Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

લગ્નવાંચ્છુઓને છેતરતી નાગપુરની ટોળકીની મહિલા સહિત ત્રણને છટકુ ગોઠવી દબોચી લેવાયા

વોર્ડ નં. ૩ના ભાજપ પ્રમુખ હેમુભાઇ પરમાર અને પ્ર.નગર પોલીસની ટીમે દલાલ મહિલા સહિતને રાજકોટ કોર્ટ પાસે સકંજામાં લીધા

રાજકોટ તા.૧૧: લગ્ન કરવા ઇચ્છુક  યુવાનો અને તેના પરિવારજનો સાથે પરપ્રાંતની ટોળકી અવાર-નવાર ઠગાઇ કરતી હોવાની અને પૈસા લઇ જે તે કન્યા સાથે પરણાવાયા બાદ આ કન્યા લગ્નના એકાદ બે દિવસમાં જ ઘરમાંથી રોકડ-દાગીના ઉસેડીને છનનન થઇ જતી હોવાના કિસ્સા અગાઉ પણ બન્યા છે. તાજેતરમાં જંકશન પ્લોટ વિસ્તારના દરજી યુવાનને નાગપુરની એક યુવતિ સાથેના આવા લગ્નમાં છેતરપીંડીનો ભોગ બનવું પડ્યું હતું. સવા લાખ લઇ તેના લગ્ન કરાવનાર નાગપુરની મહિલા સાગ્રીતો સાથે આજે બીજો એક શિકાર કરવા રાજકોટ આવી હતી. પણ તેણીને શહેર ભાજપના વોર્ડ નં. ૩ના પ્રમુખ હેમુભાઇ પરમાર અને તેના કાર્યકરો તથા પ્ર.નગર પોલીસની ટીમે છટકુ ગોઠવી મોચી બજાર કોર્ટ પાસે દબોચી લીધા છે.

પકડાયેલી આ ટોળકીમાં અનુ નામની એ મહિલા પણ સામેલ છે જેણે જંકશન પ્લોટના દરજી યુવાનના લગ્ન કરાવી સવા લાખ રૂપિયા દલાલી પેટે લીધા હતાં. તેણીએ જેની સાથે લગ્ન કરાવી આપ્યા હતાં એ દૂલ્હન લૂટેરી નીકળી હતી અને લગ્નની બીજી જ રાતે ઘરમાંથી સવા ત્રણ લાખની મત્તા ઉસેડી ભાગી ગઇ હતી. અનુ નામની આ મહિલા એક સિંધી યુવાનને કન્યા બતાવવાના બહાને બીજો શિકાર કરવા આજે આવી હતી. સિંધી પરિવારજનો કન્યા જોવા નાગપુર ગયા તેને અનુનો ભેટો થયો હતો. કન્યાની પસંદગી બાદ તેણીએ પૈસા નક્કી કર્યા હતાં.

પણ સિંધી પરિવારને જંકશનનો જ એક યુવાન છેતરાયો તેમાં પણ અનુ જ દલાલ તરીકે હોવાની ખબર પડતાં વોર્ડ નં. ૩ના પ્રમુખ હેમુભાઇને જાણ કરતાં છટકુ ગોઠવી અનુને કન્યા લઇને રાજકોટ આવવા અને પૈસા લઇ જવા કહેતાં તે માની ગઇ હતી. દરમિયાન આજે મોડી બપોરે રાજકોટ કોર્ટ પાસે તેણીને કન્યા સાથે બોલાવાઇ હતી. અહિ અગાઉ છેતરાયેલા પરિવારના સભ્યો પણ હતાં. તે અનુને જોતાં જ ઓળખી ગયા હતાં. આ મહિલા, તેની સાથે કન્યા તરીકે આવેલી યુવતિ સહિત ત્રણને પી.આઇ. વી.એેસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ ગોસ્વામી, યુવરાજસિંહ, વિરદેવસિંહ, અરવંદભાઇ, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમે પુછતાછ શરૂ કરી છે.

(3:52 pm IST)