Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

ઇલેકટ્રીક બસો દોડાવવા તૈયારીઓઃ ૩૦ કન્ડકટરોની ભરતી

ર૬મી જાન્યુઆરીએ બીઆરટીએસ રૂટ પર ઇલેકટ્રીક બસની ટ્રાયલ

રાજકોટ, તા., ૧૧:  મ્યુ. કોર્પોરેશન દ્વારા પર્યાવરણ શુધ્ધીનાં હેતુથી શહેરમાં ઇલેકટ્રીક સીટી બસ તથા બીઆરટીએસ દોડાવવાની યોજના અમલમાં મુકવામાં આવનાર છે.

આ માટે રાજકોટ રાજપથ પ્રા.લી. દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે અને ઇલેકટ્રીક બસ માટે ૩૦ જેટલા કન્ડકટરોની ભરતી પ્રક્રીયા હાથ ધરી દેવાઇ છે.

આ અંગે સતાવાર સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મ્યુ.કોર્પોરેશન દ્વારા શહેરમાં બીઆરટીએસ રૂટ અને સીટી બસનાં રૂટમાં પ૦ જેટલી ઇલેકટ્રીક બસ આગામી વર્ષમાં ક્રમશઃ દોડાવવાનું આયોજન છે.

આ આયોજન હેેઠળ સૌ પ્રથમ આગામી ર૬ મી જાનયુઆરીએ બીઆરટીએસ રૂટ ઉપર ઇલેકટ્રીક બસની ટ્રાયલ લેવાશે.

આમ સૌ પ્રથમ ૧ ઇલેકટ્રીક બસની ટ્રાયલ લઇ બાદમાં આગામી જુલાઇ-ઓગષ્ટ સુધીમાં વધારે ઇલેકટ્રીક બસ દોડાવવાનું આયોજન છે. આથી આ નવી ઇલેકટ્રીક બસ માટે નવા ૩૦ જેટલા કન્ડકટરની ભરતી કરવાની પ્રક્રીયા શરૂ કરાઇ છે.

નોંધનીય છે કે ઇલેકટ્રીક બસના ઓપરેટીંગ-મેન્ટેનન્સ સહીતનો કોન્ટ્રાકટ આપી દેવાયો છે અને રાજકોટ રાજપથના પ્રા.લી. એ મ્યુ. કોર્પોરેશનની સ્વાયત કંપની છે. આ કંપની દ્વારા કંડકટર-ટીકીટ કલેકશનનો મેન પાવર કોન્ટ્રાકટ આપી દેવાયો છે. જેથી આ મેન પાવર કોન્ટ્રાકટર એજન્સી દ્વારા જ કન્ડકટરોની ભરતી કરવામાં આવી રહી છે.

(3:27 pm IST)