Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

વ્યાજખોરીઃ ઘંટેશ્વર પાસે રહેતાં જયેશ જોષીની ૧૧ જણા સામે ફરિયાદઃ ફલેટનો સાટાખત કરાવી લેવાયો, કાર પડાવી લેવાઇ

લાખો ચુકવ્યા છતાં મુળ રકમ ઉભી રાખી સતત ઉઘરાણીઃ ફાયનાન્સર હિનેષ પંચોલી ઉપરાંત મિલન ટાટમીયા, ચિરાગ પટેલ, તેના પત્નિ હેતલબેન, સાસુ લીલાબેન, વિક્રમ ખુમાણ, પરેશ દેથરીયા, ઉમેશ પટેલ, વિક્રમ પટેલ, સંદિપસિંહ અને પ્રિયેશ ધનેશા સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યોઃ બે શખ્સની પુછતાછહિનેશે ૧ાા લાખના ૩ લાખ, પછી ૨.૪૦ લાખ સામે ૪ાા લાખ અને છેલ્લે ૧૦ લાખ માંગ્યાઃ ફલેટમાંથી હાંકી કાઢવાની ધમકીઃ અન્યોની પણ સતત ઉઘરાણી-માનસિક ત્રાસનો આરોપ

રાજકોટ તા. ૧૧: વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એસઆરપી કેમ્પ પાસે રહેતાં યુવાને જુદા-જુદા ૧૧ લોકો પાસેથી પોતાના ઉપયોગ માટે અને પિતાની સારવાર માટે જુદી-જુદી રકમ વ્યાજે લીધા બાદ તેની સામે લાખો રૃપિયા ચુકવ્યા છતાં આ બધાએ વધુને વધુ વ્યાજ માંગી પઠાણી ઉઘરાણી કરી તેમજ એક ફાયનાન્સરે ફલેટનો સાટાખત કરાવી લઇ તેમજ નેટ બેંકીંગથી ૩૦ હજાર ટ્રાન્સફર કરાવી લઇ આ ઉપરાંત બીજા શખ્સોએ કાર પડાવી લઇ તેમજ પ્લેઝર ટુવ્હીલર રાખી લઇ સતત ધાકધમકીઓ આપતાં અને ઘરે આવી ઉઘરાણીઓ કરતાં અંતે તેણે ૧૧ જણા સામે ફરિયાદ નોંધાવી છે. 

આ બારામાં યુનિવર્સિટી પોલીસે નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર એસઆરપી કેમ્પ પાસે બાપા સિતારામ ચોક, વર્ધમાન હાઇટ્સ બી-૬૦૨માં રહેતાં અને ફુલછાબ ચોક સ્ટાર પ્લાઝામાં આવેલા એમ.એકસએલ. કંપનીમાં એડમીન તરીકે એક વર્ષથી નોકરી કરતાં જયેશ છેલશંકરભાઇ જોષી (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી હિનેશ પ્રવિણભાઇ પંચોલી, મિલન મનસુખભાઇ ટાટમીયા, ચિરાગ વાડીલાલભાઇ પટેલ, હેતલબેન ચિરાગભાઇ, લીલાબેન પટેલ, વિક્રમ ખુમાણ, પરેશ દેથરીયા, ઉમેશ પટેલ, વિક્રમ પટેલ, સંદિપસિંહ અને પ્રિયેશ ધનેશા સામે આઇપીસી ૩૮૬, ૩૮૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, મનીલેન્ડ એકટ ૫, ૪૦, ૪૨ મુજબ ગુનો નોંધ્યો છે.

જયેશ જોષીએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા ફલેટના ઉપરના માળે હિનેશ પંચોલી તેના પરિવાર સાથે રહે છે અને તેને બજરંગવાડી ચોકી સામે ગજાનંદ ફાયનાન્સ નામે ઓફિસ છે. બે વર્ષ પહેલા મારે દોઢેક લાખ રૃપિયાની જરૃર પડતાં હિનેશને વાત કરતાં તેણે મને ઓફિસે આવવા કહેતાં હું તેની ઓફિસે ગયો હતો.  સિકયુરીટી પેટે સહી કરેલા કોરા ચેક આપવા પડશે તેમજ પાન કાર્ડ, આધારકાર્ડની નકલ માંગતા મેં બેંક ઓફ બરોડાના છ ચેક આપ્યા હતાં. મને દોઢ લાખ રોકડા ૬ ટકાના વ્યાજે આપ્યા હતાં. બે મહિના સુધી વ્યાજ ભર્યા પછી સગવડ ન હોઇ ચુકવી શકતો નહતો. તેણે સતત ઉઘરાણીઓ ચાલુ રાખી હતી.

એ પછી તેણે પાંચેક મહિના પછી કહેલુ કે તું સમયસર વ્યાજ ચુકવી શકયો નથી તેથી હવે તારે ૩ લાખ ચુકવવા પડશે, જો આ ૩ લાખ નહિ આપ તો તને સોસાયટીમાં બદનામ કરી દઇશ તેવી વાત કરતાં હું ગભરાઇ ગયો હતો. મારા પિતાને શરીરમાં પાણી સુકાઇ જવાની બિમારી હોઇ તેઓની સારવાર માટે ૩ લાખની જરૃર પડતાં મેં ફરીથી હિનેશને વાત કરતાં તેણેઓછા વ્યાજે વ્યવસ્થા કરાવી આપશે તેવી વાત કરી હતી. એ પછી આજથી નવેક મહિના પહેલા મને તેની ઓફિસની બાજુમાં આવેલ નોટરી પાસે લખાણ કરાવડાવી તેમાં સહીઓ લીધી હતી. એ વખતે મને રૃા. ૨,૪૦,૦૦૦ આપીને કહેલુ કે ૩ લાખની બદલે આટલા જ મળશે. તેમજ ૪,૫૦,૦૦૦ લીધા છે તેવું લખાણ કરાવડાવી દર મહિને મારી પાસેથી રૃા. ૪૦,૪૦૦ વ્યાજ વસુલ્યું હતું. મેં ૮ મહિના સુધી આ વ્યાજ નિયમીત ભર્યુ હતું. એ પછી લોકડાઉન થતાં હું તેને આ વ્યાજ ચુકવી ન શકતાં તેણે ઘરે આવીને તેમજ ફોનમાં જેમ તેમ બોલી ઉઘરાણી શરૃ કરી હતી.

ત્યારબાદ તેણે જો રૃપિયા ન આપવા હોય તો તારા ફલેટનો સાટાખત કરી આપ તેમ કહી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતાં હું ગભરાઇ ગયો હતો. એ પછી તેણે બળજબરીથી જુન-૨૦૨૦માં મારા ફલેટનો સાટાખત કરાવી લીધો હતો. તેમજ મને ૪૦,૪૦૦ના આઠ હપ્તા આપેલા છે તે તું ભુલી જાજે હવે તારે મને ૧૦ લાખ આપવાના છે તેમ કહી અને આ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દર મહિને રૃા. ૩૦ હજાર વ્યાજ આપવું પડશે તેમ કહ્યું હતું.

હું તેને આટલુ વ્યાજ ચુકવી શકુ તેમ ન હોઇ વિનંતી કરતાં તેણે દસ લાખ તો દેવા જ પડશે નહિતર તારા ફલેટનું સાટાખત મારા નામે છે તેનો ઉપયોગ કરી તારા પરિવારને ફલેટમાંથી કાઢી મુકીશ તેવી ધમકી આપી હતી. એ પછી એક મહિના બાદ હિનેશે રૃબરૃ મળી કહેલ કે રૃા. ૩૦ હજાર વ્યાજ આપી દે, મેં હાલમાં પૈસા ન હોઇ તેમ કહી તેને કહેલુ કે હવે પઠાણી ઉઘરાણી કરશો તો મારી પાસે દવા પીવા સિવાય રસ્તો જ નથી તેમ કહેતાં હિનેશે કહેલ કે મેં તને જે રૃપિયા આપ્યા છે એ મેં મિલન ટાટમીયા પાસેથી લીધા છે, તમે મને વ્યાજ નથી આપતા એટલે તમારા વતી મારે દર મહિને તેને ૩૦ હજાર આપવા પડે છે. હવે તમારા ફલેટનો સાટાખત મિલન ટાટમીયાના નામે કરવો પડશે તેમ કહી હિનેશના નામનો સાટાખત કેન્સલ કરાવી જુલાઇ-૨૦૨૦માં બળજબરીથી મિલન ટાટમીયાના નામે સાટાખત કરાવી લીધો હતો.

એ સમયે મિલને સુથી પેટે ૩૦ લાખનો ચેક આપેલો અને હિનેશે કહેલુ કે તું ચેકના રૃપિયા તારા ખાતામાં જમા થાય એટલે મારી ઓફિસમાં કામ કરતાં ભાગ્યેશ પંડ્યાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેજે નહિતર તારા સહી કરેલા ચેક મારી પાસે પડ્યા છે તેમાં મોટી રકમ ભરી બાઉન્સ કરાવી તારા પર કેસ કરીશ. તેવી ધમકી આપતાં મેં ભાગ્યેશના ખાતામાં ૩૦ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતાં. નેટ બેંકીંગથી આ રકમ કટકે કટકે ટ્રાન્સફર કરી હતી. એ પછી હિનેશે રૃા. ૧૦ લાખનું ૩ ટકા લેખે ૩૦ જહાર વ્યાજ માંગ્યું હતું અને પોતે આ રકમ મિલન ટાટમીયાને આપી દેશે તેમ કહ્યું હતું.

ફરીથી હિનેશે વયજ માંગી ફલેટનો સાટાખત પોતાની પાસે છે તેના આધારે ફલેટ ખાલી કરાવવાની ધમકી આપી ગાળો દઇ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. હાલમાં પણ આ ધમકીઓ ચાલુ છે.

જયેશ જોષીએ ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે જુન-૨૦૧૮માં મારે રૃપિયાની જરૃર પડતાં ચિરાગ પટેલ પાસેથી ૩,૪૫,૦૦૦ લીધા હતાં. જેનું પાંચ ટકા વ્યાજ તેણે બે વર્ષ સુધી વસુલી કુલ રૃા. ૪,૨૪,૦૦૦ વસુલ્યા હતાં. એ પછી નવેમ્બર-૨૦૧૮માં ચિરાગ પાસેથી ૪ લાખ લીધા હતાં. તેના પાંચ ટકા વ્યાજ લેખે રૃા. ૨,૭૨,૦૦૦ ચુકવ હતાં. એ વખતે ચિરાગને  મારા બનેવીની સહીવાળા કોરા ચેક અને કોરો સ્ટેમ્પ પેપર આપ્યા હતાં. તેને મોટા ભાગની રકમ આપી દીધી છે છતાં વધુ વ્યાજ માગે છે. ચિરાગે હવે મુળ રકમ ૮,૨૪,૦૦૦ તો દેવા જ પડશે તેમ કહી ધમકી આપી હતી. ચિરાગના પત્નિ હેતલબેન અને સાસુ લીલાબેને પણ ફોન કરી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપ્યો હતો.

આ ઉપરાંત વિક્રમ ુખમાણ પાસેથી અઢી વર્ષ પહેલા બે લાખ વ્યાજે લઇ ૧ાા લાખ દીધા હતાં. વધુ બે લાખ માંગી ધમકી આપે છે. પરેશ દેથરીયા પાસે બે વર્ષ પહેલા ૧,૪૦,૦૦૦ લીધા હતાં. તેથી સામે ૧,૦૨,૪૦૦ ચુકવી દીધા છે છતાં ગાળો દઇ ધમકી દઇ વ્યાજ માંગે છે. ઉમેશ પટેલ પાસેથી બે લાખ લીધા હતાં તેને ૧.૬૦ લાખ ચુકવી દીધા છે, વિક્રમ પટેલ પાસેથી નવ મહિના પહેલા ૨ લાખ લઇ પાંચ ટકા વ્યાજ ચુકવ્યું છે. તેણે મારી આઇટેન ગાડી જીજે૦૩જેસી-૦૦૮૦નું લખાણ કરાવી લીધું છે. આ ઉપરાત તે વ્યાજ માંગી ગાળો દઇ પઠાણી ઉઘરાણી કરે છે.

તેમજ સંદિપસિંહ કે જેનું પુરૃ નામ આવડતું નથી તેની પાસેથી ૧૧ મહિના પહેલા ૪૦ હજાર લીધા હતાં. ૧૨ ટકા વ્યાજ લેખે તેને ૧૪ હજાર ચુકવી દીધા છે. તે પણ વધુ વયજ માંગી મારી નાંખવાની ધમકી આપે છે. પ્રિયેશ ધનેશા પાસેથી ૩૦ હજાર લીધા હતાં. તેને ૨૨૫૦૦ ચુકવ્યા છે. છતાં વધુ ૩૦ હજાર માંગી ઉઘરાણી કરવા ઘરે આવી ધમકાવે છે. ઉઘરાણી માટે લોકો ઘરે આવવા માંડતા મેં પરિવારજનોને જાણ કરી હતી. એ બધાએ હિમ્મત આપતાં અંતે મેં ફરિયાદ કરી છે. તેમ વધુમાં જયેશ જોષીએ ફરિયાદમાં જણાવતાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા,  ગિરીરાજસિંહ, રાજેશભાઇ, હરપાલસિંહ, જયંતિગીરી સહિતના સ્ટાફે બે શખ્સને પુછતાછ માટે ઉઠાવી લીધા છે.

(1:15 pm IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે માંડવી તાલુકાના સઠવાવ ખાતે 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના'નુ કરાયુ લોકાર્પણ સંપન્ન : રૂ.૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે : ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦ ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. માંડવી અને માંગરોળ તાલુકાના ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોમા ઉગશે સમૃદ્ઘિનો સૂરજ ઉગશે access_time 11:46 am IST

  • વિરાટ કોહલી પિતા બન્યાઃ પત્ની અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. તેમના પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. લક્ષ્મીજીના આગમનથી પરિવારમાં ઉત્સાહ છવાયો છે. access_time 4:44 pm IST

  • દેશમાં કોરોના થાક્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,199 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,04,66,545 થઇ :એક્ટિવ કેસ 2,20,388 થયા: વધુ 15,263 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,0 0 ,90,658 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51,184 થયો access_time 11:59 pm IST