોધન કરશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને સાંભળવા આતુર બન્યા છે. અત્યાર સુધીમાં માત્ર પાંચ દિવસમાં અધધધ કુલ રપ૦૦૦ થી વધુ વિદ્યાથીઓએ આ કાર્યક્રમ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે અભ્યાસ કરતાં વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે આશરે રૂ. ૪ કરોડ (ચાર કરોડ) ના ખર્ચે નવનિર્માણ પામેલ આધુનીક ઈન્ટરનેશ્નલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ તથા કેમ્પસ ખાતે આવેલ સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને વાંચનની સુવિધા મળી રહે તેવા શુભ હેતુથી સ્વાઘ્યાય પરિવારના પૂજય પાંડુરંગ દાદાની ચેર દ્વારા સરસ્વતી હોસ્ટેલ ખાતે નવનિર્માણ પામેલ સુંદર લાઈબ્રેરીનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ–લોકાર્પણ કરવામાં આવશે.

સાથે સાથે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે નૂતન પ્રકલ્પના ભાગરૂપે આશરે રૂ. ૬ કરોડ (છ કરોડ) ના ખર્ચે તૈયાર થનાર અતિ અદ્યતન લાઈબ્રેરી, આશરે રૂ. ૩ કરોડ (ત્રણ કરોડ) ના ખર્ચે તૈયાર થનાર અદ્યતન સ્પોર્ટસ હોસ્ટેલ તથા આશરે રૂ. ૧.રપ કરોડ (સવા કરોડ) ના ખર્ચે તૈયાર થનાર ઓપન એર થીએટરનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ–ખાતમુહુર્ત કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

(3:57 pm IST)