Gujarati News

Gujarati News

News of Saturday, 11th January 2020

રાજકોટમાં વધુ એક દૂષ્કર્મ

પ્રેમના નામે મયુરની 'કળા': યુવતિનું સર્વસ્વ લૂંટી લીધું, અંગતપળોના વિડીયો-ફોટા તેણીના ભાઇને મોકલી દીધા!

છ વર્ષ પહેલા લગ્નપ્રસંગમાં ઓળખ થઇ, પ્રેમમાં પડ્યા, લગ્ન કરવાનું નક્કી કર્યુ પણ છેલ્લે પ્રેમીએ 'રોન' કાઢી : દોઢેક વર્ષ સુધી લગ્ન કરી લેવાની વાતો કરી, છેલ્લે એકાદ મહિના પહેલા ગેસ્ટ હાઉસમાં લઇ જઇ 'હવે લગ્ન નથી કરવા, જો તું મળવા નહિ આવ તો ફોટા-વિડીયો વાયરલ કરી દઇશ' તેવી ધમકી આપી અને નવ દિવસ પહેલા આ ધમકી સાચી ઠેરવી દીધીઃ પ્ર.નગર પોલીસે દૂષ્કર્મ-ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધી ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં મયુર ગોરધનભાઇ ઘાવરીને સકંજામાં લેવા તજવીજ આદરી

રાજકોટ તા. ૧૧: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. એક પુખ્ત વયની યુવતિને છએક વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં ઠક્કરબાપા હરિજનવાસના યુવાન સાથે ઓળખ થયા બાદ પ્રેમ થઇ જતાં એ યુવાને લગ્ન કરી લઇશું તેવા આંબા-આંબલી બતાવી યુવતિ સાથે શરીર સંબંધો બાંધી એ પળોનું મોબાઇલ ફોનમાં શુટીંગ કરી ફોટા પાડી લઇ છેલ્લે હવે લગ્ન નથી કરવા, અને હું કહું ત્યારે સેકસ માટે નહિ આવ તો ફોટા-વિડીયો વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી છેલ્લે યુવતિએ તેને મળવાની ના પાડી દેતાં તેણે યુવતિના ભાઇના મોબાઇલમાં પોતાના અને યુવતિના અંગત પળના ફોટા-વિડીયો વ્હોટ્સએપથી મોકલી દેતાં ચકચાર મચી ગઇ હતી. મામલો પોલીસ સુધી પહોંચતા ગુનો નોંધી પ્રેમના નામે કામવાસના સંતોષવા 'કળા' કરનારા મયુર ગોરધનભાઇ ઘાવરી નામના શખ્સને સકંજામાં લેવા તજવીજ આદરી છે.

આ ઘટનામાં ભોગ બનનાર યુવતિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પરિવાર સાથે રહુ છું. છ-સાત વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં જાનમાં ઠક્કરબાપા હરિજનવાસમાં  રહેતાં મયુર ગોરધનભાઇ ઘાવરી નામના વાલ્મિકી યુવાન સાથે ઓળખાણ થઇ હતી. એ પછી અમે એક બીજા સાથે મોબાઇલ ફોન પર વાતચીત શરૂ કરી હતી અને અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અમે બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કર્યુ હતું. ત્યારબાદ અમે અમારા માવતરને ખબર ન પડે એ રીતે એકાંતમાં મળતાં હતાં. દોઢેક વર્ષ પહેલા સાતમ-આઠમના તહેવાર વખતે મયુરે મને ફોન કરી ઠક્કરબાપા હરિજનવાસમાં બોલાવતાં તેના ઘરે કોઇ નહોઇ મયુરે મને કહ્યું હતું કે આપણા માવતરને આપણા પ્રેમસંબંધની વાત કરી દઇએ અને લગ્ન કરી લેવા છે એ વાત પણ કરીએ. જેથી મેં તેને હા પાડી હતી. એ વખતે તેના ઘરે જ તેણે મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો અને મને ખબર ન પડે એ રીતે તેણે એ પળોનું મોબાઇલ ફોનમાં શુટીંગ કરી લઇ ફોટા પણ પાડી લીધા હતાં. ત્યાર પછી તેણે આપણે ટૂંક સમયમાં લગ્ન કરી જ લેવા છે...તેમ કહી શરીર સંબંધ બાંધ્યો હતો.

દરમિયાન એકાદ મહિના પહેલા મયુરે મને ફોન કરી પાછળની શેરીમાં આવ, ફરવા જવું છે તેમ કહેતાં હું ત્યાં જતાં પહોંચી મયુરની રાહ જોતી ઉભી હતી. ત્યાં તે ટુવ્હીલર લઇને આવ્યો હતો અને મને જુના બસ સ્ટેશન પાછળના એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. જેનું નામ મને યાદ નથી. ત્યાં તેણે રૂમ બૂક કરાવ્યો હતો. મેં ત્યારે તેને 'હવે આપણે આપણા વાલીને માતા-પિતાને પ્રેમસંબંધની અને લગ્ન કરવા છે તેવી વાત કરી લેવી જોઇએ' તેમ કહતાં  મયુરે લગ્ન કરવા જ નથી તેવું કહી દીધું હતું. તેમજ તેણે 'જો તું લગ્ન કરવાની વાત કરીશ તો આપણા ફોટા-વિડીયો શુટીંગ વાયરલ કરી દઇશ' તેમ કહી મને એ અંગળ પળોનું શુટીંગ ફોટા બતાવ્યા હતાં અને ધમકી આપી હતી કે હવે હું જ્યારે કહુ ત્યારે ત્યારે સેકસ માટે આવવું પડશે.

ત્યારબાદ મયુર અવાર-નવાર બ્લેકમેઇલ કરી મને બોલાવતો હતો. તા.૧/૧/૨૦ના રોજ મેં તેને હું હવે તારી પાસે નહિ આવું તેમ કહેતાં તે ગુસ્સે ભરાયો હતો અને મયુરે મારા ભાઇના મોબાઇલમાં તેણે મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો તેના ફોટા-વિડીયો વ્હોટ્સએપથી મોકલી દેતાં મારા ભાઇએ અમારા ઘરમાં પિતાને વાત કરી હતી. પિતાએ મને પુછતાં મેં મયુર સાથે પ્રેમસંબંધ હોવાનું અને દોઢ વર્ષથી લગ્ન કરવાનું નક્કી કર્યાની વાત પણ કરી હતી.

આજથી સવા મહિના પહેલા મયુરે ગેસ્ટહાઉસમાં સંબંધ બાંધી લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને જો હું બોલાવું ત્યારે નહિ આવ તો ફોટા-વિડીયો વાયરલ  કરી દઇશ તેવી ધમકી આપી હતી. તે સતત મને બોલાવતો હતો પણ હું ન જતાં તેણે ભાઇના મોબાઇલમાં ફોટા-વિડીયો મોકલી દીધા હતાં.

દિકરીની ઉપરોકત વાત સાંભળી પરિવારજનો ચોંકી ગયા હતાં અને પોલીસ મથકે પહોંચ્યા હતાં. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરી તથા પી.આઇ. વી.એસ. વણઝારાની સુચના હેઠળ પીએસઆઇ આર. એ. કપાસી, બાબુલાલ ખરાડી સહિતે આઇપીસી ૩૭૬ તથા ઇન્મફર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રેમ અને લગ્નના નામે દેખાડાતાં આંબા-આંબલીના નામે આંધળુકીયા કરતી તરૂણીઓ, યુવતિઓએ આ કિસ્સા પરથી ધડો લેવા જેવો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે.

(3:22 pm IST)