Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

આમઆદમી, વેપાર, ઉદ્યોગને કરમાળખામાં રાહત આપે તેવા ૨૦ મુદ્દાઓ અંગે રાજકોટ મશીન ડીલર્સ એશો.ના સૂચનો

કેન્દ્ર સરકારના ૨૦-૨૧ના અંદાજપત્રમાં સરકારે માંગેલા સૂચન-અભિપ્રાયને અનુલક્ષીને : પ્રમુખ મનસુખભાઈ પટેલ તથા મંત્રી અશ્વિનભાઈ પટેલે પ્રિ. બજેટ મેમોરેન્ડમ રૂપે ટુ-ધ-પોઈન્ટ લેખિત રજૂઆત કરી

રાજકોટ, તા. ૧૧ :. કેન્દ્ર સરકારના ૨૦૨૦-૨૧ વર્ષના અંદાજપત્રને અનુલક્ષીને નાણા મંત્રાલય હેઠળ મહેસુલ વિભાગે ૧૧મી નવેમ્બરે એક પરીપત્ર દ્વારા પ્રથમ વખત વેપાર ઉદ્યોગ સંગઠનો પાસેથી કરમાળખા, અગવડતા અંગે સૂચનો તથા અભિપ્રાય માંગેલ જે અંગે રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશને વેપાર ઉદ્યોગ તથા આમઆદમીને લગતા ૨૦ મુદ્દાઓની પ્રિબજેટ મેમોરેન્ડમ રૂપે ટુ-ધ-પોઈન્ટ રજૂઆત કરેલ છે. વિવિધ ૨૦ મુદ્દા અંગે મહત્વના સૂચનો કરાયા છે.

મશીનરી ડીલર્સ એસોસીએશનના પ્રમુખ મનસુખભાઈ પટેલ તથા મંત્રી શ્રી અશ્વિનભાઈ પટેલે કરેલ લેખિત રજૂઆતમાં જણાનવ્યુ છે કે ૫મી જુલાઈ ૨૦૧૯માં રજુ કરાયેલ બજેટમાં અબજો રૂપિયાની રાહત કોર્પોરેટ ગૃહને આપી હતી જેથી આર્થિક મંદી દૂર કરી શકાય, કોર્પોરેટ બોર્ડને ટેક્ષ રેઈટમાં ૩૦ ટકામાંથી ૨૨ ટકા કરી હતી તે મુજબ જ જો નાના કરદાતાને રાહત આપવા અમારી માંગણી છે જેથી નાના કરદાતાઓના ઉહાપોહ અને અસંતોષ ખાળી શકાય.

લેખિત રજુઆતમાં જણાવ્યુ છે કે માંગવામાં આવેલ સૂચનો તથા અભિપ્રાયને અનુલક્ષીને અમારી એવી માંગણી છે કે નીચેના ૨૦ મુદ્દા અંગે આગામી બજેટમાં જો યોગ્ય રાહત આપવામાં આવે તો હાલની વિકટ પરિસ્થિતિમાં વેપાર-ઉદ્યોગને ઘણી રાહત થશે.

પાંચ લાખથી વધારે આવક થાય તો જૂના સ્લેબ પ્રમાણે અઢી લાખ જ બાદ મળે છે જે યોગ્ય નથી પાંચ લાખ સંપૂર્ણ કરમુકતનો લાભ કરી આપવો જોઈએ.

આ ઉપરાંત પાંચથી દસ લાખની આવક માટેનો સ્લેબ જે દર ૨૦ ટકા છે તે ૧૦ ટકા કરી આપવામાં આવે અને ૧૦ થી ૨૦ લાખ સુધીનો સ્લેબ જે ૩૦ ટકાનો છે તે ૨૦ ટકા કરી આપવો જોઈએ.

આવકવેરો વસુલવા માટેની મુકિત મર્યાદા જે હાલ અઢી લાખ છે તે પાંચ લાખ કરવી, નોકરીયાત વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડીડકશન રૂ. ૫૦ હજાર છે જે ઘણી ઓછી છે તે રકમ ૮૦ હજાર કરવી જોઈએ.

મહિલાઓ માટે અલગથી કોઈ મુકિત મર્યાદા નથી જેથી મહિલાઓ માટે મુકિત મર્યાદા લીમીટ ઓર્ડીનરી કરદાતાઓ કરતા થોડી વધારે કરવી જોઈએ.

મનસુખભાઈ તથા અશ્વિનભાઈના જણાવ્યા મુજબ ઓર્ડીનરી કરદાતાઓ માટે પાંચ લાખથી સ્લેબ કરાયેલ છે, પરંતુ સીનીયર સીટીજનને કયા સ્લેબમાં ગણવા તે સ્પષ્ટતા નથી જેથી તેમને એકથી દોઢ લાખ વધારાનો લાભ મળવો જોઈએ, તો છ થી સાડા છ લાખ સુધીની મુકિત મળવી જોઈએ.

કોઈ બેંક ડીફોલ્ટ થાય ત્યારે સીનીયર સીટીઝનને તેમની પુરેપુરી રકમ (થાપણ) પાછી મળવી જોઈએ કારણ કે તેનો જીવન નિર્વાહ વ્યાજની આવક ઉપર જ ચાલતો હોય છે. મેડીકલેઈમના પ્રીમીયમ પર ૧૮ ટકા જીએસટીમાંથી સીનીયર સીટીઝનને મુકિત આપવા પણ માંગ કરાય છે.

સુપર સીટીજન (૮૦ વર્ષથી મોટી ઉંમર)ને આવકવેરામાં સાતથી આઠ લાખ સુધી મુકિત મળવી જોઈએ. આવા નાગરીકોને પાંચ લાખ ઉપરની આવક ઉપર સીધા ૨૦ ટકા ટેક્ષ ભરવો પડે છે. સેવિંગ્ઝ ખાતામાં દસ હજાર સુધી વ્યાજ બાદ મળે છે તે વીસ હજાર સુધી કરવુ જોઈએ.

આ ઉપરાંત ૮૦-સી હેઠળ મળતી છૂટછાટો ૨ થી અઢી લાખ સુધીની બાદ મળવી જોઈએ. બક્ષીસ વેરાની મુકિત પચાસ હજાર છે. તે એક લાખ સુધીની કરવા માંગણી કરાઈ છે.

આ ઉપરાંત શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન, સરચાર્જ નાબુદ કરી આવકવેરા માળખુ સરળ કરવા પણ રજુઆત ડીલર્સ એસોસીએશનના પ્રમુખ મનસુખભાઈ પટેલ તથા મંત્રી અશ્વિનભાઈ પટેલે કરી છે.

(3:33 pm IST)