Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજકોટમાં ઇ-મેમાથી લોકો ત્રાહિમામ : પ્રજાહિતમાં યુવા લોયર્સ કાનુની લડત આપશે

યુવા લોયર્સ એસો.ના ૫૫ વડીલોની ટીમ પ્રજાહિમાં કાનુની કાર્યવાહી કરશે : સી.સી.ટી.વી કેમેરા પ્રજાના રક્ષણ માટે છે તેના બદલે લોકો જ દંડાઇ રહ્યા છે : લોકો પાસેથી વસુલાતો દંડ કાયદા વિરૂધ્ધ અને ગેરકાયદેસરનો છે : પોલીસખાના દ્વારા બંધારણીય અધિકારીનો ભંગ કરી દંડ વસુલાય છે

રાજકોટ,તા. ૧૧: રાજકોટમાં ઘણા વર્ષોથી કાર્યરત યુવા લોયર્સ એશોસીએશન સીનીયર જુનીયર વકીલોમાં ખૂબ જ લોકપ્રિય અને કાયમી કાર્યશીલ રહેલ યુવા વકીલોની સંસ્થા તરીકે કાર્યરત છે અને સાથોસાથ સમાજ ઉપયોગી પ્રવૃતિ કરી સામાજીક જવાબદારી પણ નિભાવી રહેલ છે. સામાજીક પ્રશ્નોમાં પણ ઉઠાવી રહેલ છે.

છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં રાજમાર્ગો પર સી.સી.ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવેલ છે તે કેમેરાઓનો ઉપયોગ વાહનચાલકો -પ્રજાજનો વિરૂધ્ધ કરવામાં આવી રહેલ છે. ખરી હકીકતે સી.સી.ટી.વી. કેમેરાઓ નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃતિઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સી.સી.ટી.વી. કેમેરાઓનો ઉપયોગ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખૂબ જ મોટો દંડ ફટકારીને સરકારશ્રીને સારૂ લગાડવા માટે પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

સી.સી.ટી.વી.ના ઉપયોગની માર્ગદર્શિકા મુજબ માત્ર ટ્રાફીક નિયમોના ભંગ બદલ દંડ વસુલ કરવાની કોઇ યોજના ન હોવા છતાં  પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ શહેરની પ્રજાજનોને ઇ-મેમો આપવામાં આવે છે. અને લોકોને જેની આવકના સાધનો ન હોવા છતાં મોટી રકમનાં દંડ ભરવા કાયદાથી વિરૂધ્ધ દબાણ કરવામાં આવે છે. જે હકીકત ધ્યાન ઉપર આવતા લોકોને મદદ મળી રહે તે માટે યુવા લોયર્સ એસો.ના એડવોકેટોની ટીમ દ્વારા લડત ચલાવવાનું નક્કી કરેલ છે.

સી.સી.ટી.વી કેમેરા લગાડવાનો ઉદેશ એવો હતો કે ગેરકાયદેસર રોડ રસ્તા પર થયેલ દબાણ અને હુમલા -લુંટ અને ઘાડ મારામારી, એકસીડન્ટ જેવા બનાવો બને તો પોલીસ તપાસમાં મદદરૂપ થઇ શકાય પરંતુ હાલમાં માત્ર વાહન ચાલકો પાસેથી મોટી રકમના દંડ વસુલવાનું સાધન બનાવી દીધેલ છે. તેમજ લોકોને જે ટ્રાફીકજામ જેવી સમસ્યાઓ અને ટ્રાફીક સમસ્યાઓ, ચાલવવા અંગે જે મુશ્કેલીઓ છે. તેની કાર્યવાહી કરવામાં આવતી નથી.

લોકોને ઇ-મેમોના દંડની રકમ નહીં ભરવામાં આવે તો ફરીયાદ દાખલ કરવાની અને લાયસન્સ રદ કરવાની, વાહન જપ્ત કરવાની અને વાહન વેચાણ કરવા માટે ટ્રાન્સફર અટકાવીશું. આ પ્રકારની કાયદા વિરૂધ્ધની વાતો થઇ રહેલ છે. અને ઇ-મેમોના દંડની રકમનો કેસ જો ૬ માસમાં કોર્ટમાં દાખલ કરવામાં ન આવે તો આપો આપ તે લેણુ કાયદા મુજબ વસુલ કરી શકાતુ નથી.

હાલમાં દેશ કોરોના (કોવીડ-૧૦) ની મહામારીનો સામનો કરી રહેલ છે અને ઘણા લાંબા સમય લોકડાઉનનો સામનો સામાન્ય પ્રજાજનોએ કરેલ છે. પ્રજાજનો બની રહેલ છે અને તેઓ કાનુની-કોર્ટ કાર્યવાહીમાં ફસાય ગયેલ છે કાનુની ખર્ચ તમામ લોકો ભવિષ્યમાં ઉઠાવી શકે તેમ ન હોય અને કાયદાથી અજાણ હોય ખુબજ મુશ્કેલીમાં મુકાય ગયેલ છે તેવી ફરીયાદો અને રજુઆતો યુવા લોયર્સના એડવોકેટ મીત્રો પાસે આવેલ હતી. જેથી કાયદા વિરૂદ્ધની વાતો ફેલાવી લોકોને ડરાવીને કાર્યવાહી થતી હોય તેની સામે યુવા. લોયર્સ એશો.ના એડવોકેટોની ટીમ એ લડત આપવા નકકી કરેલ છે, આ અંગે ગુજરાત હાઇકોર્ટમાં પણ કાર્યવાહી કરવાનું વિચારણા હેઠળ છે.

આ કામગીરી માટે યુવા લોયર્સની સીનીયર જુનીયર એડવોકેટની વિશાળ ટીમ સતત કાર્યશીલ રહેશે. યુવા લોયર્સ એશોસીએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ કન્વીનર હેમાંશુ પારેખ તથા અજય પીપળીયા, વિરેન રાણીંગા, આનંદ પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નીશાંત જોશી, રીતેશ ટોપીયા, દર્શન ભાલોડીય, સંજય ટોળીયા, ધવલ પડીયા, હર્ષીલ શાહ, કેતન સાવલીયા, જયવિર બારૈયા, રવિરાજસિંહ જાડેજા, મીલન જોષી, દીપ વ્યાસ, જીતેન્દ્ર ધુળ કોટીયા, કુલદીપ ચૌહાણ, નયન મણીયાર, વિજય પટગીર, કિશન વાલ્વા, અમીત ગડારા, નીલ શુકલ, ખોડુભા સાકરીયા, જયપાલ સોલંકી ઉપરાંત અગ્રણી યુવા વકીલો નિમેષ કોટેચા, પ્રશાંત લાઠીગ્રા, જયકિશન છાંટબાર, તુષાર સોંડાગર, આનંદ રાધનપુરા, મોહીત ઠાકર, જીગર નશીત, વીક્રાંત વ્યાસ, ચંદ્રેશ સાકરીયા, અજીત પરમાર, પ્રફુલ રાજાણી, રાહુલ મકવાણા, ધર્મેશ સખીયા, કલ્પેશ મોરબીયા, પારસ શેઠ, નીરજ કોટડીયા, રાજેન્દ્ર જોષી, ચીરાગ કુકરેચા, જય મગદાણી, ભાવીન બારૈયા, જય બુદ્ધદેવ, નીકુંજ મહેતા, ઘનશ્યામભાઇ વાંક, ધવલભાઇ પુરોહીત વિગેર એડવોકેટની વિશાળ ટીમ સક્રીય રહેશે. કાનુની માર્ગદર્શન માટે યુવા લોયર્સના પ્રમુખ અને સામાજીક અગ્રણી કીરીટ નકુમ (મો.૯૮ર૪૮ ૮૯૯૩૯) અને કન્વીનર હેમાંસુ પારેખ (મો.૯૯ર૪૧ ર૬૯૭૬) નો સંપર્ક કરવા. યુવા લોયર્સ એસો.દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)