Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

વિજ્ઞાન જાથા સામે રાજકોટના 'ભૂદેવો'માં ઉકળાટઃ કલેકટરને આવેદન...

વિજ્ઞાન જાથા-જયંત પંડયા-હરેન પંડયા હાય હાયના કલેકટર કચેરીમાં ઉગ્ર સુત્રોચ્ચારઃ પ૦૦ થી વધુ બ્રાહ્મણો ઉમટી પડયા : જીતુ મહેતાની આગેવાનીઃ આવેદનમાં જયંત પંડયા વિરૂધ્ધ ગંભીર આક્ષેપોઃ સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરોઃ પોલીસ રક્ષણ પણ બંધ કરો...

વિજ્ઞાન જાથાના જયંત પંડયાના ઘરે ભૂદેવો ધસી ગયાઃ દેખાવો-ધરણા :રાજકોટ : વિજ્ઞાન જાથા અને તેના જયંત પંડયા વિરૂધ્ધ ાજકોટના હજારો ભૂદેવોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે, કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવો-આવેદન બાદ આ સેંકડો-પ૦૦થી વધુ ભૂદેવો આજે બપોરે વિજ્ઞાન જાથાના ચેરમેન-સ્થાપક જયંત પંડયાના ઘરે ધસી ગયા હતા અને ઉગ્ર સુત્રોચ્ચાર તથા શાબ્દીક ટપાટપી કરી દેખાવો યોજયા હતા. ધરણા ઉપર બેસી ગયા હતા, મામલો ભારે ગરમાવોવાળો બની ગયો હતો. તસ્વીરમાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયાના ઘરે સઘન પોલીસ બંદોબસ્ત તથા દેખાવો કરતા રાજકોટના બ્રાહ્મણો નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવતા અગ્રણીઓ નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧૧: શહેરમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં અંધશ્રધ્ધા-ભુત-પ્રેત-નાટકી ભુવાઓ-ધુણતા હોય તેવા સામે કામ કરતી સંસ્થા વિજ્ઞાન જાથા સામે આજે શહેરના ભૂદેવો ઉકળી ઉઠયા હતા અને પ૦૦ થી વધુ ભૂદેવો દ્વારા સમસ્ત કર્મકાંડ જયોતિષ વિજ્ઞાન, શ્રી હરધવન સેવા મંડળ, બ્રહ્મવિદ પરીષદ તથા સમસ્ત કર્મકાંડ એસો.ના નેજા હેઠળ કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા અને વિજ્ઞાન જાથા હાય હાય, જયંત પંડયા હાય હાય, હરેન પંડયા હાય હાયના ઉગ્ર સુત્રોચ્ચાર તથા વિજ્ઞાન જાથા કરોની એક જ માંગણ સાથે કલેકટર-એડી. કલેકટર જેતપુર હોય તેમની અવેજીમાં મધ્યાહન ભોજન યોજનાના ડે. કલેકટર શ્રી કે.એમ.પટેલને વિસ્તૃત આવેદન પત્રો આપી એડીએમની ચેમ્બર ગજવી મુકી હતી અને આવેદનમાં વિજ્ઞાન જાથા સામે પગલા લેવા માંગણી કરી હતી.

કલેકટર કચેરીએ ભૂદેવ આગેવાનોએ વિજ્ઞાન જાથા સામે મોરબીમાં જંગી સંમેલન અને ન્યાય ન મળે ત્યાં સુધી ઉગ્ર લડત ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.

આવેદનમાં વિસ્તૃતમાં ભૂદેવો દ્વારા કહેવાયું હતું કે, જામનગર રહેતા અને કમકાંડી નિર્દોષ બ્રાહ્મણ હિતેષભાઇ લાભશંકર જોષી પર વિજ્ઞાનજાથા જયંત પંડયા અને તેના મળતીયાઓ દ્વારા પોલીસ બંદોબસ્તનો દુર ઉપયોગ કરી ગુજારવામાં આવેલ દમન અંગે અમારી રજુઆત ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ તેમજ

સમગ્ર સૌરાષ્ટ્રમાં વિજ્ઞાન જાથાના નેજા હેઠળ સમાજ સેવાના નામે નિર્દોષોને લુંટવાની જયંત પંડયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે. આ જયંત પંડયાને રાજકોટ શિક્ષણ સમીતીની શાળામાં બાળકોની શિષ્યવૃતિના પૈસા હડપ કરવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આમ તેનો પોતાનો ઇતિહાસ ભ્રષ્ટાચારથી ખદબદે છે અને શિક્ષણ વિભાગમાંથી સસ્પેન્ડ થયા બાદ તેણે હાલમાં વિજ્ઞાનજાથા નામની સંસ્થાનું પાટીયુ લગાડી દોરા-ધાગાના ધતીંગ બંધ કરવાના નામે નિર્દોષ કર્મકાંડી બ્રાહ્મણો તેમજ હિન્દુ ધર્મના મંદિરના સંચાલકોને બ્લેક મેઇલ કરવાનો અને આ રીતે પૈસા રળવાનો ધંધો શરૂ કરેલ છે તે પોતાના આ ગોરખધંધા માટે પોલીસ તંત્રનો વ્યવસ્થિત ઉપયોગ કરે છે અને પોતાની સાથે બે-ત્રણ પોલીસ કર્મીને લઇ જાય છે અને પોતે કાળો કોટ પહેરીને જાણે મોટો અધિકારી હોય તે રીતે હાવ ઉભો કરી પોતાના મળતીયા લોકોને ગ્રાહક તરીકે પહેલા કર્મકાંડી બ્રાહ્મણો પાસે મોકલે છે. આ ગ્રાહકમાં પણ તે દલીત સમાજના ચાર-પાંચ લોકોને સાથે રાખે છે જેથી તેનો ખેલ જો ઉંધો પડે તો દલીત લોકોને આગળ કરી એસ્ટ્રોસીટી જેવી કલમો લગાડી દલીત સમાજનું અપમાન થયું છે તેવા ખોટા આક્ષેપો કરી વર્ગવિગ્રહ ઉભો કરાવી સામેની વ્યકિતને કાયદાકીય ગુંચમાં ફસાવી શકાય અને અન્ય સમાજની લાગણી પણ જીતી શકાય તેવા પ્રયત્નો કરે છે તેવા ગંભીર આક્ષેપો આવેદનમાં કરાયા હતા.

બ્રાહ્મણ સમાજે હંમેશા આદી અનાદી કાળથી સમાજના ભલા માટે હોમ-હવન અને વૈદીક મંત્રોચ્ચારથી સમાજનું હંમેશા ભલુ જ કર્યુ છે અને દ્રઢપણે એવું માનીએ છીએ કે દોરા-ધાગા કે તેવી પ્રવૃતિ કરી સમાજમાં દુષણ ફેલાવતા તત્વોને બંધ કરાવવા જ જોઇએ સમગ્ર સમાજ જાણે જ છે કે કર્મકાંડી બ્રાહ્મણો હંમેશા વૈદીક મંત્રચાર અને શાસ્ત્સ્રોકવિધી વિધાનથી સમાજના ઉત્થાન માટે કામ કરે છે કયારેય દોરા-ધાગા કે અંધશ્રદ્ધા ફેલાવતા તત્વોને સાથ આપતા નથી કે સમાજમાં દુષણો ફેલાવતા નથી પરંતુ આ જયંત પંડયાને બરોબર ખ્યાલ કે બ્રહ્મસમાજ શાંતિપ્રીય સમાજ છે અને કયારેય ઘર્ષણમાં ઉતરવાની વૃતી ધરાવતો નથી પોતે પણ બ્રહ્મસમાજમાંથી જ આવતો હોવાથી આ વાતને બરોબર જાણે છે અને તે હિસાબે જ પોલીસને સાથે રાખી નિર્દોષ લોકોના પૈસા હડપ કરવાના આશયથી આવા કામ કરે છે.

આથી અમારી માનસર અને નમ્ર અરજ છે કે સૌ પ્રથમ જયંત પંડયાને આવા કામો માટે આપવામાં આવતું પોલીસ રક્ષણ રદ કરવામાં આવે અને તેની વિજ્ઞાન જાથા સંસ્થા દ્વારા કરવામાં આવતી કામની પુરતી તપાસ કરી જયંત પંડયા દ્વારા સંસ્થાની અને સમાજ સેવાની આડમાં થઇ રહેલ ગોરખધંધા બંધ કરાવવા માટે તેની સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે તેવી કાર્યવાહી કરવામાં આવે અને તેના આવા કામમાં સાથ આપનાર જવાબદારી પોલીસ કર્મચારી અને બોગસ ગ્રાહક તરીકે ભાગ ભજવનાર તેની ટોળકીના સભ્યો સામે પણ કાયદાકિય પગલા લેવામાં આવે તેવી માંગણી ઉમટી પડેલા ભૂદેવોએ કરી હતી. આવેદન દેવામાં આગેવાનો જીતુભાઇ મહેતા તથા અન્યો જોડાયા હતા જેમાં શારદામ્બા સંસ્કૃત પાઠશાળા, સંતોષાનંદ સંસ્કૃત પાઠશાળા, બ્રહ્માનંદ સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો -અગ્રણીઓ જોડાયા હતા.

(3:05 pm IST)