Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ફૂડ સેમ્પલના કેસમાં મનપાની હાર : બેદરકાર અધિકારીને નોટીસ

૨૦૧૫માં લેવાયેલ મોતીચુર લાડુમાં ભેળસેળ અંગે કોર્ટમાં કેસ દાખલ થયેલ : ફુડ સેફટી ઓફિસરે સેમ્પલીંગમાં બેદરકારી દાખવતા વેપારીનો છુટકારો : કોર્ટે જવાબદાર અધિકારી સામે પગલા લેવા મ્યુ. કમિશનરને હુકમ કર્યો

રાજકોટ તા. ૧૧ : મ.ન.પા.ના આરોગ્ય વિભાગને અધિકારીને બેદરકારીને કારણે કોર્ટમાં હારનો સામનો કરવો પડયો છે.

આ અંગે આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ૧૬-૯-૨૦૧૫ના રોજ મ.ન.પા.ના ફૂડ સેફટી ઓફિસર કૌશિક સરવૈયા દ્વારા કોઠારિયા રોડ તિરૂપતિ સોસાયટી શેરી નં. ૨માં સાક્ષી ગૃહ ઉદ્યોગમાંથી 'મોતીચુર લાડુ'નું સેમ્પલ લેવાયુ હતું. આ સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ મ.ન.પા. દ્વારા નિયમ મુજબ સેમ્પલ આપનાર વેપારી સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.  આ કેસના ચુકાદો ગઇ તા. ૨૭-૧૧-૨૦ના રોજ વેપારીની તરફેણમાં આવ્યાનું અને આ કેસમાં ફૂડ સેફટી ઓફિસરની બેદરકારીને કારણે વેપારીનો છુટકારો થયો અને તંત્ર કેસ હારી ગયું.

સૂત્રોના જણાવ્યા મુજબ નામદાર કોર્ટે આ ચુકાદા અન્વયે મ્યુ. કમિશનરને હુકમ કરીને જણાવ્યું છે કે, આ પ્રકરણમાં જવાબદાર અધિકારીએ ફૂડ સેમ્પલ લઇ અને બીજા દિવસે જ મોકલવાને બદલે ત્રીજા દિવસે લેબોરેટરીમાં મોકલ્યું હતું અને એકસ્પાયરી ડેટ તથા સાક્ષી અંગે કોર્ટ સમક્ષ કોઇ ખુલાસા કરી શકેલ નહીં. આમ, આ પ્રકરણમાં જવાબદાર અધિકારીની બેદરકારી જણાતી હોઇ તેની સામે જરૂરી પગલા લેવા.  આમ, આ કેસમાં તંત્રની હાર થતાં કોર્ટના હુકમ મુજબ જવાબદાર ફૂડ સેફટી ઓફિસરને બેદરકારી અંગે કારણદર્શક નોટીસ ફટકારાઇ છે. તેમજ હવે આ પ્રકરણમાં મ્યુ. કોર્પોરેશન દ્વારા નામદાર હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

(3:28 pm IST)