Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જાહેરમાં પતંગ ઉડાડતાં-લૂટતાં ૪ પકડાયાઃ ચાઇનીઝ દોરો વેંચતા પાંચની ધરપકડ

પ્ર.નગર, બી-ડિવીઝન, તાલુકા પોલીસ, યુનિવર્સિટી અને કુવાડવા પોલીસની કાર્યવાહીઃ ઉતરાયણને લગતાં કાયદાઓનું વેપારીઓને, લોકોને પાલન કરવા પોલીસનો અનુરોધ

રાજકોટ તા. ૧૧ :. મકર સંક્રાંતિના પર્વમાં પણ લોકોને કોરોનાને કારણે અમુક નિયમોનું ફરજીયાત પાલન કરવું પડશે. આ સિવાય દર વર્ષે જે જાહેરનામા બહાર પડે છે તેનું પણ પાલન નહિ થાય તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. જાહેરમાં ભયજનક રીતે પતંગો ઉડાડવા અને લૂંટવા પર પ્રતિબંધ હોવા છતાં આવુ કરતાં ૪ શખ્સો પોલીસની ઝપટે આવી ગયા હતાં. જ્યારે ચાઇનીઝ દોરા વેંચવા પર પ્રતિબંધ હોવા છતાં કમાઇ લેવાની લ્હાયમાં લોકોના જીવ જોખમમાં મુકતાં વેપારીઓ સામે પણ પોલીસ આકરી બની છે. આવા પાંચ શખ્સોને પોલીસે પકડી કાયદાનું ભાન કરાવ્યું છે. પ્ર.નગર, બી-ડિવીઝન, તાલુકા પોલીસ, યુનિવર્સિટી પોલીસ અને કુવાડવા પોલીસે કરેલી કાર્યવાહીની વિગતો આ મુજબ છે.

મળતી વિગત મુજબ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ આર.બી. જાડેજા, હેડ કોન્સ. વિજયગીરી, મોહસીનખાન, અમીનભાઈ, હરસુખભાઈ સબાડ, ધર્મરાજસિંહ, મનીષભાઈ તથા હર્ષરાજસિંહ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન કાલાવડ રોડ સત્ય સાંઈ હોસ્પીટલ મેઈન રોડ પર સદ્ગુરૂ સાનિધ્ય એપાર્ટમેન્ટની નીચે ક્રિષ્ના ગીફટ આર્ટીકલ એન્ડ સીઝન સ્ટોરમાં રાકેશ જયસુખભાઈ ગોધાત (ઉ.વ. ૩૪) (રહે. બીગબજાર પાછળ મારૂતિ પાર્ક શેરી નં. ૧)ને ચાઈનીઝ દોરીની ૪૦ ફીરકી સાથે પકડી લીધો હતો. જ્યારે પુનીતના ટાંકાની સામેથી જાહેરમાં પતંગ ચગાવતા દિનેશ લાલાભાઈ ગુંડીયા (ઉ.વ.૨૨) (રહે. વાવડી મેઈન રોડ, ઝૂપડપટ્ટીમાં)ને પકડી લીધો હતો.

બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એફ. ડામોર સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન કોન્સ. મિતેશભાઈ તથા સંજયભાઈને મળેલી બાતમીના આધારે પેડક રોડ પર જાહેરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સુરેશ રમણભાઈ પટણી (ઉ.વ. ૪૫) (રહે. પેડક રોડ, મૂળ પાટણના અધાર ગામ)ને ચાઈનીઝ દોરીની છ ફીરકી સાથે પકડી લીધો હતો.

કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે. રાઠોડ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે ખોરાણા ગામમાં કરીયાણાની દુકાનમાંથી ચાઈનીઝ દોરીની ૯ ફીરકી સાથે વેપારી જતીન વિનોદભાઈ વખારીયા (ઉ.વ. ૩૬) (રહે. ખોરાણા ગામ)ને પકડી લીધો હતો. જ્યારે પ્ર.નગર પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ દરમ્યાન ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર કુલદીપ મુકેશભાઈ ભોણીયા (ઉ.વ.૨૦) (રહે. ગાયકવાડી શેરી નં. ૫, કીટીપરા આવાસ યોજનાના કવાર્ટર)ને પકડી લીધો હતો. જ્યારે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એસ. પટેલ સહિતે એરપોર્ટ રોડ જવાના રસ્તા પર પતંગ ચગાવતા પ્રકાશ મધુભાઈ ગઢાધરા (ઉ.વ. ૩૩) (રહે. શીવપરા શેરી નં. ૩)ને પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ બી.વી. બોરીસાગર સહિતે રસ્તા પર પતંગ ઉડાવતા સાવન ઉમેશભાઈ સાથળીયા (ઉ.વ. ૨૪) (રહે. સેન્ટ્રલ જેલની પાછળ)ને તથા યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.બી. જાડેજા સહિતે ધરમનગર મેઈન રોડ પર પતંગ ચગાવતા વિજય બાબુભાઈ ડાભી (ઉ.વ. ૩૬) (રહે. ધરમનગર આવાસ યોજના કવાર્ટર)ને તથા એ-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ સી.જી. જોષીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ બી.વી. ગોહીલ સહિતે શાસ્ત્રીમેદાન પાસે રોડ પર પતંગ લૂંટતા હુસેન રઝાકભાઈ દોસાણી (ઉ.વ.૨૨) (રહે. બંટેશ્વર, ૨૫ વારીયા કવાર્ટર)ને પકડી લઈ જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

ચાઇનીઝ દોરા લોકો, પક્ષીઓ માટે ઘાતક નીવડતાં હોઇ તેના વેંચાણ પર, ઉપયોગ પર પ્રતિબંધ છે. આમ છતાં વેપારીઓ, અમુક પતંગ રસીયાઓ સમજતાં નથી અને કાયદો તોડે છે. આવા તમામ લોકો પોતાની ફરજ સમજી ઉતરાયણને લગતાં કાયદા-નિયમોનું પાલન કરે તેવો પોલીસે વધુ એક વખત અનુરોધ કર્યો છે.

(3:51 pm IST)