Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

સ્વાઇન ફલૂથી કોટડા સાંગાણી પંથકના આધેડનું મોતઃ નવા વર્ષમાં ચોથુ મોત

ગયા વર્ષે રાજકોટની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં ૪૫ દર્દીઓનો ભોગ લેવાયો હતોઃ સિવિલમાં આજે ૮ દર્દી, બે ના રિપોર્ટ બાકીઃ ખાનગી હોસ્પિટલમાં ૧૮ દર્દી સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૧: સ્વાઇન ફલૂએ આજે સવારે સિવિલ હોસ્પિટલમાં કોટડા સાંગાણી પંથકના સાંઢવાયા ગામના આધેડનો ભોગ લીધો છે. તે સાથે નવા વર્ષમાં સ્વાઇન ફલૂથી મોતનો આંક ૪ થયો છે. ગયા વર્ષે તા. ૧-૯-૧૮ થી વર્ષના છેલ્લા મહિના સુધીમાં શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઇન ફલૂથી કુલ ૪૫ મૃત્યુ થયા હતાં.

જાણવા મળ્યા મુજબ સાંઢવાયા ગામના ૪૫ વર્ષના આધેડને ચાર-પાંચ દિવસથી તાવ આવતો હોઇ બહાર દવા કરાવ્યા બાદ બે દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગઇકાલે તેમનો સ્વાઇન ફલૂનો રિપોર્ટ પોઝિટીવ જાહેર થયો હતો. દરમિયાન આજે સવારે સાડા સાતેક વાગ્યે આ આધેડએ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

આજે સિવિલ હોસ્પિટલમાં ૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં બે દર્દીના રિપોર્ટ બાકી છે. પરમ દિવસે બે દર્દી સાજા થતાં રજા અપાઇ હતી. આજે થયેલા મૃત્યુ સાથે નવા વર્ષમાં તા.૧-૧-૧૯ થી ૧૦-૧-૧૯ સુધીમાં કુલ મૃત્યુઆંક ૪ થયો છે. ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના બાર દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં ગોંડલ, જસદણ, ધોરાજી, કોટડા, મોરબી અને કચ્છ તથા રાજકોટના દર્દીઓનો સમાવેશ થાય છે.

(3:35 pm IST)