Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રીંગણાનું શાક બનાવનાર માતાને ગાળો ભાંડતા આકાશને પડોશીઓએ પતાવી દીધોઃ પાંચ હાથવેંતમાં

પડોશી આમીરખાને ગાળો ન બોલ અમારા ઘર સુધી સંભળાય છે તેમ કહેતાં આકાશે તમારે શું લેવા-દેવા? એમ કહેતાં માથાકુટ થઇઃ રિક્ષા લઇ નીકળ્યો ત્યાં મામાવાડી ચોકમાં આમીરખાન સહિત પાંચ સળીયા-પાઇપથી તૂટી પડ્યા હત્યારા મુળ યુ.પી.ના વતનીઃ ટ્રાન્સપોર્ટમાં મજૂરી કામ કરે છે

આકાશનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો, ઘટના સ્થળ અને પોલીસ નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૧: કુવાડવા રોડ પરના નવાગામ આણંદપરમાં ઠાકર મંદિરની બાજુમાં મામાવાડી વિસ્તારમાં રહેતાં રિક્ષાચાલક આકાશ પોલાભાઇ કાંજીયા (ઉ.વ.૨૧) નામના દેવીપૂજક યુવાનને તેના જ પડોશમાં રહેતાં આમીરખાન શેખ સહિત પાંચ શખ્સોએ સળીયા-પાઇપના ઘા ફટકારી તેમજ ઢીકાપાટુનો માર મારી પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. કુવાડવા પોલીસે ગુનો નોંધી પાંચ આરોપીઓને સકંજામાં લઇ લીધા છે. હત્યાનો ભોગ બનનારના ભાઇઓએ જણાવ્યું હતું કે માતા લાભુબેને રીંગણાનું શાક બનાવ્યું હતું, જે આકાશને જરાય ભાવતું નહોતું. આથી તે 'રીંગણાનું શાક શું કામ બનાવ્યું?' કહી માતા સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતો હતો. આ બાબતે પડોશી આમીરખાન શેખે 'તું જોર જોરથી ગાળો ન બોલ, અમારા ઘર સુધી સંભળાય છે' તેમ કહી ઝઘડો કર્યા બાદ આકાશ રિક્ષા લઇને નીકળ્યો ત્યારે મામાવાડી ચોકમાં જ તેના પર આમીરખાન સહિતના તૂટી પડ્યા હતાં અને તેની લોથ ઢળી ગઇ હતી.

હત્યાના આ બનાવમાં કુવાડવા પોલીસે હત્યાનો ભોગ બનનાર આકાશના માતા લાભુબેન પોલાભાઇ કાંજીયા (દેવીપૂજક) (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી આમીરખાન  શેખ, ઇરફાન શેખ, રિઝવાન શેખ, મકસુદ શેખ અને સત્યમસિંગ રવિન્દ્રસિંગ રજપૂત  સામે આઇપીસી ૩૦૨, ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩,૧૧૪, ૧૩૫ મુજબ રાયોટીંગ-હત્યાનો ગુનો નોંધ્યો હતો. સત્યમસિંગ પણ પોતાના પર આકાશે છરીથી હુમલો કર્યાની રાવ સાથે હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. તેના સહિત પાંચેય આરોપીને કુવાડવા પોલીસે સકંજામાં લીધા છે.  લાભુબેને પોલીસને જણાવ્યું હતું કે તેને સંતાનમાં ચાર પુત્ર અને બે પુત્રી છે. સોૈથી મોટો વિજય, એ પછી દિકરી સુનિતા, એ પછી પુજા અને તેનાથી નાનો સંજય, અરવિંદ તથા સોૈથી નાનો આકાશ છે. તેણીના પતિ અરજણભાઇ ગોવિંદભાઇ ગુજરી ગયા છે. એ પછી તેણે દિયરવટુ વાળ્યું છે. વિજય અને સુનિતા પહેલા ઘરના સંતાન છે. આકાશ ૨૧ વર્ષનો હતો અને કુંવારો હતો.

લાભુબેને વધુમાં જણાવ્યું હતું કે રવિવારે સાંજે સવા ચારેક વાગ્યે હું, મારા પતિ પોલાભાઇ, દિકરીની દિકરી ચાંદની અમારી રિક્ષામાં બેસી મામાવાડીના રસ્તે નીકળ્યા ત્યારે ટોળુ ભેગુ થયું હોઇ હું જોવા જતાં મારો દિકરો આકાશ રોડ પર લોહીલુહાણ પડેલો જોવા મળ્યો હતો. કોઇએ ૧૦૮ બોલાવતાં આકાશને સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતાં. પરંતુ ત્યાં ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

બપોરે આકાશ મારી સાથે ગાળાગાળી કરતો હોઇ જેથી પડોશી આમીરખાન શેખે આવી કહેલ કે જોર જોરથી ગાળો ન બોલ, અમારા ઘર સુધી સંભળાય છે. આથી આકાશે અમે અમારી ઘરે ગાળો બોલીએ એમાં તમારે શું લેવા દેવા? કહેતાં આમીરખાને બોલાચાલી કરી હતી. એ પછી સાંજે આકાશ રિક્ષા લઇને નીકળતાં મામાવાડી ચોકમાં તેના પર આમીરખાન, ઇરફાન, રિઝવાન, મકસુદ અને સત્યમસિંગે બપોરના ઝઘડાનો ખાર રાખી મારા દિકરા પર સળીયા-પાઇપથી હુમલો કરી ઢીકાપાટુ પણ માર્યા હતાં. માથામાં જોરદાર ઘા લાગ્યા હોઇ તેનું મોત થયું હતું. આ ઘટના મારા દિકરા અરવિંદની પત્નિ કોમલે નજરે નિહાળી હોઇ તેના કારણે મને આરોપીના નામ જાણવા મળ્યા હતાં.

ઘટનાની જાણ થતાં એસીપી એસ.આર. ટંડેલ, પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, એએસઆઇ હિતુભા ઝાલા, હિતેષદાન ગઢવી, અરવિંદભાઇ મકવાણા, જયંતિભાઇ એસ. ગોહિલ, કિશોરભાઇ પરમાર, કોન્સ. વિરદેવસિંહ જાડેજા, મુકેશભાઇ સબાડ, દેવેન્દ્રસિંહ જાડેજા સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપીઓને સકંજામાં લઇ પુછતાછ આદરી છે. કોરોના ટેસ્ટ બાદ અટકાયતમાં લેવા કાર્યવાહી થશે. આ તમામ મુળ યુ.પી.ના રહેવાસીઓ છે અને ટ્રાન્સપોર્ટમાં મજૂરી કરે છે.

  • એક આરોપી પણ ઘવાતાં સારવાર લીધી

. પાંચ પૈકીનો એક આરોપી સત્યસિંગ રવિન્દ્રસિંગ રજપૂત (ઉ.૨૩) પણ પોતાને આકાશે છરી ઝીંકયાની ફરિયાદ સાથે સિવિલમાં દાખલ થયો હતો. પરંતુ વધુ ઇજા ન હોઇ રજા અપાતાં પોલીસે ઉઠાવી લીધો હતો.

  • દોઢ મહિના પછી આકાશના લગ્ન હતાં: નવાગામમાં જ સગાઇ થઇ'તી
  • માતા ટોળુ જોઇ શું થયું એ જોવા ગઇ ત્યાં દિકરો લોહીલુહાણ મળ્યો

.હત્યાનો ભોગ બનનાર આકાશની સગાઇ નવાગામના જ નરેશભાઇ રાઠોડની દિકરી પાયલ સાથે થઇ હતી. દોઢ મહિના પછી લગ્ન થવાના હતા. માતા લાભુબેન   રિક્ષામાં નીકળ્યા ત્યારે મામાવાડી પાસે ટોળુ જોઇ શું થયું? એ જોવા જતાં દિકરો આકાશ લોહીલુહાણ મળ્યો હતો. તેને હોસ્પિટલે પહોંચાડ્યો હતો. પણ ત્યારે મોડુ થઇ ગયું હતુ઼.

(4:02 pm IST)
  • કૃષિ કાનૂનના વિરોધમાં હરિયાણાના ધારાસભ્ય અભયસિંહ ચૌટાલાનું ધારાસભ્યપદેથી રાજીનામુ : સ્પીકરને પત્ર લખી જાણ કરી : જો 26 જાન્યુઆરી સુધીમાં કૃષિ કાનૂન પાછો ન ખેંચાય તો મારા આ પત્રને રાજીનામુ ગણી લેજો access_time 5:43 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે માંડવી તાલુકાના સઠવાવ ખાતે 'કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઇપલાઇન યોજના'નુ કરાયુ લોકાર્પણ સંપન્ન : રૂ.૫૭૦ કરોડના ખર્ચે સાકાર થયેલી યોજનાથી માંડવી અને માંગરોળ તાલુકાના કુલ ૮૯ ગામોના ૪૯,૫૦૦ એકર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે : ૩ મધ્યમ ડેમ, ૨ મોટા તળાવો, ૬ કોતરો અને ૩૦ ચેકડેમોમાં પાણી સંગ્રહ થશે. માંડવી અને માંગરોળ તાલુકાના ૨૯૦૦૦ આદિજાતિ ખેડૂત પરિવારોમા ઉગશે સમૃદ્ઘિનો સૂરજ ઉગશે access_time 11:46 am IST

  • ત્રણ નવા કૃષિ કાનૂનના વિરોધમાં વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી દિલ્હીની સરહદે દેખાવો કરી રહેલા કિસાનોને સમર્થન દેતા ચેન્નઈના પેરુમલ નામના ખેડૂતે આત્મહત્યા કરી છે. access_time 9:01 pm IST