Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

મકરસંક્રાંતિએ પવન દેવતાનો મિજાજ ખુશ રહેશે : મોજથી પતંગ ઉડાડજો

શનિ - રવિ ઉત્તર ભારતમાં છૂટોછવાયો હળવો વરસાદ - પહાડી વિસ્તારોમાં સામાન્ય બરફવર્ષા થશે : કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળવર્ષાઃ સોમવારે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશેઃ અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૧ : આગામી ૧૪મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ હોય લોકો પતંગ ઉડાડવાની મોજ માણતા હોય છે ત્યારે ખાસ કરીને પવન કેવો રહેશે તે અંગે લોકોમાં ચર્ચાનો વિષય બનતો હોય છે ત્યારે આ વર્ષે મકરસંક્રાંતિએ પવનદેવતાનો મિજાજ ખુશ જ રહેશે. મોજથી પતંગ ઉડાડજો. પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે. દરમિયાન આવતીકાલે સૌરાષ્ટ્ર - કચ્છમાં ઝાકળવર્ષા જોવા મળશે તો શનિ-રવિ ઉત્તર ભારતમાં છૂટોછવાયો હળવો વરસાદ અને પહાડી વિસ્તારોમાં સામાન્ય બરફવર્ષા થશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે ''અકિલા'' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

ગત સપ્તાહ દરમિયાન આપેલી આગાહી મુજબ હાલમાં ન્યુનતમ તાપમાન નોર્મલ આસપાસ પહોંચેલું છે. જેમાં આજે   

રાજકોટમાં ૧૩ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), અમરેલી ૧૧.૭ (નોર્મલ), અમદાવાદ ૧૧ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી નીચુ), ગાંધીનગર ૯.૯ ડિગ્રી અને મહુવા ૯.૩ આ બંને સેન્ટરોમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચુ રહે છે.

હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાનથી મધ્ય પાકિસ્તાન આસપાસ પહોંચેલ છે. જેની અસરથી તા.૧૨-૧૩ (શનિ-રવિ) ઉત્તર ભારતમાં છૂટોછવાયો હળવો વરસાદ અને પહાડી વિસ્તારમાં સામાન્ય બરફવર્ષા થશે. જયારે બીજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૧૫ જાન્યુઆરી આસપાસ સક્રિય થાય તેમ છે.

તા.૧૨ થી ૧૮ જાન્યુઆરીની આગાહી કરતાં અશોકભાઈ પટેલ જણાવે છે કે આવતીકાલે તા.૧૨ના શનિવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઝાકળની શકયતા છે. જયારે રાજસ્થાનમાં હળવો વરસાદ થશે. તા.૧૪ના સોમવારે મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે. પવન ફરી નોર્થ ઈસ્ટના તા.૧૩થી પવનની ગતિ વધશે. જે ૧૫મી સુધી રહેશે અને ૧૪મીએ પવનની ગતિ સૌથી વધુ રહેશે.

તા.૧૫થી ૧૮ દરમિયાન કયારેક વાદળો પણ જોવા મળશે. તા.૧૬ થી ૧૮ લઘુતમ અને મહત્તમ એમ બંને તાપમાન  નોર્મલથી ઉંચા જશે એટલે ઠંડી ગાયબ થઈ જશે.

(4:18 pm IST)