Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમઃ વળતર ન ચુકવે તો વધુ સજા

રાજકોટ તા.૧૧: ચેક રીર્ટનના કેસમાં ગાંધીગ્રામના રમેશભાઇ રાઠોડને કોર્ટે એક વર્ષની સજા કરીને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

રાજકોટમાં સદગુરૂ વંદનાધામ ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપર કહેતા સુનિલકુમાર અમૃતલાલ નાગરએ રાજકોટની અદાલતમાં નેગોશ્યેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરીયાદ નોંધાવેલ કે રમેશભાઇ પ્રતાપભાઇ રાઠોડ, ઠેઃ- સત્યનારાયણ સોસાયટી, ગાંધીગ્રામ, રાજકોટને સંબંધના દાવે રૂ.૫૦,૦૦૦/- હાથ ઉછીના આપેલ અને જે રકમ પેટે રમેશભાઇએ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રનો રૂ.૫૦,૦૦૦/-નો ચેક આપેલ જે ચેક બેંકમાં રજુ રાખતા સદરહું ચેક એકાઉન્ટ કલોઝડના શેરા સાથે પરત ફરેલ અને જે અંગે ફરીયાદી સુનિલભાઇ નાગરના એડવોકેટ મારફત નોટીસ આપવામાં આવેલ અને ત્યારબાદ અદાલતમાં સદરહું કેસ દાખલ કરવામાં આવેલ હતો.

સદરહું કેસમાં ફરીયાદી દ્વારા જુદા જુદા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ હતા અને આરોપી દ્વારા ફરીયાદીની અને સાક્ષીઓની જુબાની લેવામાં આવેલ હતી. અને અદાલત દ્વારા સદરહું કેસ ચાલેલ હતો ત્યારબાદ અદાલત દ્વારા સમગ્ર દસ્તાવેજી પુરાવાઓ અને જુબાનીઓનું મુલ્યાંકન કરવામાં આવેલ હતું. સદરહું કામમાં ફરીયાદપક્ષ દ્વારા રજુઆત કરવામાં આવેલ કે આરોપી દ્વારા નોટીસનો કોઇ જવાબ આપવામાં આવેલ નથી અને આરોપીના વિશેષ નિવેદનમાં દરવખતે અલગ અલગ બાબતો જણાવેલી છે આરોપીએ ફરીયાદીને રકમ ચુકવેલ હોય કે રકમ મેળવેલ ન હોય તેવો કોઇ પુરાવો રજુ કરેલ નથી અને ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ અને કાયદાકીય બાબતોને ધ્યાને રાખી અદાલત દ્વારા માનવામાં આવેલ કે આર્થીક વ્યવહાર દેશની અર્થવ્યવસ્થા જીવન રેખા સમાન છે અને દાખલારૂપ સજા થાય અને ફરીયાદીને યોગ્ય ન્યાય વળતર મળે તે મુજબ નેગોશ્યેબલ એકટની કલમ-૧૩૮ના ગુન્હા સબબ એક વર્ષની સાદી કેદની સજા તથા સી.આર.પી.સી.ની કલમ-૩૫૭ (ક) અન્વયે ફરીયાદીને રૂ.૫૦,૦૦૦/-નું વળતર દિન-૬૦માં ચુકવી આપવું જો રકમ ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં ફરીયાદી યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્યાસ એડવોકેટ તરીકે રોકાયેલા છે.

(3:33 pm IST)