Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વડાપ્રધાન રોજગાર યોજનાથી શિક્ષિત બેરોજગારો પગભર થશેઃ દિપક મદલાણી

રાજકોટ તા.૧૧: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શિક્ષીત બેરોજગારોને આર્થિક રીતે પગભર કરવા પ્રધાનમંત્રી રોજગાર યોજનાનો પ્રારંભ કરીને બેરોજગારોને રોજગારી પુરી પાડવા શરૂ કરેલા અભિયાનને વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ આવકારી જણાવ્યુ છે કે આયોજનાથી શિક્ષિત ઉમેદવારોને રોજગારી પ્રાપ્ત થશે.

આ યોજનામાં ૧૮ થી ૩૫ વર્ષના પુરૂષો અને ૧૮ થી ૪૫ વર્ષની મહિલાઓ જે શિક્ષીત બેરોજગાર હોય, અનુસુચિત જાતિ-જનજાતિ, ભૂતપૂર્વ સૈનિકો, શારિરીક રીતે વિકલાંગો હોય અને આઠ ધોરણ સુધી અભ્યાસ કર્યો હોય, સંસ્થાઓમાં છ મહિનાનું પ્રશિક્ષણ મેળવ્યું હોય તેમજ અરજદાર સહિત પતિ-પત્ની અને માતા-પિતાની આવક ૪૦ હજારથી વધુ ન હોય, ત્રણ વર્ષ સુધી એક જ સ્થળે સ્થાયી નિવાસસ્થાન હોય તેઓ આ યોજનાના હકકદાર બની શકશે.

આ યોજનામાં સમયાંતરે લોનની રકમ ઉપર વ્યાજ દર લાગશે. કારોબાર ક્ષેત્ર માટે રૂ.૧ લાખ સેવા તથા ઉદ્યોગ ક્ષેત્ર માટે રૂ.૨ લાખ સુધીની લોન મળશે. પસંદ થયેલા લાભાર્થીઓને લોનની ૧૫ ટકા રકમ અથવા રૂ.૭૫૦૦ રોકડ રૂપે આપવામાં આવે છે. લાભાર્થીઓના ઉદ્યોગ-ધંધાની પ્રગતિની સમીક્ષા સમિતિ દ્વારા કરવામાં આવે છે લોન ભરપાઇ કરવા માટે છ થી આઠ માસની છુટ આપવામાં આવે છે પરંતુ લોનના વ્યાજ દર સાથેના સરળ હપ્તા  ત્રણ થી સાત વર્ષની અંદર ચુકવવાના રહે છે.

વડાપ્રધાન દ્વારા શિક્ષીત બેરોજગારોને આર્થિક પગભર કરવા માટેની આ યોજનાને સરળ બનાવવામાં આવી છે. જેથી શિક્ષીત બેરોજગારો આ યોજનાનો લાભ લઇ આર્થિક રીતે પગભર થઇ શકે અને સમાજમાં સન્માનપૂર્વક જીવી શકે તેમ વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ અંતમાં જણાવ્યું છે.

(4:34 pm IST)