Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સાંજે 'પ્રેમના પટારા'નું લોકાર્પણ

સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ જરૂરીયાતમંદ લોકોને ઉપયોગી : પૂર્વ કુલપતિ સંજીવભાઈ ઓઝાની ઉપસ્થિતિ * સ્વામી વિવેકાનંદજીના જીવન - કવન સંગીત કાર્યક્રમ

રાજકોટ, તા. ૧૧ : સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ તેમના જીવન - કવન સંગીત કાર્યક્રમ સાથે જરૂરીયાત લોકોને ઉપયોગી બને તે માટે પ્રેમનો પટારોનું લોકાર્પણ કાર્યક્રમ આજે શનિવારે સાંજે ૪ કલાકે રાખવામાં આવેલ છે.

તા. ૧૧ને શનિવારના સાંજે ૪ કલાકે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિવેકાનંદજીની પ્રતિમા પાસે સ્વામી વિવેકાનંદજીના જીવન-કવન સંગીત કાર્યક્રમ તથા 'પ્રેમના પટારા' નું લોકાર્પણ જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રી ડો. સંજીવભાઈ ઓઝાના હસ્તે કુલપતિશ્રી ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિશ્રી ડો. વિજયભાઈ દેશાણીની ઉપસ્થિતિમાં યોજાનાર છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાના સામાજીક ઉત્ત્।રદાયિત્વના ભાગરૂપે કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી તથા ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ 'પ્રેમના પટારા'નું કેમ્પસ ખાતે નિર્માણ કરેલ છે. આ 'પ્રેમના પટારા'નો મુખ્ય ઉદ્દેશ આપણા ઘરમાં રહેલ જુના કપડા, બુટ, જુની વસ્તુઓ પ્રેમના પટારામાં આપી સમાજના જરુરીયાતમંદને મદદરૂપ થવાનો છે. આ પ્રેમના પટારામાં રાજકોટ શહેરના નાગરીકો, સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ પોતાના પાસે રહેલ બિનવપરાશી ચીજવસ્તુઓ, કપડાં તથા અન્ય જમા કરાવી સમાજના જરુરીયાતમંદ લોકોને મદદરૂપ થઈ શકે છે.

ઘરમાં-આપની પાસે રહેલ જુના કપડા, જુની વસ્તુઓ હોય તો સાથે લાવી પ્રેમના પટારામાં જમા કરાવી યોગદાન આપવા માન. કુલપતિશ્રી - ઉપકુલપતિશ્રી એ અપીલ કરેલ છે.

આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યશ્રીઓ, ડીનશ્રીઓ, સેનેટ સભ્યશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

(3:35 pm IST)