Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

નરેન્દ્રબાપુ દ્વારા ૨૫૦ લાભાર્થીઓ માટે ૨૨ કરોડ ૪૯ લાખ મંજુર

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમની બેઠકમાં ચેરમેન નરેન્દ્રભાઇ સોલંકીના ધડાધડ નિર્ણયોઃ નિગમને ૫૦૦ કરોડનું બજેટ ફાળવોઃ નિગમના બાકી લેણાં માટે વનટાઇમ સેટલમેન્ટ યોજનાની મુદત વધારાની દરખાસ્ત

નરેન્દ્રભાઇ સોલંકીનો અકિલા પરિવાર સાથે પરિવારીક નાતો હોય તેઓ 'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. તસ્વીરમાં 'અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે નરેન્દ્રભાઇ સોલંકી નજરે પડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૧ : ગુજરાત પછાત વિકાસ વર્ગ નિગમ દ્વારા નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ગાંધીનગર મુકામે ગુજરાત પછાત વિકાસ વર્ગ નિગમ ગાંધીનગરના નિયામક મંડળની ૯૭મી બોર્ડ બેઠક તેમજ લાભાર્થી સમિતિની બેઠક રાખવામાં આવેલ હતી. જેમાં ૨૫૦થી વધુ લાભાર્થીઓના ફોર્મ ચકાસણી બાદ રૂ.૨૨ કરોડ ૪૯ લાખની લોન સહાય મંજૂર કરવામાં આવેલ.

આ લાભાર્થી મીટીંગમાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક સચિવશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતાના નિયામક કે. જી. વણઝારા, મહેસુલ વિભાગના નાણા સલાહકાર એસ. બી. પડધરીયા તથા સમાજ કલ્યાણ અધિકારી બારોટ, ઠાકોર કોળી વિકાસ નિગમ અને ગુજરાત પછાત વિકાસ વર્ગ નિગમના એમ. ડી. જશવંત ગાંધી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરોકત મીટીંગમાં બોર્ડ બેઠક તેમજ લાભાર્થી પસંદગી સમિતિના તત્વાધાનમાં ઉપરોકત સભ્યો દ્વારા નિગમના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં એમ. બી. બી. એસ., એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ તેમજ લઘુઉદ્યોગના ધંધા રોજગાર માટેની આવેલ તમામ અરજીઓની ચકાસણી કરી અને લોકોને તાત્કાલીક લોન સહાય મળે તે બાબતના આ મીટીંગમાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગુજરાત પછાત વર્ગ નિકાસ નિગમની આ બોર્ડ બેઠક અને લાભાર્થી પસંદગી સમિતિની બેઠકમાં આવેલ અરજીઓની ચકાસણી બાદ યોગ્ય અરજીઓના લાભાર્થીઓને રૂ.૨૨,૪૯,૦૦૦,૦૦ (બાવીસ કરોડ ઓગણ પચાસ લાખ)ની માતબર લોન સહાય મંજૂર કરવામાં આવેલ હતી. ત્યારબાદ આ અઠવાડીયામાં જ દરેક લોકોને મંજૂર થયેલા લોનના પૈસાઓ પૈકીની રકમ તાત્કાલીકના ધોરણે આ સપ્તાહમાં જ આર.ટી.જી.એસ. કરી અને તેઓના ખાતામાં જમા કરાવવાની સ્પષ્ટ સુચનાઓ આપવામાં આવેલ છે.

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા વન ટાઈમ સેટલમેન્ટ યોજના હેઠળ NBCFDC નવી દિલ્હી અને NMFDCને વન ટાઈમ સેટલમેન્ટ અંગે કરેલી કાર્યવાહીનું ફોલોઅપ કરી આ યોજનાની મુદ્દત ૬ મહિના લોનની રીકવરી માટેની નોટીસો સરકારમાં રજૂઆત કરવામાં આવેલ છે. ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના લોનની રિકવરી માટેની નોટીસો રવાનગીનું કામ સબબ ચેરમેનએ નિગમના વકીલોની ટીમ સાથે મીટીંગ યોજી ચર્ચા વિચારણા હાથ ધરી હતી. જેમાં બાકી રહેતા તમામ લોન કેસોમાંથી રીકવરીની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ હતું. જે કેસોમાં રીકવરી ડ્યુ થઈ હોય તેવા કેસો રીકવરી માટે વસૂલાત શાખામાં મોકલી રીકવરીની બુક બનાવી. અરજદારોને હપ્તા ભરવા તાકીદ કરવામાં આવશે તેમજ દર મહિને એસ.એમ.એસ. દ્વારા હપ્તાની જાણ લાભાર્થીઓને પણ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવેલ છે. આ મીટીંગમાં અરજદારો તરફથી આવેલ રજૂઆતોના જવાબ મોકલવા તેમજ નિગમમાં સ્ટાફની ભરતી માટે આગળની કાર્યવાહી કરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે.

ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમમાં ગુજરાતની ૧૪૬ જેટલી ઓબીસી જ્ઞાતિઓનો સમાવેશ થયેલો હોય આ તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ - વિદ્યાર્થીઓ તેમજ બેરોજગાર યુવાનોને વધુમાં વધુ લઘુઉદ્યોગો માટે સહાય મળી રહે તે હેતુથી નિગમનું બજેટ આવતા વર્ષમાં રૂ.૫૦૦ કરોડ સુધી વધારવા માટે એક ખાસ પત્ર તૈયાર કરી નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીએ ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે આ બાબતની મીટીંગ કરી અને જણાવેલ હતું કે ગુજરાતમાં ઓબીસી સમાજની આશરે ૧૪૬ જેટલી જ્ઞાતિઓ આવેલ છે. જે ખૂબ જ મધ્યમ અને ગરીબ વર્ગની જ્ઞાતિઓ છે. તેમના બાળકોના અભ્યાસ માટે તેમજ તેઓને લઘુઉદ્યોગના બિઝનેસ માટે લોનો આપવાથી તેઓ પણ સામાજીક સમરસ્તામાં જોડાઈ શકશે જેથી આ નિગમને આવતા વર્ષના બજેટમાં રૂ.૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવે જેથી આવતા દિવસોમાં ઓબીસી નિગમ દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સરકાર દ્વારા ઉપયોગી થઈ શકાય. જે બાબતે મુખ્યમંત્રી દ્વારા ઉમળકાભેર આ વાતને યોગ્ય કરવાની ખાત્રી આપેલ હતી. તેમજ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને પણ આ બાબતે પત્ર લખી અને રૂબરૂ મુલાકાત લઈ અને રૂપિયા ફાળવવા માટે પણ જણાવવામાં આવશે.

અગાઉ ઉપમુખ્યમંત્રીને નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા વાત કરવામાં આવતા તેઓએ પણ આ બાબતે ખૂબ જ યોગ્ય કરવાની ખાત્રી આપેલ છે. નવા બનેલા સવર્ણઆયોગ દ્વારા સવર્ણ વર્ગની જ્ઞાતિઓમાંથી આવતા ીવદ્યાર્થીઓને પણ શૈક્ષણિક લોન તેમજ ગરીબ વર્ગના લોકોને લઘુઉદ્યોગ માટે લોન મળી રહે તે માટે પણ ગઈ વિધાનસભામાં રૂ.૬૦૦ કરોડની નાણામંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ હતી. જે બાબતે પણ સરકાર ખૂબ જ પોઝીટીવ છે. સરકાર દરેક સમાજના લોકોને સાથે લઈ અને ચાલે છે. તે બાબત ખૂબ જ સરાહનીય છે. ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા સમાજ કલ્યાણ કેબીનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર તેમજ રાજય કક્ષાના મંત્રી વાસણભાઈ આહિર સહિતના સતાધીશો સાથે મુલાકાત કરી આ બાબતે યોગ્ય રજૂઆત કરેલ હતી. જેમાં દરેક પદાધિકારીઓ દ્વારા આ બાબતે યોગ્ય કરવાની ખાત્રીઓ આપવામાં આવેલ હતી.

ગયા વર્ષ દરમિયાન તેમજ નરેન્દ્રભાઈ સોલંકી દ્વારા ચાર્જ સંભાળતાની સાથે આશરે રૂ.૩ કરોડ ૩ લાખ જેવી રીકવરીઓ નિગમ દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ આવતા દિવસોમાં નિગમના અધ્યક્ષશ્રી તેમજ એમ. ડી. બંને દ્વારા દિલ્હી જઈ મેનેજીંગ ડીરેકટરશ્રી રાષ્ટ્રીય પછાત વર્ગ નાણા અને વિકાસ નિગમ, નવી દિલ્હી ખાતે જઈ અને આ નિગમને કેન્દ્ર સરકાર દ્વારા વધારેમાં વધારે રૂપિયા ફાળવવામાં આવે તે બાબતે યોગ્ય રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આવતા દિવસોમાં ગુજરાત રાજયના દરેક જીલ્લા કક્ષા તેમજ તાલુકાકક્ષા સુધી આ નિગમ દ્વારા આપવામાં આવતી વિદ્યાર્થી સહાય તેમજ તેમજ લઘુઉદ્યોગ સહાય માટેનું પ્રચાર પ્રસારનું કાર્ય કરવા માટે જીલ્લા વાઈસ કેમ્પોનું આયોજન કરવામાં આવશે.

આ સિવાય નિગમ સંબંધિત કોઈપણ કાર્ય માટે નિગમની ઓફીસ - શ્રી જીવરાજ ભવન જૂના સચિવાલય બ્લોક નં. ૧૧, બીજો માળ, સ્થળ પર ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ સોલંકી સોમવાર, મંગળવાર અને બુધવાર સુધી હાજર રહેશે તેવુ અખબારી યાદીમાં જણાવેલ છે.

(11:29 am IST)