Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

રાજકોટની ભાગોળે ૩૦૦૦ ગાયોનાં ભાંભરડા

કચ્છમાં દુષ્કાળઃ રાપર પંથકના માલધારીઓએ ગૌમાતા સાથે જામનગર રોડ પર પડાવ નાખ્યો : ૩૪ પરિવારો ગાયોને લઇને પહોંચ્યાઃ ગૌમાતાઓ ચારા વગર ટળવળે છેઃ રાજકોટની ગૌભકિતની કસોટીઃ અભણ માલધારીઓની આજીજી.... ગાય માતાજીને બચાવવા મદદ કરો : ઉત્તરાયણ પર્વે ગૌસેવાની ઉત્તમ તકઃ આડા-અવડા દાન કરવાને બદલે ઘાસ-ચારો મોકલો : કુદરતના ખોળો રહેલી ૩૦૦૦ ગાય માતાઓ ગૌ ભકતોને પોકારે છે : જામનગર રોડ પર કચ્છીઓના પડાવમાં ગૌ સેવા કરવાની ઉત્તમ તક : રોકડ રકમ નહિ ઘાસચારો મોકલવા અપીલ

૩૦૦૦ ગૌમાતાનો પોકારઃ જામનગર રોડ હાઇવે પર કચ્છના માલધારીઓએ ૩૦૦૦ ગાયો સાથે ધામા નાખ્યા છે. 'અકિલા'એ વી.ડી.બાલાને સાથે રાખીને મુલાકાત કરી હતી.  ર વર્ષના બાળકથી માંડીને ૮૦ વર્ષના વડીલ સુધીના ૧૭૦ માલધારીઓ ૩૦૦૦ ગાયો સાથે કુદરતના ભરોસે છે ગૌમાતાઓ સહાય માટે પોકારે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

રાજકોટ તા.૧૧:

II ઓમ ભર્ગાય નમઃII

IIહ્રીં સૂર્યાય નમ : II

સૂર્યદેવનો મકર રાશિમાં પ્રવેશ થાય છે. મકરસંક્રાંતિનું પર્વ આવી રહયું છે. આનંદ મંગલના આ પર્વે દાનનું પણ અપાર મહત્વ છે. ઉત્તરાયણના પર્વે ગૌસેવા સર્વોત્તમ માનવામાં આવે છે. રાજકોટવાસીઓ મદદ કરવામાં પાછા પડતા નથી. દાનની ઝોળી પ્રતિવર્ષ છલકાવી દે છે. આ વર્ષે કુદરતે રાજકોટને વિશેષ સેવાનો અવસર આપ્યો છે. ઓણ વરસાદ ખૂબ ઓછો છે. કચછનાં રાપર પંથકમાં તો મેઘરાજા વરસ્યા જ નથી. ગૌમાતાઓની અને માલધારીઓની દશા કફોડી થઇ. આ પંથકના માલધારીઓ ગાયનો માત્ર વ્યવસાય નથી કરતા, ગાયને જીવની જેમ સાચવે છે.

પાણી અને ઘાસપારાની તીવ્ર અછતના કારણે માલધારી પરિવારો ગાયોના ધણને લઇને ચાલતા થયા. કુદરત જયાં આશરો આપે ત્યાં રોકાશું. ચાલતા-ચાલતા માલધારી પરિવારો ૩૦૦૦ ગૌમાતા સાથે રાજકોટથી પસાર થતા હતા ત્યારે રાજકોટના એક ગૌભકતે જામનગર રોડ પર પોતાની જમીન એક વર્ષ માટે માલધારીઓને અને ગાયોને આપી દીધી.

જામનગર હાઇવે પર સ્ટેડિયમ પહેલા હોટલ તુલસી પાસે ધામા નાખ્યા છે. પાણીની વ્યવસ્થા છે, પરંતુ આના માટે ગૌમાતાઓ ટળવળે છે. માલધારીઓ સાવ અભણ છે અને દુનિયાદારીનું પણ પુરતું જ્ઞાન નથી, પરંતુ સંનિષ્ઠ ગૌભકત છે. માલધારીઓ છલકતી આંખે કહે છે કે, અમને આશરો આપનારનો ઉપકાર નહિ ભૂલીએ.

માલધારીઓ કહે છે કે, અમારી પેઢીઓથી ગૌસેવા ચાલે છે. ગાય માતા અમને સાચવી લે છે અને અમે ગાયમાતાને સાચવીએ છીએ. ગૌમાતાઓ અમારા પરિવારના સ્વજન જેવી છે. સુખ-દુઃખના દિવસોમાં એક-બીજાને સધિયારો આપીએ છીએ. હાલ દુઃખનો સમય છે. ગૌમાતાઓ ઘાસ-ચારા માટે ટળવળે છે. અમારાથી ગાયમાતાનું દુઃખ જોવાતું નથી. અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીેએ કે, અમારી માવડીઓ માટે ઘાસ-ચારાની વ્યવસ્થા કરાવો.

માલધારીઓમાં ૬૦ વર્ષના વડીલ વેલાભાઇએ કહયું હતું કે, રાપર પંથકના આડીસર, વેણુ, પ્રાસવા, ખાંડેક વગેરે ગામોમાંથી ૩૪ પરિવારો ગાયો સાથે અહીં આવ્યા છે. દુષ્કાળના કારણે પાણી કે ઘાસ કંઇ નથી. અહીં અમારી ગાયોને આશરો અને પાણી મળ્યા છે.

વેલાભાઇ, રાણાભાઇ, પાલાભાઇ, રામભાઇ, મથુરભાઇ, વેરશીભાઇ, ખોડાભાઇ, શકતાભાઇ વગેરે પોતાની ગાયો અને પરિવાર સાથે જામનગર રોડ પર આવ્યા છે. કુલ ૧૭૦ લોકો અને ૩૦૦૦ ગૌમાતાઓ છે.

માલધારીઓ કહે છે કે, અમને રોકડ રકમની જરૂર નથી. બસ ગાય માટે ઘાસચારો કોઇ મોકલે તો પણ અમે ઋણી રહીશું અને અમારી ગૌમાતાઓ બચી જશે.

ઘાસચારાના અભાવે દૂધનું ઉત્પાદન પણ ઘટી ગયું છે. ૩૦૦૦ ગૌમાતાઓ છે, પણ માત્ર ૧૦૦ / ૧૨૫ લીટર જેટલું જ દૂધ ઉત્પાદન થાય છે. આવતા ચોમાસા સુધી કુદરત અમારી કસોટી કરનાર છે. હજુ આખો ઉનાળો બાકી છે. જો કે માલધારીઓ કહે છે કે, અમને કુદરત પર પૂરો ભરોસો છે. અમારી ગાયો બચી જશે.

જામનગર રોડ પર માધાપર ચોકડીથી આગળ સ્ટેડિયમ પહેલા હોટલ તુલસી પાસે ૩૦૦૦ ગાય માતાઓ પોકારી રહી છે. રાજકોટના સેવાભાવીઓને સાદ આપે છે મોકો ચુકવા જેવો નથી. ઉત્તરાયણ પર્વે ખરા અર્થમાં ગૌસેવા કરીને ધન્ય બનો.

માલધારીઓનો સંપર્ક મો. ૯૯૨૫૮ ૨૬૧૯૫ / ૯૯૨૫૧ ૦૫૦૩૫ નંબરો પર થઇ શકે છે.

માલધારીઓ કહે છે, કપરા સંજોગોમાં ગૌમાતાને જીવની જેમ રાખીએ છીએ

અમે ગાયોને રખડતી નથી મૂકતા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગાયો રખડતી મૂકી દેવાનો રીવાજ છે. દોહવા સમયે ગાય શોધવા નીકળે અને બાદમાં રખડતી મૂકી દે છે દુષ્કાળ જેવા વર્ષમાં ગાયને ભગવાન ભરોસે છોડી દે છે.

કચ્છથી આવેલા માલધારીઓ કહે છે કે, ગાય અમારો આધાર છે કપરા સંજોગોમાં પણ અમે ગાયને ભગવાન ભરોસે છોડતા નથી. ગાયને રખડતી મૂકી દેવી અમારા માટે પાપ છે અમે ગાયનું જતન જીવની જેમ કરીએ છીએ.

આવા માલધારીઓ ભલે ભણેલા-ગણેલા નથી, પરંતુ ખરા અર્થમાં ગૌભકત છે એક વડીલ કહે છે કે, અમે એવા માલધારીઓ છીએ ગાય સાથે જીવીએ છીએ અને જીવ પણ સાથે નીકળે છે સારા વર્ષમાં ગાય માતા અમને ટકાવે છે, માઠા વર્ષમાં અમે ગાયને ટકાવવા ભટકીએ છીએ. આનાથી ઉત્તમ ગૌ-ભકિત કઇ હોય? આવા કોઇ દંભ-દેખાડા વગરના વગડાના ગૌભકતો અને તેની ગાયોની સેવા કરવાનો મોકો રાજકોટના સેવાભાવીઓ-સંસ્થાઓને મળ્યો છે.

સરકાર પણ રસ લેઃ કચ્છી દાતાઓ પણ આગળ આવે

રૂ. ૩૫નું લીટર ગાયનું પ્યોર દૂધ

રાજકોટ, તા. ૧૧ :. ગાયનું દૂધ ઉત્તમ માનવામાં આવે છે. પ્યોર દૂધ શોધવુ કઠીન છે, પરંતુ રાજકોટની ભાગોળે માત્ર રૂ. ૩૫માં ગાયનું પ્યોર દૂધ ઉપલબ્ધ છે. કચ્છની હિજરત કરીને આવેલા માલધારીઓ જામનગર રોડ પર ૩૦૦૦ ગાયો સાથે આવ્યા છે. આ માલધારીઓ કહે છે કે, ઘાસચારાના અભાવે ગાયોનું દૂધ ઘટી ગયું છે. ૩૦૦૦ જેટલી ગાયો વચ્ચે માત્ર ૧૦૦ / ૧૨૫ લીટર જેટલું દૂધ મળે છે. આ દૂધ અમે અહીંથી રૂ. ૩૫માં લીટર આપીએ છીએ.

૩૦૦૦ ગાયોના અસ્તિત્વનો સવાલ છે. મુખ્યમંત્રી રાજકોટના છે અને શહેરમાં આ હિજરતી ગૌમાતાઓ ભૂખથી ટળવળે એ શોભનીય નથી. સરકારે તત્કાળ આ ગાયો માટે યોગ્ય કરવું જોઈએ. માલધારીઓ માત્ર કુદરતના ભરોસે છે. તેની પાસે કોઈ યોજનાની જાણકારી નથી, કોઈ મેનેજમેન્ટ નથી, વર્તમાન પ્રવાહોની ગતાગમ પણ નથી. આવા માલધારીઓને ગૌભકતો માર્ગદર્શનથી માંડીને સહાય સુધીની મદદ કરી શકે છે.  દેશભરમાં કચ્છી દાતાઓના ડંકા વાગે છે. કચ્છ પંથકના માલધારીઓ અને કચ્છની ગૌમાતાઓ માટે આવા દાતાઓને પણ આહવાન છે, માત્ર ઘાસચારાની વ્યવસ્થા કરીને ગૌવંશ અને તેના ભોળા રખેવાડોને બચાવી લો.

(4:10 pm IST)
  • ગુરૂમીત રામ રહીમ દોષિત જાહેરઃ ૧૭મીએ સજા જાહેર કરાશે : ૨૦૦૨માં સીરસામાં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા થઈ હતીઃ કોર્ટે દોષિત જાહેર કર્યા, ૧૭મીએ સજા અંગે આપશે ચુકાદો access_time 4:27 pm IST

  • આજે અમદાવાદમાં પેટ્રોલ ૧૮ પૈસા અને ડીઝલ ૨૯ પૈસા મોંઘું થયું : અમદાવાદમાં પેટ્રોલના લીટરે રૂા.૬૬.૫૮ અને ડીઝલના પ્રતિ લીટરે રૂા.૬૫.૬૩ access_time 4:03 pm IST

  • શારધા ગ્રુપ ઓફ કંપનીઝના નાણાંનો દુરુપયોગ અને છેતરપિંડીના આરોપો સાથે પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના પત્ની નલિની ચિદમ્બરમ ફરતો ગાળિયો ભીંસતો જાય છે : શારધા ગ્રુપના માલિક સુદીપ્તો સેન સાથે મળીને છેતરપિંડી અને નાણાંનો દુરુપયોગ કર્યાના ચાર્જીસ નલિની ચિદમ્બરમ સામે મુકાતા હવે આ કેસ નવા તબક્કામાં પ્રવેશેલ છે. access_time 5:54 pm IST